મતદાન:માંડવીના ગંગારપરના એક જ બૂથમાં થયું સૌથી ઉંચું 98.45 ટકા મતદાન

માંડવી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામના બૂથ નં. 279માં કોંગ્રેસને એકપણ મત ન મળ્યો

માંડવી-મન્દ્રા વિધાનસભાની બેઠક પર ભાજપના ઉમેદવારે 48297 મતની જંગી સરસાઇ સાથે જીત મેળવી હતી. મતગણતરીના અંતે કેટલીક રોચક વિગતો બહાર આવી હતી. ચૂંટણીમાં માંડવીના ગંગારપરના એક જ બૂથમાં સૌથી ઉંચું 98.45 ટકા મતદાન થયું હતું તો મુન્દ્રા તાલુકાના હમીરમોરા ગામના બૂથ નં. 279માં કોંગ્રેસને એકપણ મત મળ્યો ન હતો.

ગંગાપર ગામના બૂથ નં. 143માં 193 લોકોએ મત આપતાં ટકાવારીની રીતે 98.45 ટકા સાથે સૌથી ઉંચું મતદાન થયું હતું. અહિ ભાજપને 190 તો કોંગ્રેસને 3 મત મળ્યા હતા જ્યારે આપને કોઇએ મત આપ્યો ન હતો. ગઢશીશાના બૂથ નં. 11માં 93.95 ટકા સાથે 529 મત પડ્યા હતા જેમાં ભાજપને 497, કોંગ્રેસને 18 તો આપને તેનાથી પણ અડધા 9 મત મળ્યા હતા. બૂથ નં. 8માં કોંગ્રેસને 306, ભાજપને 111 તો આપને 33 મત મળતાં કોંગ્રેસને 195 મતની સરસાઇ મળી હતી.

પ્રથમ વાર જંપ લાવનારા એઆઇએમઆઇએમના મોહમદ માંજલિયાએ આસંબિયા (2)ના બૂથ નં. 60માં સૌથી વધુ 289, બીજા ક્રમે કોંગ્રેસને 236 તો ભાજપને 165 મત મળ્યા હતા. આવી જ રીતે ડોણ (1)ના બૂથ નં. 61માં એઆઇએમઆઇએમનો ઘોડો આગળ રહ્યો હતો જેમાં આ પક્ષના ઉમેદવારને 221, કોંગ્રેસને 129 જ્યારે ભાજપને 126 મત મળ્યા હતા. પોલડિયાના બૂથ નં. 27માં 112 મત સાથે એઆઇએમઆઇએમએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

મુન્દ્રાના લુણીમાં 806માંથી ભાજપને માત્ર 46, એઆઇએમઆઇએમને 335, કોંગ્રેસ 206 અને આપને 119 મત મળ્યા હતા. સડાઉમાં બૂથ નં. 266 પર સૌથી વધુ કોંગ્રેસને 496, ભાજપ 175 તો આપને 193 મત મળ્યા હતા. હમીરપરમાં 80માંથી 67 લોકોએ મતાધિકારનો ઉપયોગ કરતાં 95.52 ટકા મતદાન થયું હતું જેમાં ભાજપને 64 તો આપને 2 અને નોટાને 1 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ખાતામાં એકપણ મત પડ્યો ન હતો.

માંડવી શહેરી વિસ્તારમાં વોર્ડ નં. 5 સલાયામાં ગત ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ કરતાં 1781 મત ઓછા મળ્યા હતા જ્યારે આ વખતે આપ મેદાનમાં આવતાં કોંગ્રેસને સરસાઇમાં ફટકો પડ્યો હતો. કોંગ્રેસને 1547, આપને 1347 તો ત્રીજા ક્રમે ભાજપને 1014 મત મળ્યા હતા. આમ શહેરમાં અહીં ભાજપને સૌથી ઓછો જનાધાર મળ્યો હતો. સૌથી વધારે વોર્ડ નં. 1 બાબાવાડી વિસ્તારમાં ભાજપને 2959, કોંગ્રેસને 572 તો આમ આદમી પાર્ટીને 677 મત મળતાં ભાજપને 2387 મતની લીડ મળી હતી.

અન્ય સમાચારો પણ છે...