ભીતિ વચ્ચે આયોજન:આગામી 10 દિવસમાં ડિલિવરી થઈ શકે તેવી 350 સગર્ભાઓની સંભાળ માટે આરોગ્ય તંત્ર હરકતમાં

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પશ્ચિમ કચ્છના 60 ગામોનો વરસાદના કારણે સંપર્ક તૂટે તેવી ભીતિ વચ્ચે આયોજન કરાયું
  • જો પાણીની સપાટી વધવા લાગશે તો મહિલાને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાશે

જિલ્લામાં સતત ભારે વરસાદના કારણે પશ્ચિમ કચ્છના ગામડાઓમાં ઠેરઠેર જળભરાવની સ્થિતિ વચ્ચે ઘણા ગામોમાં પાપડી પણ તૂટી ગઈ છે આ પરિસ્થિતિમાં સગર્ભા મહિલાને પ્રસૂતાની પીડા ઉભી થાય તેવા સંજોગોમાં માતા અને બાળકનો જીવ બચાવવા માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

વરસાદને કારણે અસરગ્રસ્ત/ગંભીર રીતે અસરગ્રસ્ત ગામો અથવા તો જેનો સંપર્ક કપાઈ શકે છે તેવા અંદાજીત 60 ગામોમાં આગામી 10 દિવસમાં 350 સગર્ભા મહિલાઓની ડિલિવરી થાય તેવી શકયતા છે.જેથી આરોગ્ય વિભાગના કર્મચારીઓને આ માટે ખાસ જવાબદારી સોંપવામાં આવી છે અને જો પાણીની સપાટીમાં વધારો થશે કે અન્ય કોઈ પરિસ્થિતિ ઉભી થશે ત્યારે તાત્કાલિક મહિલાનું ગામમાંથી હોસ્પિટલમાં સ્થળાંતર કરવામાં આવશે.

જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ માહિતી આપતા જણાવ્યું કે,ભારે વરસાદના કારણે ખાસ કરીને પશ્ચિમ કચ્છમાં અબડાસા, નખત્રાણા,લખપત,માંડવી અને મુન્દ્રા વિસ્તારમાં એવા અંદાજીત 60 ગામો છે કે જ્યાં વરસાદી પાણીની અસરથી વિકટ પરિસ્થિતિની સાથે ગામનો સપર્ક તૂટી જાય તેવી ભીતિ છે.જેથી હેલ્થ વિભાગના ડેટાના આધારે તપાસ કરવામા આવતા 350 મહિલાઓની માહિતી મળી છે.

જેઓ આગામી 10 દિવસમાં ડિલિવરી થવાની અપેક્ષા રાખે છે. જેથી આ મહિલાઓ પર મોનીટરીંગ રાખવા અને મુલાકાત લેવા માટે આશાવર્કર અને આરોગ્યસ્ટાફને સૂચના આપી દેવાઈ છે અને જો જરૂર પડશે, તો તેઓને સક્રિયપણે નજીકના આરોગ્ય કેન્દ્રોમાં ખસેડવામાં આવશે.તમામ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર કટિબદ્ધ હોવાનું ઉમેર્યું હતું.

ઇમરજન્સી દવાઓનો સ્ટોક દરેક દવાખાનાઓમાં પહોંચતો કરાયો : ડીડીઓ ભવ્ય વર્મા
ભારે વરસાદની સ્થિતિને લઈને સમગ્ર વહીવટીતંત્ર એલર્ટ છે અને ફ્લડ જેવી પરિસ્થિતિમાં લોકોની આરોગ્યની સંભાળ માટે દરેક દવાખાનાઓમાં ઇમરજન્સી દવાઓનો સ્ટોક રાખવામાં આવ્યો છે તેવું જણાવતા ડીડીઓ ભવ્ય વર્માએ વધુમાં કહ્યું કે,દરેક તાલુકા આરોગ્ય અધિકારી સાથે આ સંદર્ભે મીટીંગ કરી સૂચના આપી દેવાય છે.જેમાં ક્લોરીન,એન્ટીબાયોટિક,તાવ-શરદી સહિતની ફ્લડને લગતી દવાઓની કીટ તૈયાર કરી દરેક સરકારી દવાખાનામાં સ્ટાફ સુધી પહોંચતી કરાઈ છે.વરસાદબાદ મચ્છરજન્ય રોગચાળો ન પ્રસરે એ માટે મેલેરિયા વિભાગ દ્વારા પણ દવાઓનો સ્ટોક રાખી કામગીરી શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...