નખત્રાણા તાલુકાના કોટડા જડોદર પાસે બુધવારે હૃદયકંપાવી દે તેવી અકસ્માતની ઘટના બની હતી.જેમાં ડમ્પરના પૈડાં ફરી વળતા બાઈક લઈને જતા આધેડનું માથું છૂંદાઈ ગયું હતું તો આ બનાવમાં અન્ય એકને ઇજાઓ થતા હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
નખત્રાણા પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે, કોટડા-જડોદર રોડ પર બપોરે સવા એક વાગ્યાના અરસામાં આ અકસ્માતની ઘટના બની હતી.કોટડા જડોદરમાં રહેતા 52 વર્ષીય આદમ ઇબ્રાહિમ મંધરા પોતાની બાઈક નંબર જીજે 12 ઇજે 6545 લઈને ઘરે જતા હતા.
ત્યારે સામેથી આવતા ડમ્પર નંબર જીજે 09 એવી 2563ના ચાલકે ટકકર મારતા બાઇક ફંગોળાઈ અને તેના પર સવાર આદમભાઈના માથા પરથી ડમ્પરના પૈડાં ફરી વળતા ગંભીર ઇજાઓના કારણે ઘટનાસ્થળે જ મોત આંબી ગયું હતું.બનાવ એટલો ગંભીર હતો કે,હતભાગીનું મોઢું સાવ છૂદાઈ ગયું હતું.
તો બાઇકની પાછળ બેઠેલા સુરેશભાઈ મેરિયાને અસ્થિ ભંગની ઇજાઓ થતા સારવાર માટે ભુજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.રાજ્ય ધોરીમાર્ગ પર બનેલી ઘટનાને પગલે પરિવાર સહિત લોકોમાં પણ અરેરાટી છવાઈ ગઈ હતી. નખત્રાણા પોલીસે હતભાગીના પુત્રની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી ફરાર ડમ્પર ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.