વિશ્વમાં ઘોરાડ પક્ષી ૧૦૦થી પણ ઓછા બચ્યા છે.ભારતમાં રાજસ્થાન બાદ કચ્છમાં બચેલા ઘોરાડ પક્ષીને બચાવવા સતત સરકાર અને વનવિભાગ દુર્લક્ષ્ય સેવી રહ્યું છે. એક સમયે નોંધપાત્ર સંખ્યામાં રહેલા ઘોરાડ હવે ગુજરાત એટલે કે કચ્છમાં માત્ર ચાર જ બચ્યા છે અને તે પણ માદા એટલે વસ્તી વધવાનું કોઈ જ આશાનું કિરણ હાલની સ્થિતિએ નથી. ૨૦૧૮માં છેલ્લો નર દેખાતો બંધ થઇ ગયો છે. તેનો શિકાર થયો, સરહદ પાર ગયો કે અપમૃત્યુ તેનો જવાબ ફંડના નામે પૈસાનું પાણી કરતા વનવિભાગ પાસે પણ નથી. કારણ કે, સૌથી નાના ઘોરાડ અભ્યારણ્યમાં કેટલાય દબાણો વચ્ચે એકમાત્ર ‘ગાર્ડ’ આટલા મહત્વના પક્ષીના નિવાસસ્થાનની ચોકી કરે છે.
આ તસ્વીર રાજસ્થાનની છે ત્યાંના કેપ્ટીવ બ્રીડીંગ સેન્ટરમાં ઘોરાડનું બચ્ચું જન્મ લઇ રહ્યું છે.વર્ષ ૨૦૧૯માં ૮,૨૦૨૦માં ૫ અને ૨૦૨૧માં ત્રણ ઈંડા રાજસ્થાનના બ્રીડીંગ સેન્ટરમાં તૈયાર કરાયા હતા જે સંખ્યા ૧૦ વર્ષમાં ૧૨૦ થઇ જશે.વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને વનવિભાગ દ્વારા અબુધાબીમાં હોબારા બસ્ટાર્ડ બ્રીડીંગ સેન્ટરના આધારે જેસલમેરમાં પણ ઘોરાડ બ્રીડીંગ સેન્ટર શરુ કરાયું હતું.કચ્છ પાસે આ તમામ તકો હતી, પણ ગુજરાત રાજ્ય વનવિભાગની ઇચ્છાશક્તિ અને સરકારનું ‘કરુણા અભિયાન’ અહીં નબળું નીવડ્યું.
રિકેપ: દેશનું પ્રથમ કેન્દ્ર માંડવીથી રાજસ્થાન કેમ પહોંચ્યું?
વર્ષ 2015માં કેન્દ્ર સરકારે કચ્છના માંડવી નજીક ઘોરાડ સંવર્ધન કેન્દ્ર સ્થાપિત કરવા ઈચ્છા વ્યક્ત કરી હતી.વાઈલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દેહરાદૂનની ટીમ અહીં આવી તમામ પરિબળો ચકાસી ગઈ,જે સફળ બ્રીડીંગ માટે ઉત્તમ હતા.પણ રિપોર્ટ રજૂ કર્યા પશ્ચયાત ગાંધીનગર ખાતે મિટિંગ મળ્યા બાદ,બે રાજ્યો વચ્ચેની વાતચીતમાં રાજસ્થાનના તત્કાલીન મુખ્યમંત્રી વસુંધરા રાજેએ કચ્છમાં રાજસ્થાનના ઘોરાડના ઈંડા સોંપવા મુદ્દે સાફ ઇન્કાર કરી દેતા આ કેન્દ્ર રાજસ્થાનને ફાળે ગયું. કચ્છમાં ઘોરાડની સંખ્યા બાબતે તત્કાલિન કેન્દ્રીય વન મંત્રી જયરામ રમેશે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ પણ છેક સુપ્રીમ કોર્ટ સુધી પક્ષીવિદો ગયા છે પરંતુ અસરકાર પગલા સરકાર દ્વારા ભરાયા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.