કચ્છ ફરી એકવાર વિશ્વફલક પર ચમકશે:સફેદ રણમાં મળશે G-20 ની આંતરરાષ્ટ્રીય સમીટ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડિસેમ્બર 2022 થી 2023 સુધીનું એક વર્ષનું પ્રમુખપદ આ વખતે ભારત પાસે : વર્ષ દરમ્યાન યોજાનારી 200 થી વધુ બેઠકો મોટાભાગે પ્રવાસન/હેરિટેજ સ્થળોએ મળશે
  • રણમાં અગાઉ ગુજરાત સરકારની ચિંતન શિબીર, દેશભરના ડીજીપીની કોન્ફરન્સ સહિતની રાષ્ટ્રીય મીટિંગો થઇ છે : પ્રથમ વખત કચ્છ આંતરરાષ્ટ્રીય સમીટનું બનશે સાક્ષી

કચ્છના સફેદ રણને વિશ્વફલક પર માન્યતા મળી છે ત્યારે વધુ એકવાર કચ્છનું સફેદ રણ અને અહીંની ચાંદની દુનિયાના દેશોમાં ચમકે તે માટેનો તખ્તો ઘડાઈ રહ્યો છે. ભારત ડિસેમ્બર 2022 થી ડિસેમ્બર 2023 સુધી G20 સમિટનું અધ્યક્ષ રહેશે અને આ દરમિયાન દેશમાં અલગ-અલગ સ્થળોએ સમગ્ર વર્ષ દરમિયાન 200 થી બેઠકો યોજાશે.જેમાં એક બેઠક કચ્છના રણમાં યોજવામાં આવશે.ખાસ કરીને દિવાળી પછી રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે અને રણોત્સવ માર્ચ મહિના સુધી રહેતો હોય છે જેથી સંભવત ઉત્તરાયણ પછીના દિવસોમાં આ સભા મળે તેવી શક્યતાઓ હાલ તબક્કે જોવામાં આવી રહી છે.

G20 નું ભારત દેશને વાર્ષિક પ્રમુખપદ મળતા દેશભરમાં ખાસ કરીને હેરિટેજ અને પ્રવાસન સ્થળોએ બેઠકોનું આયોજન કરવાની યોજના છે.ભારત અદ્ભુત ઈતિહાસ અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવે છે.જેથી સરકાર આ મહત્વપૂર્ણ બેઠક દેશના પ્રસિદ્ધ સ્થળોએ યોજીને આ વિરાસતને પણ પ્રમોટ કરવા માંગે છે.જેના થકી ઐતિહાસિક સ્થળોની જાળવણી પણ થશે અને દુનિયાના વિવિધ દેશોના વડાઓ ભારતની સંસ્કૃતિ પણ નિહાળસે. સૂત્રોએ જણાવ્યું કે,સાંસ્કૃતિક વારસાથી સમૃદ્ધ એવા શહેરોમાં આ બેઠકો યોજવામાં આવનાર છે. જેમાં એક બેઠક કચ્છના રણમાં મળવાની છે.

ભૂતકાળમાં પણ કચ્છનાં રણમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ ઘણી રાષ્ટ્રીય બેઠકો મળી છે.દેશભરના ડીજીપીની કોન્ફરન્સ તેમજ ગુજરાત સરકારની ચિંતન શિબિર પણ યોજાઈ હતી ત્યારે આ વખતે પ્રથમવાર આંતરરાષ્ટ્રીય મીટીંગ મળવાની છે.જે ઘણી મહ્ત્વની બાબત કહી શકાય તેમ છે.

કચ્છના રણ સિવાય આ બેઠકો કર્ણાટકમાં હમ્પીના મંદિરો, મધ્ય પ્રદેશના ખજુરાહો સહિતના હેરિટેજ સ્થળોએ પણ મળશે. જોકે આ બાબતે હજી સતાવાર ફોડ પાડવામાં આવ્યો નથી. દિવાળી પછી આ સંદર્ભે સતાવાર માહિતી જાહેર થાય તેવી શક્યતાઓ છે. દિવાળી પછી સફેદ રણમાં રણોત્સવ શરૂ થઈ રહ્યો છે અહીં વિશાળ જમીનની સાથે વિવિધ સવલતો અને ભૂતકાળમાં આ સ્થળે મહ્ત્વની સમીટ યોજાઈ ચુકી હોવાથી આ સ્થળની પસંદગી કરવામાં આવી હોવાનું મનાય છે. કેન્દ્રીય પર્યટન સચિવ અરવિંદ સિંહે પણ તાજેતરમાં જણાવ્યું હતું કે G20 પ્રમુખપદ દરમિયાન ભારત પોતાને મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે સ્થાન આપવાની યોજના ધરાવે છે.

G20 એટલે વિકસિત, વિકાસશીલ અર્થવ્યવસ્થાનું આંતર-સરકારી મંચ
ભારત 1 ડિસેમ્બર 2022 થી 30 નવેમ્બર 2023 સુધી એક વર્ષ માટે G20 નું પ્રમુખપદ સંભાળશે. પદ હેઠળ દેશભરમાં 200થી વધુ G20 બેઠકોનું આયોજન થશે. G20 નેતાઓની અંતિમ વાર્ષિક સમિટ નવી દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બર 2023ના રોજ રાજ્ય સરકારના વડાઓની હાજરીમાં મળશે. G20 અથવા ગ્રુપ ઓફ ટ્વેન્ટી, એ વિશ્વની મુખ્ય વિકસિત અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓનું આંતર-સરકારી મંચ છે. તેમાં 19 દેશો આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, કોરિયા પ્રજાસત્તાક, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુકે, યુએસએ અને યુરોપિયન દેશોનો સમાવેશ થાય છે.

સંભવત આ મુદાઓ પર થઇ શકે ચર્ચા
આ બેઠકમા ખાસ કરીને ગ્લોબલ મેક્રોઇકોનોમિક પોલિસી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ, ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ આર્કિટેક્ચર, સસ્ટેનેબલ ફાઇનાન્સ, ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન, હેલ્થ ફાઇનાન્સ, ઇન્ટરનેશનલ ટેક્સેશન, ફાઇનાન્સિયલ સેક્ટર રિફોર્મ્સ,ભ્રષ્ટાચાર વિરોધી, કૃષિ, સંસ્કૃતિ, વિકાસ, ડિજિટલ અર્થતંત્ર, રોજગાર, પર્યાવરણ અને આબોહવા, શિક્ષણ, ઊર્જા સંક્રમણ, આરોગ્ય, વેપાર અને રોકાણ, પ્રવાસન અને ખાનગી ક્ષેત્ર/નાગરિક સમાજ/સ્વતંત્રતા સહિતના મુદાઓ પર ચર્ચા થાય તેવું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...