રજૂઆત:પૂર્વ રાજ્યમંત્રીને લોકોના રોષનો ભોગ બની રજૂઆત પત્રમાં સહી કરવી પડી

ભુજ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજના એક ગામમાં ખાતર, નર્મદા મુદ્દે વાસણભાઇને ઉગ્ર રજૂઆત
  • થોડા દિવસ જૂના બનાવનો વીડિયો અચાનક વાયરલ થયો

હાલ ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે. ત્યારે અનેક જુનાજોગીઓને પણ મતદારોના રોષનો પરચો મળી રહ્યો છે. પૂર્વ રાજ્યમંત્રી અને ભાજપે જેની ટિકિટ કાપી છે તેવા વાસણભાઇ આહીર પક્ષના ઉમેદવાર ત્રિકમ છાંગા સાથે ભુજ તાલુકાના એક ગામમાં પ્રચાર માટે આવેલા હતા ત્યારે જ કેટલાક લોકોએ પરચો બતાવ્યો હતો. નર્મદાના પાણી સહિતના મુદ્દે રજૂઆત કરવાની સાથે લેખિત પત્રમાં પૂર્વ રાજ્યમંત્રીને સહી કરવા મજબૂર કર્યા હતાં. આ વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો.

સુત્રોએ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલાના બનાવનો આ વીડિયો છે. અંજાર-ભુજ હાઇવેને અડીને આવેલો આ ગામ અંજાર વિધાનસભા મતવિસ્તારમાં આવે છે. જ્યાં વાસણભાઇ આહીર અને ત્રિકમ છાંગા પ્રચાર માટે ગયા હતાં. ત્યારે જ કેટલાક લોકો મંચ સુધી લેખિત રજૂઆત સાથે આવી ચડ્યા હતાં.

લોકોએ કહ્યું હતું કે 30 વર્ષ સુધી ભાજપને વોટ દીધા છે. હજુ પીવાનું પાણી આવ્યું નથી. નર્મદાના પાણી અને ખાતરની પણ રજૂઆત કરવામાં આવી હતી. લાઇનો નખાઇ ગઇ હોવા છતાં કામો અટકેલા છે. ત્યારે કેટલાક સ્થાનિક આગેવાનોએ વચ્ચે પડીને મામલો થાળે પાડવાની કોશિશ કરતા પણ વીડિયોમાં દેખાઇ રહ્યા છે. વાસણભાઇએ પ્રશ્નનો નિકાલની ખાતરી આપી હતી. તેના બાદ લોકોએ લેખિત રજૂઆતમાં સહી કરી દેવા કહ્યું હતું. જેના જવાબમાં વાસણભાઇએ સહી સરકારી કર્મચારી કરે ધારાસભ્ય નહીં તેવુ કહ્યું હતું. તેના જવાબમાં લોકોએ મત તમે માંગવા આવ્યો છો તો સહી તમે કરી આપો તેવુ કહ્યું હતું. અંતે ઊગ્ર માંગ બાદ વાસણભાઇને કાગળ પર સહી કરવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...