21મી તારીખે ખાતમુહૂર્ત:ભુજિયાની તળેટીના ફૂટપાથને પાલિકા કરશે 1.85 કરોડના ખર્ચે સુશોભિત

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્મૃતિવન આઉટ સાઈટ બ્યુટીફિકેશન પ્રોજેકટ હેઠળ ડિવાઈડર પણ આવરી લેવાશે
  • ડમ્પિંગ સ્ટેશનમાં ફેરવાયેલા વિસ્તારને ભાડાની ગ્રાન્ટની રકમમાંથી સુધારાશે

ભુજ શહેરનું એક નજરાણું ભુજિયો ડુંગર પણ છે. જેની દક્ષિણ બાજુના વિસ્તારમાં સ્મૃતિવન બન્યું છે. જે રોડના આર.ટી.ઓ. સર્કલથી છેક નળવાળા સર્કલ સુધીના ફૂટપાથ અને ડિવાઈડરને ભુજ નગરપાલિકાએ 1.85 કરોડના ખર્ચે સુશોભિત કરવા સ્મૃતિવન આઉટ સાઈટ બ્યુટીફિકેશન પ્રોજેકટ હાથ ધર્યું છે. જેનું 21મી તારીખે ખાતમુહૂર્ત પણ થવાનું છે.

સરકારી જમીનોની દેખભાળ અને જાળવણી માટે આમ તો એક અલગ સરકારી તંત્ર હોય છે અને એમાં પગારદાર કર્મચારીઓ પણ હોય છે. પરંતુ, પગાર લઈને પણ સરકારી કર્મચારીઓ પોતાની મૂળ કામગીરીમાં બેદરકાર રહ્યા છે, જેથી એક પછી એક સરકારી જમીનો દબાતી ગઈ છે, જેમાં ભુજિયાની તળેટીમાં પથરાયેલી વિશાળ ઝુંપડપટ્ટીનો પણ સમાવેશ થાય છે. જોકે, ભુજિયાને સુરક્ષિત કરવાના ઈરાદે 2001ની 26મી જાન્યુઆરીના ભૂકંપમાં જીવ ખોનારાની સ્મૃતિમાં કરોડના ખર્ચે સ્મૃતિવન પ્રોજેકટ હાથ ધરાયું.

જોકે, બે દાયકા બાદ પણ પૂર્ણ થયો નહી અને હવે નજીકના સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણની વાતો સંભાળય છે. જે પહેલા આર.ટી.ઓ. સર્કલથી નળવાળા સર્કલ સુધીના ફૂટપાથ અને ડિવાઈડરને સુશોભિત કરવા નગરપાલિકાએ સ્મૃતિવન આઉટ સાઈટ બ્યુટીફિકેશન પ્રોજેકટ હાથ ધર્યો છે. નગરપતિ ઘનશ્યામ આર. ઠક્કરને કોલ કરી પૂછતા તેમણે જણાવ્યું હતું કે, ભાડાએ ફાળવેલી 1.85 કરોડ રૂપિયાની ગ્રાન્ટમાંથી રકમ ખર્ચાશે. જેનું ખાતમુહૂર્ત 21મી તારીખે વિધાનસભાના અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્યના હસ્તે થશે.

3 મીટર ફૂટપાથ, 5 મીટર ડિવાઈડર
નળવાળા સર્કલથી આર.ટી.ઓ. સર્કલ સુધી ફૂટપાથ 3 મીટર અને 5 મીટર ડિવાઈડર છે. જેને સુશોભિત કરાશે.

આરટીઓ સર્કલથી આત્મારામ સર્કલનું કામ બીજા તબક્કે
ભુજિયા ડુંગરની પૂર્વથી પશ્ચિમ તરફની દિશાની તળેટી 70 અને 80ના દાયકામાં ધીરેધીરે દબાણો થતા ગયા. જે દબાણો 2001ની 26મી જાન્યુઆરી સુધીના ભૂકંપ પહેલા ડુંગરની ટોચે પહોંચી જાય એવી શક્યતા હતી. પરંતુ, ડુંગરની તળેટીને ચિરીને આર.ટી.ઓ. સર્કલથી આત્મા સર્કલ સુધી હાઈ વે નીકળતા ઝુંપડપટ્ટી પ્રસરતી તો અટકી ગઈ. પરંતુ, ઝુંપડપટ્ટીનો કચરો રોડના ફૂટપાથ અને ડિવાઈડર ઉપર ઠલવાઈ રહ્યો છે, જેથી એ વિસ્તાર ડમ્પિંગ સ્ટેશનમાં ફેરવાઈ ગયો છે. નગરપતિએ જણાવ્યું હતું કે, એ વિસ્તારમાં બીજા તબક્કે સુશોભનની કામગીરી કરવામાં આવશે. સંભવત દિવાળી પહેલા થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...