સરિતાનું સાગર સાથે સંગમ:અબડાસાની નાયરા નદીના ધસમસતા વરસાદી પાણી સ્વયંભૂ માર્ગ કરીને પીંગલેશ્વરના દરિયામાં ભળ્યાં

કચ્છ (ભુજ )2 મહિનો પહેલા
  • વર્ષોમાં ભાગ્યે જ સર્જાતા દૃશ્ય જોઈ લોકો અભિભૂત થઈ ઉઠ્યા

અબડાસાના પ્રસિદ્ધ યાત્રાધામ પિંગ્લેશ્વર મહાદેવ પાસેના દરિયામાં તાલુકાની સૌથી મોટી "નાયરો નદી"નું વરસાદી પાણી અરબી સમુદ્રમાં સમાઈ જતા પૂર્વે સરિતા અને સાગરના સંગમનો અદભુત નજારો જોવા મળ્યો હતો. ઉપસ્થિત લોકોએ આ ઐતિહાસિક અમૂલ્ય પળને કન્યાકુમારી સાથે સરખાવી હતી. દરિયા કિનારે પાળની રેતી ઉપરથી નદીના વિપુલ પાણીના પ્રવાહે માર્ગ કરીને વરસાદી પાણી સમુદ્ર સાથે ભળીને એકીકરણ થઈ ગયું હતું. આ દૃશ્ય વર્ષોમાં ભાગ્યે જ જોવા મળતું હોય છે.

ભારે વરસાદથી નાયરો નદીમાં ઘોડાપૂર આવ્યા હતા
અબડાસા તાલુકા પર મેઘરાજા મહેરબાન થયા હતા. ગઈકાલે કાંઠા વિસ્તારમાં 1 થી 6 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો. તાલુકામાં સચરાચર વર્ષાથી કુલ દસ ઇંચ જેટલો વરસાદ થયો હતો. પણ અંતરિયાળ વિસ્તારના સૂત્રોના જણાવ્યાં મુજબ અમુક સ્થળે 15 ઇંચથી પણ વધુ વરસાદ થયો હતો. જેના પાણી તાલુકાના દરિયા કિનારે આવેલા પ્રસિદ્ધ પિંગલેશ્વર મહાદેવના દરિયા પાસે આજે નાયરો નદીમાં ઘોડાપૂર આવ્યાં હતા. જે બાદ તેના પાણી દરિયામાં જતા જોવા મળ્યા હતા. નદીના વરસાદી પાણી દરિયામાં વહેતા થતા હવે સંગમ સ્થળ તરીકે જાણીતું બન્યું છે. આ સ્થળ પર સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આ દ્રશ્યોને કંડારી લીધા છે.

નદીના પાણી પુષ્કળ પ્રમાણમાં દરિયાના પાણીને ભેટ્યાં
ઉલ્લેખનીય છે કે, નદીઓના પાણી આ રીતે દરિયાને મળતા હોય તેવું ખૂબ જ જોવા મળે છે. પરંતુ કચ્છમાં ગઈકાલે નાયરો નદીના પાણી પુષ્કળ પ્રમાણમાં દરિયાના પાણીને ભેટતા હોય તે જોવાનો એક આહલાદક અનુભવ લોકોએ માન્યો હતો અને પોતે આ નજારો જોઈ ધન્યતા અનુભવી રહ્યાનું પ્રાયુષ જોશી, આરિખાણાના હરેશ રાજગોર અને ધીરજ ગુસાઈએ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...