મુસાફરોને હાલાકી:ભુજથી મુંબઇ વચ્ચેની ફ્લાઇટ 8 અને બેલગાંવની 5 કલાક મોડી આવી

ભુજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ટેકનીકલ કારણોસર સેવા ખોરવાઇ
  • એરપોર્ટ પર રાહ જોતા મુસાફરો અકળાયા

ભુજથી મુંબઇ જતી ફ્લાઇટ ગુરૂવારે 8 કલાક અને ભુજથી અમદાવાદ થઇને બેલગાંવ જતી ફ્લાઇટ 5 કલાક મોડી પડતાં બેલગાંવ અને મુંબઇ જતાં પ્રવાસીઅો અકળાયા હતા. સૂત્રોના કહેવા મુજબ બંને ફ્લાઇટ ટેકનીકલ કારણોસર મોડી પડી હતી. ભુજ અને મુંબઇ વચ્ચેની અેકમાત્ર હવાઇ સેવા હાલે કાર્યરત છે તે પણ અેર ઇન્ડિયાની ફ્લાઇટ સપ્તાહમાં માત્ર 4 દિવસ અાવે છે છતાં પણ છાશવારે અનિયમિત રહેતાં જિલ્લાના છેવાડાના ગામોથી જિલ્લા મથક ભુજ અાવ્યા બાદ ફ્લાઇટ અચાનક કેન્સલ અથવા તો મોડી અાવતાં મુસાફરો રઝળી પડે છે.

અાવી જ પરિસ્થિતિ ગુરૂવારે ઉભી થઇ હતી. મળતી વિગતો મુજબ ભુજમાં મુંબઇથી સવારે 8.50 કલાકે અાવતી અેર ઇન્ડિયાની ફ્લાઇટ 3.50 કલાકે ભુજ પહોંચી હતી, અેટલે કે, 8 કલાક મોડી થઇ હતી. સૂત્રોના કહેવા મુજબ અા ફ્લાઇટ દર વખતે ફુલ હોય છે અને પૂરતો ટ્રાફિક મળે છે પરંતુ અા રીતે છાશવારે ફ્લાઇટ મોડી થવાથી અમુક મુસાફરો લાંબા સમય સુધી રાહ જોયા બાદ કેન્સલ કરાવતા હોય છે. ઉપરાંત તાજેતરમાં જ શરૂ થયેલી ભુજ-અમદાવાદ-બેલગાંવની સ્ટાર અેરલાઇન્સની ફ્લાઇટ સપ્તાહમાં 5 વખત અાવે છે, જે પણ ગુરૂવારે મોડી પડી હતી.

અા ફ્લાઇટ ભુજમાં બપોરે 12.50 કલાકે અાવે છે પરંતુ તેના બદલે સાંજે 4.50 કલાકે અેટલે કે, 5 કલાક મોડી અાવી હતી. સૂત્રોના કહેવા મુજબ બેલગાંવથી ભુજ ફ્લાઇટ અાવી ત્યારે તેમાં 40 જેટલા મુસાફરો હતા અને પરત જવામાં 15 પ્રવાસીઅો હતા. સૂત્રોના કહેવા મુજબ બંને ફ્લાઇટ ટેકનીકલ ખામીના કારણે મોડી પડી હતી.

અત્રે અે નોંધવું રહ્યું કે, પશ્ચિમ કચ્છનો મુંબઇ સાથે વધુ વ્યવહાર છે તેમ છતાં પણ ભુજથી મુંબઇ વચ્ચે ઉડ્યન સેવા વધારવાના બદલે સપ્તાહમાં 4 દિવસ અાવતી અેકમાત્ર અેર ઇન્ડિયાની વિમાની સેવા પણ દિવસા-દિવસ ખાડે જઇ રહી છે. જિલ્લા મથક નજીક ઇન્ટર નેશનલ એરપોર્ટ બનાવવાની વાતો હવામાં ઉડી ગઇ અને હવે હવાઇ સેવા પણ દિવસા દિવસે કથળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...