વિરોધ:ખેતીવાડીમાં વિદ્યુત મીટર મરજીયાત કરવાની માંગ સાથે કિસાનો ધરણા કરશે

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15મી જૂને કચ્છના તમામ તાલુકા મથકોએ ધરણા યોજાશે

ખેતીવાડીમાં એક સમયે તમામ ખેડૂતોને ટેરિફ મુજબ વીજ જોડાણ અપાતા હતા ત્યાર બાદ અમલમાં આવેલી મીટર પ્રથા મરજીયાત કરવાની માગ સાથે કચ્છના તાલુકા મથકોએ કિસાનો ધરણા યોજશે. ભુજ ખાતે મળેલી ભારતીય કિસાન સંઘની જિલ્લા કારોબારી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

બેઠકના અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા પ્રમુખ શિવજી બરાડિયાએ જણાવ્યું હતું કે, ખેત પેદાશોના એક સરખા ભાવ મળે છે તેની સામે વીજ વપરાશ માટે ટેરિફ કાર્ડ અને વીજ મીટર એમ બે રીતે બિલ આપવામાં આવે છે. કચ્છમાં પાણીના તળ ઉંડા હોવાથી મીટર કોઇ રીતે પરવડે તેમ નથી. આ બાબતે પીજીવીસીએલ અને સરકાર સમક્ષ વખતોવખત રજૂઆત કરાઇ છે.

વીજ મીટરનો પ્રશ્ન રાજ્યને સ્પર્શતો હોઇ પ્રદેશના આયોજન મુજબ તા. 15 જૂને રાજ્યની સાથે કચ્છમાં પણ તમામ તાલુકા મથકોએ મામલતદાર કચેરીની સામે ખેડૂતો બે કલાકના ધરણા કરશે. આમ છતાં માંગ નહીં સંતોષાય તો આગામી જુલાઇ માસની ચોથી તારીખે જિલ્લા મથકે કિસાનો ધરણા કરશે. બેઠકમાં મહેસૂલ, પીજીવીસીએલ સહિતના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરાઇ હતી. જિલ્લા કારોબારીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તેમ મંત્રી ભીમજી કેરાસિયાની યાદીમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...