ભુજ નગરપાલિકામાં સોમવારે કારોબારી સમિતિની બેઠક બોલાવાઈ હતી, જેથી કારોબારી ચેરમેન અને તેમના સચિવ સ્થાને મુખ્ય અધિકારી સમયસર અાવી ગયા હતા. પરંતુ, લાંબા સમય સુધી રાહ જોયા બાદ પણ બાકીના અેકેય સદસ્ય ફરક્યા ન હતા, જેથી બંને અાશ્ચર્યમાં પડી ગયા હતા અને કુતૂહલવશ પૂછા કરી ત્યારે ખબર પડી કે બાકીના સદસ્યોને જાણ જ કરાઈ નથી !
ભુજ નગરપાલિકામાં સામાન્ય રીતે દર ગુરુવારે કારોબારી સમિતિની બેઠક બોલાવાતી હોય છે. પરંતુ, ગુરુવારે ઈન્દ્રાક્ષી મંદિરની બાજુમાં ચરખી વાવ બાગ બનાવવાના વિકાસ કામનું ખાતમુહૂર્ત રખાયું છે, જેથી સોમવારે કારોબારી સમિતિની બેઠક બોલાવવા નક્કી થયું હતું. જેનો અેજન્ડા પણ તૈયાર કરી લેવાયો હતો, જેથી કારોબારી ચેરમેન જગત વ્યાસ અને મુખ્ય અધિકારી જીગર પટેલ સમયસર અાવી ગયા હતા.
પરંતુ, હેડ કલાર્ક કક્ષાઅેથી કારોબારી સમિતિના 9 સદસ્યોને સરક્યૂલેશનથી જાણ કરવાની તસદી લેવાઈ ન હતી, જેથી કોઈ ફરક્યૂ જ નહીં. બીજી તરફ લાંબા સમય સુધી રાહ જોયા બાદ પણ કારોબારી સમિતિની બેઠકમાં સમયસર પહોંચી અાવતા સદસ્યોમાંથી કોઈ અાવ્યું નહીં, જેથી મુખ્ય અધિકારી અને કારોબારી ચેરમેન અાશ્ચર્યમાં પડી ગયા અને તપાસ કરતા હેડ કલાર્ક કક્ષાઅેથી છબરડો વળ્યાની જાણ થઈ હતી. અંતે હવે ગુરુવારે ખાતમુહૂર્ત પહેલા જ કારોબારી સમિતિની બેઠક બોલાવવા નક્કી થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.