કચ્છ યુનિવર્સિટીના કોમર્સ વિભાગમાં ઉભા થયેલા વિવાદમાં આખરે ડિપાર્ટમેન્ટના ડીન પી.એસ. હિરાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. યુનિવર્સિટી દ્વારા એમકોમના અભ્યાસમાંથી અર્થશાસ્ત્ર વિષય છેલ્લા સાત વર્ષથી બાકાત રાખ્યું હોવાના વિવાદમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા છેલ્લા બે દિવસથી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.જે ભૂલમાં પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી ડીને સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું.જેનો કુલપતિ દ્વારા સ્વીકાર કરાયો છે.
આ અંગેની વિગતો મુજબ,શૈક્ષણિક વર્ષ 2016-17થી ગુજરાત યુનિવર્સિટીના સિલેબસનો અનુકરણ કરવામાં આવતા કચ્છ યુનિવર્સિટી દ્વારા એમકોમના કોર્સમાં અર્થશાસ્ત્ર જેવા મહત્વના વિષયને બાકાત રાખી દેવામાં આવ્યો હતો. નવ મહિના પહેલા યુનિવર્સિટીની એક ભૂતપૂર્વ વિદ્યાર્થિનીને પોતાની ડિગ્રીમાં ઇકોનોમિકસનો અભ્યાસ ન હોવાથી તેને શિક્ષિકા તરીકે નોકરી મળી ન હતી.જે બાદ સમગ્ર ઘટનાક્રમ પ્રકાશમાં આવ્યો હતો.જે તે સમયે બનાવ ધ્યાને આવતા કોમર્સ વિભાગના ડીન પી.એસ. હિરાણીએ પોતાની ભૂલ સ્વીકારી હતી પણ વિભાગ અથવા યુનિવર્સિટી દ્વારા ભૂલ સુધારવા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા.
જેને લઈને સોમવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ મુદ્દે કુલપતિને રજૂઆત કર્યા બાદ રાત્રે 11 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ ડીન સાથે તેમની ચેમ્બરમાં જ બેસી રહ્યા હતા. મંગળવારે ફરી વિદ્યાર્થી પરિષદ દ્વારા સૂત્રોચ્ચાર સાથે સતત 4 કલાક વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જે બાદ કોમર્સ વિભાગના ડીને પોતાની જવાબદારી સ્વીકારી ડીન પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું જે કુલપતિએ સ્વીકાર્યું હતું. અર્થશાસ્ત્રના અભાવે 10થી વધુ છાત્રો સરકારી નોકરીથી બાકાત રહ્યાનો આક્ષેપ છે. એબીવીપી દ્વારા હવે પછી પ્રો.હીરાણી વહીવટી નિર્ણયો લેવાની કમિટીમાં સ્થાન ન મેળવે તેવી પણ માગણી કરવામાં આવી છે.
વિવિધ સત્તામંડળો અને ડીનની મુદત 27 માર્ચે થવાની હતી પૂર્ણ
યુનિવર્સિટીના વિવિધ સતામંડળો અને વિભાગના ડીનની મુદત 27 માર્ચના પૂર્ણ થાય છે તે પૂર્વે જ પ્રો.હીરાણી દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે નિયમ પ્રમાણે પ્રોફેસર મહત્તમ ત્રણ વર્ષ સુધી જ ડીન તરીકેની જવાબદારી સંભાળી શકે છે પણ પ્રો.હીરાણી વર્ષ 2008 એટલે કે છેલ્લા 15 વર્ષથી ડીન પદ પર કાર્યકાળ સંભાળી રહ્યા હતા.ભૂતકાળમાં તેઓ ઇન્ચાર્જ કુલપતિ તરીકે પણ જવાબદારી વહન કરી ચુક્યા છે.
હાલે નવા કુલપતિના ચર્ચિત નામોમાં પ્રો.હિરાણીની પણ ચર્ચા હતી
કચ્છ યુનિવર્સિટીના વર્તમાન કાયમી કુલપતિની મુદત પૂર્ણ થવાની છે અને નવા કુલપતિ માટેની ગતિવિધિ શરૂ કરવામાં આવી છે ત્યારે યુનિવર્સિટીના વર્તુળોમાં થતી ચર્ચામાં પ્રો.હિરાણી પણ રેસમાં હતા જોકે ડીન પદેથી રાજીનામુ આપી દેતા તેઓ આઉટ થઈ ગયા છે કુલપતિ બનવા માટે વિભાગના ડીન હોવું આવશ્યક છે.
ઈન્ચાર્જ ડીન માટે ગુરુવારે નિર્ણય
કુલપતિ ડૉ. જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,પ્રો.પી.એસ.હીરાણી દ્વારા આપવામાં આવેલા સ્વૈચ્છિક રાજીનામાનો સ્વીકાર કરાયો છે અને તેમના સ્થાને વિભાગની જવાબદારી વહન કરવા ઈન્ચાર્જ ડીનનું નામ નક્કી કરવા ધૂળેટીની રજા બાદ વિચારણા કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.