ભાસ્કર એક્સક્લુઝિવ:રાપર-લખપત તાલુકાનો વિકાસ રાજ્યમાં તળિયે

ભુજ25 દિવસ પહેલાલેખક: ચંદ્રસી મહેશ્વરી
  • કૉપી લિંક
  • નીતિ આયોગની સૂચનાની ઐસી કી તૈસી : દર મહિને વિકાસશીલ તાલુકાને રેન્કિંગ આપવાની કામગીરી છેલ્લા 9 મહિનાથી બંધ
  • 7 વર્ષમાં રાપર, લખપત તાલુકાના વિકાસ માટે વિવિધ કામો અર્થે 2795 લાખ વાપરી નખાયા પરંતુ વિકાસની ગાડી ગોકળગતિએ
  • છેલ્લે થયેલા રેન્કિંગ મુજબ એપ્રિલ-22ની સ્થિતિએ રાજ્યના 50 વિકાસશીલ તાલુકામાંથી કચ્છનો રાપર તાલુકો 41મા અને લખપત છે 43મા સ્થાને

કચ્છના બે સહિત રાજ્યના 50 વિકાસશીલ તાલુકાનો વિકાસ થાય અને અા 50 તાલુકા વચ્ચે વિકાસની સ્પર્ધા થાય તે હેતુસર નીતિ અાયોગના મુખ્ય સચિવે હાથ ધરેલા અેકસપાયરેશન ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ હેઠળ અપનાવાયેલી રેન્કિંગ પધ્ધતિથી વિકાસશીલ તાલુકાઅોને જુલાઇ-2019થી દર મહિને નિયત ઇન્ડીકેટરના અાધારે રેન્કિંગ અપાય છે.

જો કે, નવાઇની વાત અે છે કે, વિકાસશીલ 50 તાલુકાને રેન્કિંગ અાપવાની કામગીરી છેલ્લા 9 મહિનાથી બંધ છે. છેલ્લે અેપ્રિલ-2022માં રેન્કિંગ અપાયું હતું. વિકાસશીલ તાલુકાઅોના વિકાસ માટે દર વર્ષે અપાતી રકમ અને થતા કામોની વાત કરીઅે તો લખપત અને રાપર તાલુકામાં 7 વર્ષમાં 2795 લાખ વાપરી નખાયા છે પરંતુ અેપ્રિલ-22ના રેન્કિંગ મુજબ 50 તાલુકામાં રાપર અને લખપત તાલુકો હજુપણ તળિયે છે.

વિકાસશીલ તાલુકામાં અારોગ્ય, શિક્ષણ, રોજગારી અને કાૈશલ્ય વિકાસ, ગ્રામીણ વિકાસ અને માળખાકીય સુવિધા સહિત વિવિધ ક્ષેત્ર માટે 41 ઇન્ડીકેટર અેટલે કે, ધારાધોરણો નિયત કરાયા છે, જે ધારાધોરણો મુજબ દર મહિને સંબંધિત હેડ અોફિસમાંથી રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના અાયોજનના સચિવના માર્ગદર્શન હેઠળ ગુજરાત સામાજિક અાંતરમાળખાકીય સોસયાટી (જીઅેસઅાઇડીઅેસ) ગાંધીનગર દ્વારા મંગાવાય છે.

પ્રારંભિક નોંધણીઓ સામે ત્રણ કે તેથી વધુ પ્રસૂતિ પહેલાની સંભાળ ચેક-અપ મેળવતી સગર્ભા સ્ત્રીઓની ટકાવારી, ગંભીર એનિમિયા ધરાવતી સગર્ભા સ્ત્રીઓની ટકાવારી પીડબ્લ્યુ સામે ગંભીર એનિમિયાના પરીક્ષણ કરાયેલા કેસોની સારવાર, હિમોગ્લોબિન માટે પરીક્ષણ કરાયેલી સગર્ભા સ્ત્રીઓની ટકાવારી, જન્મ સમયે લિંગ ગુણોત્તર, કુલ નોંધાયેલી ડિલિવરીમાંથી સંસ્થાકીય ડિલિવરીની ટકાવારી, હોમ ડિલિવરીની ટકાવારી, હોમ ડિલિવરીમાંથી કુશળ જન્મ હાજરી, જન્મ સમયે વજનવાળા જીવંત બાળકોનું પ્રમાણ, કુલ જન્મ સામે બાળ મૃત્યુદર, ગંભીર તીવ્ર કુપોષણની ટકાવારી, ગ્રામ આરોગ્ય સ્વચ્છતા અને પોષણ દિવસ (મમતા દિવસ) યોજ્યા હોવાના અહેવાલ આંગણવાડી કેન્દ્રોની ટકાવારી, પ્રાથમિક શાળામાં 80% થી વધુ હાજરી ધરાવતા, માધ્યમિક શાળામાં 80% થી વધુ હાજરી ધરાવતા છાત્રો અને 60% થી વધુ ગુણ ધરાવતા વિદ્યાર્થીઓ, ગણિત, વિજ્ઞાન, ગુજરાતીમાં 60 ટકાથી વધુ ગુણ ધરાવતા છાત્રો, રોજગારી, જરૂરિયાતમંદ લોકોને મકાન, વિકલાંગ મૈત્રીપૂર્ણ શૌચાલયની ઍક્સેસ ધરાવતી શાળાઓનું પ્રમાણ, વિકલાંગ મૈત્રીપૂર્ણ રેમ્પની ઍક્સેસ ધરાવતી શાળાઓનું પ્રમાણ, મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના હેઠળ સિદ્ધિ, પ્રશિક્ષિત યુવાનોને ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની તાલીમ હેઠળ પ્રશિક્ષિત મહિલા પ્રમાણિત યુવાનોની ઉંમર, અનુ.જાતિ પ્રમાણિત યુવાનોની ઉંમર, ઓબીસી પ્રમાણિત યુવાનોની ઉંમર, ટીબી દર્દીઓ (જાહેર અને ખાનગી)માં ટીબી સારવાર સફળતા દર, ઓછા જન્મ વજનવાળા બાળકોની ટકાવારી, સંપૂર્ણ રસીકરણવાળા બાળકોની ટકાવારી, અાઇસીડીઅેસ કાર્યક્રમ હેઠળ નિયમિતપણે પૂરક પોષણ સહિત 41 ઇન્ડિકેટર નક્કી કરાયા છે. અા ઇન્ડિકેટરના અાધારે કચ્છના બે વિકાસશીલ તાલુકામાં લખપત અને રાપર રાજ્યના 50 વિકાસશીલ તાલુકામાં તળિયે છે.

માર્ચ-2021ના રેન્કિંગ પર નજર કરીઅે તો 50 વિકાસશીલ તાલુકામાં રાપર 47મા અને લખપત તાલુકો 50માં ક્રમાંકે હતો, જેમાં પણ વિવિધ ક્ષેત્ર મુજબ દ્રષ્ટિપાત કરીઅે તો અારોગ્ય અને પોષણમાં રાપર 44મા, લખપત 48, શિક્ષણમાં રાપર 41, લખપત 50, રોજગાર અને કાૈશલ્ય વિકાસમાં લખપત 36, રાપર 46, ગ્રામીણ વિકાસ અને માળખાકીય સુવિધામાં રાપર 7મા અને લખપત 12મા સ્થાને હતા. ઉપરાંત છેલ્લા રેન્કિંગ અેપ્રિલ-22 મુજબ રાપર તાલુકો 41મા અને લખપત 43મા સ્થાને હતો.

જેમાં વિવિધ ક્ષેત્ર દીઠ વિકાસની વાત કરીઅે તો અારોગ્ય અને પોષણમાં લખપત 30, રાપર 32, શિક્ષણમાં રાપર 39, લખપત 47, રોજગાર અને કાૈશલ્ય વિકાસમાં લખપત 31, રાપર 50, ગ્રામીણ વિકાસ અને માળખાકીય સુવિધામાં રાપર તાલુકો 8મા અને લખપત તાલુકો 15માં સ્થાને હતો. જો કે, નીતિ અાયોગની નિર્ધારીત માસિક રેન્કિંગ પધ્ધતિ મુજબ વિકાસ ન થતાં છેલ્લા 9 મહિનાથી કચ્છ સહિત સમગ્ર રાજ્યના 50 વિકાસશીલ તાલુકાની રેન્કિંગ કામગીરી થતી નથી.

દર મહિને અા રીતે અપાય છે રેન્કિંગ
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વિવિધ વિભાગો પૈકી અારોગ્ય અને પોષણના 100માંથી 30 ટકા, શિક્ષણ 30 ટકા, રોજગાર અને કાૈશલ્ય વિકાસમાં 30 ટકા અને ગ્રામીણ વિકાસ અને માળખાકીય સુવિધાના ક્ષેત્રમાં 10 ટકા મળી વિવિધ વિભાગ દીઠ રેન્કિંગ કરાય છે. વિવિધ વિભાગોના અાધારે રાજ્યના 50 વિકાસશીલ તાલુકામાં કયા તાલુકાનું કયું સ્થાન છે તેનું સરેરાશ રેન્કિંગ કરાય છે.

લખપત, રાપર તા.ના વિકાસ માટે 7 વર્ષમાં થયેલા કામોના લેખાજોખા
નાણાકીય વર્ષ 2014-15, 2015-16, 2018-19, 2019-20, 2020-21, 2021-22 અને 2022-23ના વર્ષમાં અેટલે કે, 7 વર્ષમાં રાપર તાલુકામાં 1,373.43 લાખના 264 કામો મંજૂર કરાયા છે, જેમાંથી 134 કામો પૂર્ણ, 22 પ્રગતિમાં, 96 હજુ શરૂ થયા નથી અને 4 કામો રદ કરાયા છે, જયારે લખપત તાલુકામાં 1421.57 લાખના 267 કામો મંજૂર કરાયા છે, જેમાં 136 પૂર્ણ, 24 પ્રગતિમાં, 96 હજુ સુધી શરૂ નથી થયા અને 12 કામો રદ કરી દેવાયા છે. નવાઇની વાત અે છે કે, નાણાકીય વર્ષ 2015-16ના વર્ષમાં લખપતમાં 60 અને રાપર તાલુકા 46 મળી કુલ 106 કામો મંજૂર કરાયા હતા, જે તમામ કામો હજુ સુધી શરૂ જ થયા નથી.

9 મહિનાથી વિકાલશીલ તાલુકાના સચિવે સમીક્ષા બેઠક નથી કરી
કચ્છમાં લખપત અને રાપર અેમ બે વિકાસશીલ તાલુકા છે અને અગાઉ જે-તે તાલુકાના સચિવો સ્થાનિકે અાવી સમીક્ષા બેઠક કરતા હતા અને હાલે બંને તાલુકાના સચિવ તરીકે કચ્છના પૂર્વ કલેક્ટર હર્ષદ પટેલ છે. સૂત્રોનું માનીઅે તો તેઅોઅે છેલ્લા 9 મહિનાથી સમીક્ષા બેઠક કરી નથી. સૂત્રો અેવું પણ જણાવી રહ્યા છે કે, જયારે રેન્કિંગ કરાતું હતું ત્યારે પણ રેન્કિંગ બાદ સંબંધિત જિલ્લાના કલેક્ટરને સમીક્ષા બેઠકનો ઉપરથી અાદેશ કરાતો હતો.

અન્ય સમાચારો પણ છે...