અસામાજિક તત્વોનો અડ્ડો:આત્મારામ રિંગરોડનો અંધારપટ્ટ આવારાતત્વો માટે બન્યો અડ્ડો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાત્રિના સમયે આ રોડ પરથી પસાર થવામાં લોકો અનુભવે છે અસલામતી
  • નગરપાલિકા લાઈટ અને પોલીસ ​​​​​​​સીસીટીવી કેમેરા લગાવે તે સમયનો તકાજો: આ રોડ પર બન્યા છે અનેક ક્રાઇમ

આરટીઓ સર્કલથી આત્મારામ અને ત્યાંથી રેલવે સ્ટેશનને જોડતા રોડ પર રાત્રીના સમયે જોવા મળતો અંધારપટ્ટ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે.અવારનવાર આ રિંગરોડ પર ચોરી,લૂંટ,મારામારી સહિતની અસામાજિક પ્રવુતિઓ તો થતી હોય છે પણ તાજેતરમાં રાજસ્થાનનો ડ્રગ સપ્લાયર પણ આ રસ્તા પર જ એમડી ડ્રગ્સની ડીલીવરી આપી ગયો હતો.

ઘણીવખત યુવક-યુવતીઓ અશોભનીય વર્તાવમાં જોવા મળે છે.અવારનવાર આવી ઘટનાઓ બનવા છતાં આ રોડ પર નગરપાલિકાએ લાઈટ લગાવવાની અને પોલીસે નેત્રમના સીસીટીવી કેમેરા લગાવવાની કોઈ તસ્દી લીધી નથી તેવું આક્રોશભેર જણાવતા લોકોએ વધુમાં કહ્યું કે જ્યારે ઘટના બને તે બાદ થોડા દિવસો સુધી પેટ્રોલિંગની ગાડીઓ દોડાવાય છે બાકી કોઈ પગલાં લેવાતા નથી.

જાગૃત નાગરિકોના કહેવા પ્રમાણે આ રોડ પર લાઈટના અભાવે રાત્રિના સમયે અહીં લોકો પસાર થવામાં પણ અસલામતી અનુભવે છે.કારણકે અસામાજિક તત્વો અહીં પડયા પાથર્યા જ રહેતા હોય છે અગાઉ સોલાર લાઈટ નાખવામાં આવી હતી. જે ચોરાઈ ગઈ જેથી ગુનાખોરી ડામવા માટે અહીં રોડ લાઈટ શરૂ કરવી પણ અનિવાર્ય છે.

રાતના સમયે માધાપર,આરટીઓ કે અન્ય કોઈ વિસ્તારના લોકોને રેલવે સ્ટેશન જવું હોય ત્યારે અસલામતી અનુભવતા હોય છે મહિલાઓ તો એકલી નીકળી શકતી જ નથી.દિવસે અહીંથી પસાર થતા લોકો પણ માર્ગોની ગંદકીની તોબા પોકારી ઉઠયા છે.

ભુજીયા તળેટી વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશનની રોજ બે વખત કચરા કલેક્શન માટેની ગાડી આવે છે છતાં રોડ પર કચરો ફેંકાય છે.આ માટે હવે લોકોએ સમજવાની વધુ જરૂરીયાત છે.કચરો તો ઠીક મૃત પશુઓ, માંસ, હાડકા પણ ફેંકી જવાતા હોવાથી રસ્તો ડમપિંગ સાઈટ જેવો બની ગયો છે.

અગાઉ ઘોડેસવારીથી પેટ્રોલિંગ થતું
આત્મારામ રિંગરોડ પર જ્યારે ગુનાખોરીનો ગ્રાફ વધી ગયો ત્યારે અસામાજિક તત્વોને ડામવા માટે આ રોડ પર ઘોડેસવાર પોલીસ કર્મચારીઓ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવતું હતું તેમજ પોલીસની જીપ પણ પેટ્રોલિંગ કરતી હતી જોકે થોડા સમય બાદ પેટ્રોલિંગ બંધ થઈ ગયું,જ્યારે ઘટના બને ત્યારે પોલીસ એક્શનમાં આવી જાય છે પણ કાયમી ધોરણે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ માટે સીસીટિવી કેમેરા લગાવવા જરૂરી બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...