રેસ્ક્યુ:રેલવે અન્ડરબ્રીજમાં વરસાદી પાણી ઓસરતાં સુખપરમાં મગર આવી ચડ્યો

સુખપર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ પાણીમાં ગામના છોકરાઓ અજાણતાં ન્હાયા પણ હતા એટલે મોટી દુર્ઘટના ટળી

શિવપારસ રોડ રેલ્વે અંડરબ્રિજ નજીક સતત ત્રણ દિવસના વરસાદમાં રેલ્વે અંડરબ્રિજ છ ફુટ પાણીથી તરબતર રહ્યો. રસ્તો ખુલ્લો કરવા આજે મશીનથી પાણી બહાર કઢાતાં છ ફુટ લાંબો માદા મગર દેખાતાં આ વિસ્તારમાં ચર્ચા જાગી હતી. અહીંયાથી પસાર થતા એક અનુભવી યુવાને સ્થાનિકોના સહયોગથી હિંમતભેર દોરડાંથી મોઢું બાંધી દીધેલ હતું અને ત્યારબાદ વન વિભાગને જાણ કરાતાં તેઓની ટીમ આવીને મગરમચ્છને ઉપાડીને સુરક્ષિત મોટા તળાવમાં મુકી દીધો હતો.

ચોંકાવનારી વાત અે છે કે ત્રણ દિવસ પહેલાં રાત્રે અહીં દેખાયેલા આ મગર પાણી ખાલી થતાં ભલે આજે બહાર દેખાયો પણ ગઇકાલે જ પુલનીચે ભરાયેલ આ પાણીમાં ગામના છોકરાઓ અજાણતાં લહેરથી ન્હાતા પણ હતા એટલે મોટી દુર્ઘટનાનું જોખમ ટળ્યું કહેવાય.

વરસાદી ૠતુમાં પાણીના વહેણ સાથે મગર જેવા પ્રાણીનું વસ્તીમાં આવી જવું સામાન્ય છે એટલે "જીવો અને જીવવા દો" એ ન્યાયે ગભરાટમાં તેમને કોઇ નુકસાન ન કરતાં સાવચેતીથી પકડીને અને એવું ન થાય તો વનવિભાગ કે પોલીસમાં જાણ કરીને એ ટીમ આવે ત્યાં સુધી કોઇ ખોટું સાહસ કર્યાં વગર જાનવર ભાગી ન જાય તેનું ધ્યાન રાખવાથી સમસ્યાનું નિરાકરણ આવી જાય છે તેમ રામજીભાઈ વેલાણીએ જણાવ્યું હતું. આ વેળાએ આર. એફ. ઓ વિજયસિંહ ઝાલાના માર્ગદર્શન તળે ગોપાલભાઈ, જગદીશ પરમાર અને પુંજાભાઈ રેસ્ક્યુમાં જોડાયા હતા

અન્ય સમાચારો પણ છે...