ભ્રષ્ટાચારના અેક ગુનામાં સામેલ શખ્સે ભચાઉની કોર્ટમાં પુત્રના પાસપોર્ટ માટે પોતાના કોર્ટમાં જમા રહેલા પાસપોર્ટની માંગણી માટે અપીલ કરી હતી. જેમાં રજૂ કરવામાં અાવેલા તથ્યો બાદ કોર્ટ ચોંકી ઉઠી છે. સામાન્ય રીતે જે વ્યક્તિ પર કેસ ચાલી રહ્યો હોય તેનો પાસપોર્ટ અેક વર્ષ માટે રીન્યુ થતો હોય છે. પરંતુ અરજી કરનાર શખ્સનો પાસપોર્ટ 10 વર્ષ માટે રીન્યુ થઇ જતા કોર્ટે તપાસના અાદેશ અાપ્યા છે.અા અંગે મળતી વિગતો મુજબ પટેલ ઘનશ્યામ ચિનુભાઇ (એન્જિનિયર) (કલોલ, ગાંધીનગર)અે ભચાઉની કોર્ટમાં અરજી કરી હતી. તેની સામે ભુજ અેસીબી પોલીસ મથકે વર્ષ 2005માં ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કરાયો છે.
જે કેસ ટ્રાન્સફર થઇને હાલ ભચાઉની કોર્ટમાં ચાલે છે. અા શખ્સે પોતાનો જમા કરાવેલો પાસપોર્ટની માગણી કરવા અપીલ કરી છે. જેમાં પુત્રના પાસપોર્ટ રીન્યુ કરવા પોતાના પાસપોર્ટની જરૂરીયાત હોવાનું કારણ અાપવામાં અાવ્યું હતું. જેતે વખતે અા શખ્સે પોતાનો પાસપોર્ટ રીન્યુ કરવા અંજારની કોર્ટમાંથી પરવાની અપાઇ હતી. પાસપોર્ટ રીન્યુ થયા બાદ અરજદારે પોતાનો પાસપોર્ટ જમા કરાવી દીધો છે. તેવામાં હવે પુત્રના પાસપોર્ટ માટે ફરી પોતાના પાસપોર્ટ મેળવવા અપીલ કરાઇ હતી.
જોકે ભચાઉ કોર્ટે અા અરજી પર જણાવ્યું હતું કે અરજીમાં જે વિગતો જાહેર કરવામાં અાવી છે તેમાં કોઇ પણ જગ્યાઅે અરજદારના પુત્રના પાસપોર્ટ રીન્યુ માટે કોઇ અરજી પાસપોર્ટ અોફિસમાં કરવામાં અાવી હોય તેવી વિગત જાહેર કરાઇ નથી. વધુમાં પાસપોર્ટ અોફિસના નિયમતો પૈકી પિતા તરીકે અરજદારના અસલ પાસપોર્ટની જરૂરીયાત નથી. પરંતુ પાસપોર્ટની કોપી જરૂરીયાત છે. અા સંજોગોમાં અરજદારને જમા કરાવેલા પાસપોર્ટની બે ખરી નકલ અાપવામાં અાવે તેવુ જણાવાયું હતું.પરંતુ અરજદારે રજૂ કરેલા કાગળો જોતા કોર્ટ ચોંકી ઉઠી હતી.
જેમાં અગાઉ અરજદારના પાસપોર્ટની મુદત તા. 28/12/19ના રોજ પુરી થઇ હતી. ત્યારબાદ અરજદારે પાસપોર્ટ રીન્યુ કરવા માટે અરજી કરતા તા. 12/12/19ના મંજૂર થઇ હતી. અા પાસપોર્ટની મુદત તા. 25/12/2029ની દર્શાવામાં અાવી છે. સામાન્ય રીતે પાસપોર્ટ સંબંધી નિયમોઅનુસાર જ્યારે વ્યક્તિ સામે કોઇ કેસ ચાલતો હોય ત્યારે માત્ર અેક વર્ષની સમયમર્યાદાનો પાસપોર્ટ ઇસ્યુ કરવામાં અાવે છે. જ્યારે અા કિસ્સામાં અરજદાર સામે કેસ ચાલી રહ્યો હતો તેમ છતાં 10 વર્ષ માટે પાસપોર્ટ ઇસ્યુ કરાયો છે. તેથી કોર્ટે સમગ્ર મામલાની તપાસ કરવા હુકમ કર્યો છે.
જેમાં કોર્ટે પાસપોર્ટ અોફિસને અાદેશ અાપ્યો છે કે અરજદારે પાસપોર્ટ રીન્યુ કરવા વખતે પોતાની સામે ભુજ અેસીબી પોલીસ મથકનો ગુનો જાહેર કર્યો હતો ? તેની ખાતરી કરવી. જો પાસપોર્ટ અોફિસમાં ખોટી વિગતો જાહેર કરી હોય તો અારોપી સામે કાયદેસરના પગલા લઇ શકાય છે. તથા અા તપાસનો રીપોર્ટ કોર્ટને 15 દિવસમાં કરવા તાકિદ કરાઇ હતી. ચુકાદાની કોપી તાત્કાલિક પાસપોર્ટ અોફિસને ઇ-મેઇલથી કરવા અાદેશ કરાયો હતો.
સરકારી વકીલે કોર્ટમાં કહ્યું પાસપોર્ટ સોંપાશે તો આરોપી વિદેશ ભાગી જશે
સામાન્ય રીતે જે શખ્સ ઉપર કેસ ચાલતો હોય છે, તેઓને પાસપોર્ટ જમા કરવાનો હોય છે, આ કેસમાં પણ અરજદાર સામે ભ્રષ્ટાચારનો ગુનો નોંધાયેલો હોવાથી તેનો પાસપોર્ટ સરકારી તંત્રને જમા કરાવેલો છે. તેને લેવા માટે જ અરજદારે કોર્ટમાં અપીલ કરી હતી, જોકે સરકારી વકીલે એવી દલીલ કરી હતી કે, આ કિસ્સામાં આરોપી સામે ભ્રષ્ટાચારનો ગંભીર આક્ષેપ છે અને તેનો ચાર્જસીટ પણ થઇ ગયું છે. તેવામાં પાસપોર્ટ આપવામાં આવશે તો વિદેશ કાયમી ધોરણે ભાગી જાય તેમ છે. તેથી અરજદારની અરજી નામંજૂર કરાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.