ચોરી ઉપર સે સીનાજોરી:લાલામાં વીજ બિલ ઉઘરાવવા ગયેલા કર્મચારીઓને દંપતીએ લાકડીથી ફટકાર્યા

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાઈટબીલ ન ભર્યું અને કહ્યું ‘થાય તે કરી લ્યો’
  • ઝપાઝપીમાં વિંગાબેરથી બાકી વીજબીલ પેટે મેળવેલો રૂ.8500 નો ચેક ફાટી ગયો

પીજીવીસીએલ દ્વારા બાકી વીજલેણાની વસૂલાત કરવા માટે કડક હાથે કામગીરી શરૂ કરાઈ છે.ગામ હોય કે શહેર જે લોકોના લાઈટ બિલ બાકી છે તેઓને લાઈટ બિલ ભરી જવા માટે નોટિસ અપાઈ છે અને લાઈટબિલ ન ભરતા ગ્રાહકોના વીજ કનેક્શન પણ કપાયા છે.જોકે લાઈટબિલ ઉઘરાવવા જતી ટીમ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં બે દિવસ પહેલા ખાવડા વિસ્તારના દીનારા ગામે કરિયાણાની દુકાનના ધારકે 9 હજાર લાઈટબિલ ન ભરી પીજીવીસીએલના કર્મચારીને લાફો ઝીંકી દીધો હતો ત્યાં હવે અબડાસા તાલુકાના લાલા ગામે વાડી વિસ્તારમાં ગયેલી પીજીવીસીએલની ટીમના કર્મચારીને માર મારી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવામાં આવતા જખૌ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

પીજીવીસીએલમાં ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા હિંમતસિંહ તેજમલજી જાડેજાએ જખૌ પોલીસ મથકે જણાવ્યું કે, માર્ચ મહિનો હોવાથી બિલની ઉઘરાણી માટે તેઓ ટીમ સાથે નીકળ્યા હતા જ્યાં વિંગાબેર ગામે દિપકસિંહની વાડીએ જતા તેમણે રૂ.8500 નો ચેક આપ્યો હતો જે બાદ લાલા ગામની વાડીએ અનુસૂચિત જાતિના ખેમા પરબતની વાડીએ લાઈટ બિલ ઉઘરાવવા પહોંચ્યા ત્યારે તેના દીકરા રાજેશ પાસે લાઈટબિલ ભરપાઈની માંગણી કરતા તેણે કહ્યું કે, મારી પાસે પૈસા નથી તારાથી જે થાય તે કરી લે.જેથી લાઈટનું કનેક્શન કાપવા માટેનો આદેશ આપતા રાજેશ અને તેની પત્ની ગાળાગાળી કરવા લાગ્યા એ દરમ્યાન રાજેશની પત્ની લાકડી લઈને આવી અને બંને જણાએ લાકડીનો છૂટો ઘા કર્યો જે બાદ ઝપાઝપી કરી હતી એ દરમ્યાન શર્ટના ખિસ્સામાં રહેલો વીંગાબેર ગામેથી મળેલો ₹8,500 નો ચેક પણ ફાટી ગયો હતો.

રાજેશે ધમકી આપી હતી કે,હવે તું મારી વાડીએ આવીશ તો જાનથી મારી નાખીશ તારા પર એટ્રોસિટીના કેસ કરી તને ફસાવી દઈશ.જેથી સારવાર લીધા બાદ દંપતી સામે કાયદેસરની ફરજમાં રુકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...