ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ અબડાસા:અપક્ષોની દાવેદારીએ હારજીતના અશ્વને મુંઝવ્યો

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પશ્ચિમ કચ્છમાં રાજકારણની ખીચડી કંઇક અલગ રંધાતી હોવાની ગંધ
  • જ્ઞાતિના સમીકરણોની સાથે તાલુકાવાદનો ગજગ્રાહ નવા ધારાસભ્ય માટે મતોનું કરશે વિભાજન

ભાવિન વોરા

ગુજરાતની 14મી વિધાનસભા માટેની કુલ 182 બેઠક પૈકીની નંબર 1 એવી કચ્છની અબડાસા બેઠક છેલ્લા બે દાયકામાં સતત વિવાદિત રહી છે. ત્રણ તાલુકા અબડાસા, નખત્રાણા અને લખપત તાલુકાને સમાવતી અબડાસા બેઠકમાં મતદારોની તાસીર બદલાયા છે અને એ ન સમજતા રાજકીય લોકો પણ હારીને જીતવા અને જીતીને હારવા માટે કોઇ તક ચૂકતા નથી. મતદારોએ રાજકીય પદાર્થ પાઠ તો શીખવાડ્યા પણ સાથે સાથે સત્તાની સાઠમારીમાં નેતાઓના ભોગે દેશભરમાં નકારાત્મક અસરો પણ ચર્ચાઇ ચૂકી છે. આ અબડાસામાં વર્ષ 2022ની ચૂંટણીના આંતરપ્રવાહો જ્ઞાતિવાર સમીકરણો ઉપરાંત તાલુકાવાદના સમીકરણને જોડનારા સાબિત થાય તેમ છે.

10 ઉમેદવારમાંથી 4 અપક્ષ ઉમેદવારના કારણે જંગ
જેમાં મજબૂત ગણાતા અપક્ષ ઉમેદવારો પરિણામો ઉપર અસર પાડે તેવી રાજકીય ચાલ પણ જાણવા મળે છે અને હાલના રાજકીય વિશ્લેષકો માટે પણ આ બેઠક કોયડો બની છે. ઉંડા પાણી શાંત હોવાની ભીતિ વ્યક્ત કરાઇ રહી છે. અપક્ષોના લીધે કેવી રાજકીય ખિચડી રંધાશે એ કળવું મુશ્કેલ લાગી રહ્યું છે પણ તેની ગંધ વર્તાય છે. રાજ્યની પશ્ચિમી સરહદે આવેલા અબડાસા, નખત્રાણા અને લખપત તાલુકાના ગામોને જોડતી આ બેઠકના કુલ 253096 મતદારો તેમની પક્ષ અથવા ઉમેદવારના પરિવર્તનની તાસીર જાળવી રાખે કે ન રાખે પરંતુ કુલ 10 ઉમેદવારમાંથી 4 અપક્ષ ઉમેદવારના કારણે જંગ જામશે.

મતોનું મુખ્ય વિભાજન આ વખતે તાલુકાવાર પણ ચિંતાનો વિષય
મુસ્લીમોના અંદાજે 69711, ક્ષત્રિયોના 33051, કડવા પાટીદારોના 30498, અનુસૂચિત જાતિના 28896 મતદારોના મતોનું મુખ્ય વિભાજન આ વખતે તાલુકાવાર પણ ચિંતાનો વિષય માનવામાં આવી રહ્યો છે. કારણ કે, અબડાસા તાલુકામાં ઉમેદવારી કરનારા ભાજપના નખત્રાણા તાલુકાના વિરાણીના પ્રદ્યુમનસિંહ જાડેજા ઉપરાંત અબડાસાના નલિયાના જ દરબારગઢના ક્ષત્રિય ઉમેદવાર હકુમતસિંહ જુવાનસિંહ જાડેજા અપક્ષ તરીકે છે. ક્ષત્રિય મતોના વિભાજનનો ભય માની શકાય તેમ છે. કારણ કે, દરેક ચૂંટણીમાં મોટું ફેક્ટર બનતા મહેશોજી સોઢા અપક્ષ સાથે છે.

રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસને ભારે પડી શકે
જ્યારે, નખત્રાણા તાલુકામાં પાટીદારોની વસતિ વધારે છે અને આમ આદમી પાર્ટીએ કોટડા જડોદરના કડવા પાટીદાર વસંત ખેતાણીને ટિકીટ આપી છે. અબડાસાના મતમાં નખત્રાણા તાલુકાના કડવા પાટીદારોની વસતિના મતો સમાજિક સમીકરણનો વળાંક લે તો બંને મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસને ભારે પડી શકે. જીતે નહીં તો હરાવી શકે ! આ ઉપરાંત, માંડવી તાલુકાના ગુંદિયાળીના મમુભાઇ રબારીએ યુવાનોની તાકાત દેખાડવાના હેતુથી જંગમાં ઝંપલાવ્યું છે. જ્યારે બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવાર મેઘવાળ નાગશી ખમુભાઇના લીધે અનુસૂચિત જાતિના મતમાં ગાબડા પડી શકે છે, જેની અસર પણ નખત્રાણા તાલુકામાં પડે તેમ કહી શકાશે.

અબડાસા બેઠક ઉપર સૌથી વધુ મતદારો મુસ્લીમ સમાજના
કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનારા ફૂલરાના મામદ જુંગ જતને લખપત તાલુકાના મતદારોનો સધિયારો મળી શકશે. કારણ કે, ચૂંટણીના ઇતિહાસમાં તેઓ લખપતના પ્રથમ નિવાસી છે જે રાજકીય બેનર તળે ચૂંટણી લડી રહ્યા છે. અપક્ષ તરીકે લાખણિયાના ઉઠાર રજાક અલીમામદ પણ મતમાં ભાગલા પડાવશે. અબડાસા બેઠક ઉપર સૌથી વધુ મતદારો મુસ્લીમ સમાજના છે અને લખપત તાલુકાને ધારાસભામાં જવાની તક પહેલી વખત મળી છે ત્યારે તેમના સમાજના બહુમતિ મતોનું જોર અન્ય મતદારોના ધ્રુવિકરણ અથવા વિભાજનને અસર પહોંચાડી શકે છે તેમ માનવું રહ્યું. અબડાસાના ધનાવાડાના ભાનુશાળી સુરેશ મનજી મંગે ગ્રામીણ વિસ્તારમાં મતોનો ફાયદો લઇ શકે તેમ સમજવું રહ્યું.

સ્વતંત્ર પક્ષથી માંડીને ભાજપ સુધી 14 ધારાસભ્ય
1962થી રાજ્યની સૌથી મોટી એવી અબડાસા બેઠક માટે થયેલી ચૂંટણીમાં સ્વતંત્ર પક્ષથી માંડીને ભારતીય જનતા પક્ષ સુધીના 14 ધારાસભ્ય રહ્યા છે. દર ચૂંટણીમાં પરિવર્તનની તાસીર ધરાવતા મતદારોએ એ 2020 સુધી એક પણ ધારાસભ્યને સતત બીજી વખત ધારાસભા સુધી પહોંચવા નથી દીધા. 1962માં સ્વતંત્ર પક્ષમાંથી માધવસિંહ જાડેજા, 1967માં કોંગ્રેસમાંથી પી.બી. ઠક્કર, 1972માં ખિમજી નાગજી, 1975માં મહેશ ઠક્કર, 1980માં ખરાશંકર જોષી, 1985માં કનુભા જાડેજા, 1990માં ભાજપના તારાચંદ છેડા, 1995માં કોંગ્રેસના ડો. નીમાબેન આચાર્ય, 1998માં કોંગ્રેસમાંથી ઇબ્રાહિમ મંધરા, 2002માં ભાજપમાંથી નરેન્દ્રસિંહ જાડેજા, 2007માં ભાજપના જયંતીલાલ ભાનુશાળી, 2012માં કોંગ્રેસના છબિલભાઇ પટેલ, 2014ની પેટાચૂંટણીમાં કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ, 2017માં કોંગ્રેસમાંથી પ્રદ્યુમનસિંહ જાડેજા અને 2020માં ભાજપમાં આવીને ફરીથી પ્રદ્યુમનસિંહ જાડેજા ધારાસભ્ય રહ્યા છે. 2020માં સતત બીજી વખત જીતનારા તેઓ ધારાસભ્ય બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...