જિલ્લા પંચાયતના પંચાયતી માર્ગ અને મકાન વિભાગે 4 ઠેકેદારોઅે સમયમર્યાદામાં કામ પૂર્ણ ન કરતા કાળી યાદીમાં નાખ્યા હતા. 2022ના અોકટોબર માસથી શરૂ થયેલી કાર્યપાલક ઈજનેરની ધાક બેસાડતી શિક્ષાત્મક કાર્યવાહીથી બાકીના ઠેકેદારોના કામમાં ઝડપ અાવવા લાગી છે.
પ્રાપ્ત વિગતો મુજબ લખપત તાલુકાના દયાપરની અાદેશ કન્સ્ટ્રકશનને મુન્દ્રા, નખત્રાણા તાલુકામાં 197.67 લાખના ખર્ચે રિસર્ફેસિંગ, ભુજ તાલુકાના સરલીના ઘનશ્યામ કન્સ્ટ્રકશન 34.16 લાખના ખર્ચે નખત્રાણા તાલુકાના પંચાયતના બાંધકામ, ગાંધીધામ તાલુકાના અાદિપુરના લવકુમાર અાચાર્યને 31.29 લાખના ખર્ચે રાપર તાલુકામાં વેટરનરી બિલ્ડિંગના બાંધકામના વર્ક અોર્ડર અપાયા હતા.
પરંતુ, તેમણે 6 મહિનામાં પૂર્ણ કરવાના કામમાં 12 માસથી વધુ સમય લઈ લીધો હતો, જેથી કાર્યપાલક ઈજનેર ઠાકોરે શિક્ષાત્મક કાર્યવાહી રૂપે કાળી યાદીમાં નાખી દીધા હતા. સૂત્રોઅે જણાવ્યું હતું કે, કાર્યપાલકની ધાક બેસાડતી કાર્યવાહીના પગલે બાકીના ઠેકેદારોના કામમાં ઝડપ અાવવા લાગી છે. નગરપાલિકાઅો પણ અેવી કાર્યવાહી કરે તો શહેરોમાં થતા કામોમાં ઝડપ અાવી શકે.
ખરાઈ કરી હકીકત જાણવા કાર્યપાલક ઈજનેર ઠાકોરને કોલ કરી પૂછતા તેમણે જણાવ્યું હતું કે, હા, અે વાત ખરી છે. કામમાં અતિશય વિલંબ થયો હતો. જેના કારણો જણાવવાના હોય છે. શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવાની હોય છે. ઠેકેદારોઅે સમયમર્યાદામાં કામ પૂર્ણ કર્યા ન હતા.
તેમને પૂછ્યું કે શું તેઅો હવે ક્યાંય કામ નહીં કરી શકે તો તેમણે કહ્યું કે, ના, અેવું નથી. અે માત્ર જિલ્લા પંચાયત હસ્તકના કામ નહીં કરી શકે. કાયમી કાળી યાદીમાં મૂકવા માટે અાર. અેન્ડ બી. સ્ટેટ દ્વારા વિધિ થતી હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.