લાખોની કરી ખરીદી:ધોરડો આવેલા સનદી અધિકારીઅોને હસ્તકળાની ચીજવસ્તુઓ કોઠે પડી ગઇ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાંધણી સાડી, દુપટ્ટા, કાષ્ટકળાની વસ્તુ સહિત લાખોની કરી ખરીદી

કચ્છી હસ્તકળાની વિવિધ ચીજવસ્તુઅો ન માત્ર ભારતમાં પરંતુ વિદેશમાં પણ ખ્યાતિ પામી છે ત્યારે તાજેતરમાં કચ્છ અાવેલા 460 તાલીમી સનદી અધિકારીઅોને પણ જાણે કચ્છી ચીજવસ્તુઅો કોઠે પડી ગઇ હોય તેમ બાંધણી સાડી, દુપટ્ટા સહિત વિવિધ વસ્તુઅોની લાખોમાં ખરીદી કરી હતી. કચ્છી હસ્તકળા સહિત પરંપરાગત કળા સચવાઇ રહે અને અાવી કારીગરી સાથે સંકળાયેલા કારીગરોને પણ પ્રોત્સાહન સાથે રોજગારી મળે તે માટે ધોરડો નજીકના અફાટ સફેદ રણમાં દર વર્ષે યોજાતા રણોત્સવ દરમ્યાન હસ્તકળાની ચીજવસ્તુઅો અને ખાણીપીણીના વિવિધ સ્ટોલ ઉભા કરાતા હોય છે.

અા વખતે રણમાં ભલેને હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે તેમ છતાં પણ રણોત્સવનો પ્રારંભ થઇ ગયો છે અને રણમાં તંબુનગરી ઉભી કરી દેવાઇ છે. તા.1-11ના મસુરીથી સ્પેશિયલ ટ્રેન મારફતે 460 તાલીમી સનદી અધિકારીઅો ભુજ અાવ્યા બાદ તા.3-11 સુધી ધોરડોના સફેદ રણમાં ઉભી કરાયેલી તંબુનગરીમાં રોકાણ કર્યું હતું. ત્રણ દિવસ દરમ્યાન સફેદ રણ, તંબુનગરી, વૈશ્વિક ધરોહર ધોળાવીરા સહિત જિલ્લાના સરહદી ગામો ખુંદી જમીની સ્તરેથી વહીવટી પાઠ ભણ્યા હતા.

ત્રણ દિવસના રોકાણ દરમ્યાન તંબુનગરીની અંદર સંચાલક પેઢી દ્વારા તેમજ ટેન્ટસિટી બહાર તંત્ર દ્વારા ઉભી કરાયેલી હસ્તકળાની વિવિધ દુકાનો પરની વસ્તુઅો અા અધિકારીઅોને કોઠે પડી ગઇ હોય તેમ લાખો રૂપિયામાં ખરીદી કરી હતી. સૂત્રોના કહેવા મુજબ અા અધિકારીઅોઅે પોતાના માટે વિવિધ કચ્છી ચીજવસ્તુઅો ઉપરાંત પરિવારના મહિલા સદસ્યો માટે બાંધણી સાડી, અજરખ વર્કના દુપટ્ટા ઉપરાંત કાષ્ટકળામાંથી બનેલી વસ્તુઅોની પણ ખરીદી કરી હતી.

અા વખતે રણોત્સવમાં પાણી ભરાયેલા હોઇ પ્રવાસીઅોની સંખ્યા અોછી હોવાથી કચ્છી કારીગરોને જોઇઅે અેવી કમાણી નહીં થઇ હોય પરંતુ તાજેતરમાં અાવેલા સનદી અધિકારીઅો અને દિવાળીના સપરમાં દિવસોમાં અાવેલા પ્રવાસીઅોના કારણે થયેલી કમાણીના કારણે કચ્છી કારીગરોના મોઢા પર ચમક અાવી ગઇ છે.

દાબેલી, કચ્છી ભાણું પણ દાઢે વળગ્યું
કચ્છની હસ્તકળાની જેમ દાબેલી પણ પ્રખ્યાત છે અને કચ્છ અાવેલા 460 તાલીમી સનદી અધિકારીઅોઅે કચ્છી દાબેલીનો તો સ્વાદ ચાખ્યો હતો જ સાથેસાથે તેમને કચ્છી ભાણું પણ દાઢે વળગ્યું હોવાનું સૂત્રોઅે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...