ગેરરીતી અંગે પુછપરછ:ભુજ ભચાઉ વાયા દુધઈ ધોરીમાર્ગના ખરાબ કામ વિશે મુખ્યમંત્રી કચેરીએ જવાબ માંગ્યો

કચ્છ (ભુજ )એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજ ભચાઉ વાયા દુધઈ ધોરીમાર્ગનું ગોકળ ગતિએ નિર્માણ કાર્ય થયા બાદ આ માર્ગ વાહન વ્યવહાર માટે હજુ પણ ઉચિત બની શક્યો નથી. નબળી ગુણવત્તાના કારણે બિસ્માર બનેલા માર્ગ પર અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાતા રહે છે. જેના અહેવાલો બાદ ઔપચારિક ટેન્ડર પ્રક્રિયા હેઠળ વારંવાર સમારકામ કરવામાં આવતું રહે છે તેમ છતાં માર્ગની હાલત જૈસે થે મુજબ જોવા મળી રહી છે. ત્યારે સપ્તાહ પૂર્વે કબરાઉ નજીક અજાણ્યા વાહન તળે પિતા પુત્રના મૃત્યુ નિપજતા માર્ગની હાલત કારણભૂત હોવાના અહેવાલો વિવિધ સમાચાર માધ્યમોમાં પ્રસારિત થયા હતા. તો અખબારી અહેવાલના પગલે ખુદ રાજ્યના મુખ્યમંત્રી કચેરીએ નોંધ લઈ આ વિશે યોગ્ય હકીકત જણાવવા માર્ગ અને મકાન વિભાગના મુખ્ય સચિવને પત્ર પાઠવવામાં આવ્યો છે.

માર્ગ પરના ખાડાઓથી બચવા વાહનચાલકોને ભારે હાલાકી પડે છે
ભુજ ભચાઉ વાયા દુધઈ ધોરીમાર્ગને ડબલ માર્ગ તૈયાર થવામાં વર્ષો લાગી ગયા, જેના અંતર્ગત ભુજોડી ઓવરબ્રિજ પૂર્ણ થયો છે જ્યારે ભચાઉ ઓવરબ્રિજ પૂર્ણતાભણી પહોંચ્યો છે. ત્યારે સંપૂર્ણ માર્ગ તૈયાર થાય તે પહેલાજ તેમાં ગાબડાઓ પડી ગયા છે. માર્ગ પરના ખાડાઓથી બચવા વાહનચાલકોને ભારે હાલાકી પડે છે અને અકસ્માતનો ભોગ પણ બનવું પડે છે. ખાસ કરીને ભચાઉના કબરાઉ, આંબરડી, કુંભારડી નજીકનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં છે. અનેક સ્થળે ખરાબ માર્ગના કારણે વાહનોને પોતાની સાઈડના બદલે રોંગ સાઈડમાં ચલાવવા લોકો મજુબર બને છે. અને માર્ગ અકસ્માતનો શિકાર બને છે. બે માસ પૂર્વે કુંભારડીના કાગેશ્વર ગોળાઈ પાસે આસપાસના ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન પણ કરવામાં આવ્યા હતા.

જવાબદારો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી લોકમાંગ ઉઠી
દરમ્યાન દુધઈ ધોરીમાર્ગ પર છેલ્લા કેટલાક માસમાં જીવલેણ અકસ્માતની ઘટનામાં વ્યાપક વધારો નોંધાયો છે. ખાસ કરીને તાજેતરમાં કબરાઉ પાસે સર્જાયેલા અકસ્માતમાં પિતા પુત્રના મૃત્યુ બાદ માર્ગના જવાબદારો સામે પોલીસ ફરિયાદની પણ માગ ઉઠી હતી. ત્યારે જીએસઆરડીસી નિર્મિત માર્ગની ગુણવત્તા અને સામારકામને લઈ લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે. આ અંગે આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ પીએમ મોદીની મુલાકાત વેળાએ અહીં સમારકામ માટે જીએસઆરડીસી દ્વારા રૂ. 70 થી 80 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. સુત્રોનું માનીએ તો છેલ્લા છ માસ દરમ્યાન માર્ગના સમારકામ માટે રૂ. 4 થી 5 કરોડ ખર્ચે કરવામાં આવ્યા હતા. પરંતુ માર્ગની હાલતમાં ખાસ ફરક પડ્યો નથી. તો અન્ય જાગૃત નાગરિકોએ આક્ષેપ કરતા કહ્યું હતું કે માર્ગના સમારકામ માટે નિમણૂક ઇનજીનીયરની ભલામણથી તેના સબંધી વર્ગ દ્વારા વહીવટી પ્રક્રિયા સુપેરે પાર પાડી સમારકામના નામે ગેરરીતી આચરવામાં આવી રહી છે. જેનો ભોગ અહીંથી પસાર થતા નિર્દોસ લોકો બની રહ્યા છે. જવાબદારો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...