રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ પક્ષોએ જીત મેળવવા પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ થવાનું છે જે માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે માંડવી અને અબડાસા બેઠકના ભાજપના ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યું હતું. ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગમાં વિજય હાંસિલ કરવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સોમવારે પશ્ચિમ કચ્છના માંડવી અને અબડાસા બેઠકના ઉમેદવારોની નામાંકન રજૂ કરવાની પ્રક્રિયામાં હાજર રહ્યા હતા, અને મુન્દ્રા બાદ નલિયામાં જંગી સભા પણ યોજી હતી.
મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા
મુખ્યમંત્રીએ રાજ્ય અને કેન્દ્ર સરકારની કોવિડ રસીકરણ સહિતની ઉપલબ્ધી વર્ણવી હતી. સાથે જ કચ્છને શ્રેષ્ઠ જિલ્લો કહી સર્વોત્તમ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. પક્ષના પદાધિકારીઓ કાર્યકરો સાથે મોટી સંખ્યમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ભારે જનસમર્થન સાથે વિશાળ સભા યોજી
માંડવી વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર અનિરુદ્ધ દવે સાથે મુખ્યમંત્રી પટેલે મુન્દ્રા પ્રાંત કચેરી ખાતે નામાંકન પ્રક્રિયા વેળાએ સામેલ થયા હતા. આ પૂર્વે જંગી સભા પણ સંબોધી હતી. ત્યારબાદ અબડાસા બેઠકના રિપીટ ઉમેદવાર પ્રદ્યુમ્નસિંહ જાડેજા સાથે રહી ભારે જનસમર્થન સાથે નલિયા પ્રાંત કચેરી ખાતે પહોંચી બપોરે 1.20 કલાકે નામાંકન રજૂ કરાયું હતું. ફોર્મ રજૂ કરતા પહેલા નલિયાના ચાંગલેશ્વર ગ્રાઉન્ડ ખાતે વિશાળ સભા યોજાઈ હતી. જ્યાં મુખ્યમંત્રીએ નવા સભ્યોને આવકાર આપી કચ્છના વિકાસને નવી દિશા તરફ લઈ જવાની વાત કરી હતી. દરમ્યાન નલિયા પ્રાંત કચેરી ખાતે આજે કુલ છ જેટલા ઉમેદવારોના ફોર્મ ભરાયા હતા. તેમાં કોંગ્રેસના મામદ જત અને આપના વસંત ખેતણીએ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.