કોરોના બાદ પહેલીવાર છેલ્લા દોઢ મહિનાથી સીઝનલ વાઇરસે માથું ઉચકતા ખાંસી-શરદી સાથેના ઝીણા તાવના કેસોમાં ઉછાળો આવ્યો છે.જાન્યુઆરી મહિનામાં તાવના કેસોની સંખ્યા વધુ હતી પણ હાલે તાવની સાથે લાંબો સમય ખાંસી અને શરદી રહેવાના કેસો પણ વધુ છે.જિલ્લા આરોગ્ય તંત્રના આંકડા પ્રમાણે,છેલ્લા દોઢ મહિનામાં નોંધાયેલા ફલૂના કેસોમાં સૌથી વધુ 36 ટકા એટલે કે 994 જેટલા કેસ માત્ર ભુજ શહેર અને તાલુકામાં સામે આવ્યા છે. જિલ્લા મથકે વકરેલી ચેપી બીમારીને પગલે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો હતો.
દરમિયાન નવા વકરેલા H3N2 વાયરસના કચ્છમાં કોઇ કેસ નોંધાયા નથી પણ અમુક દર્દીમાં આ લક્ષણો દેખાયા હોવાનું જાણવા મળ્યું હતું જે એક ચિંતાનો વિષય છે. હાલે મોટાભાગના ઘરમાં ખાંસી-શરદીના સંક્રમણના કેસ જોવા મળી રહ્યા છે.જેમાં સૌથી વધુ નાના બાળકો ચેપનો શિકાર બનતા હોય છે.પ્રાથમિક શાળાઓની પરીક્ષા નજીક છે ત્યાં વાયરલ બીમારીએ વાલીઓની ચિંતા વધારી છે.તાજેતરમાં જ બાળકોમાં ખાંસી મહિના સુધી રહેતી હોવાનું તબીબોએ તારણ આપ્યું હતું.
વાયરલના કેસો વધતા એન્ટીવાઇરલ અને એન્ટીએલર્જિક દવાઓના વેચાણમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. દરમ્યાન મહાનગરોમાં H3N2નું સ્ંક્રમણ વધી રહ્યું છે જેની સામે કચ્છમાં હજી કોઈ કેસ સામે આવ્યો નથી.જિલ્લામાં તેના પરીક્ષણ માટેની વ્યવસ્થા પણ નથી.જોકે આ નવા સંક્રમણથી બચવા તકેદારી લેવાની સલાહ આરોગ્ય વિભાગ આપી રહ્યું છે.
બીમારીને ફેલાતી રોકવા માસ્ક જ અસરકારક ઉપાય
ઉધરસ કે છીંક ખાતી વખતે સૂક્ષ્મ ડ્રોપલેટ અન્યને ચેપ લગાડે છે. ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે નજીકથી વાત કરવાથી પણ ચેપનું જોખમ છે.જેથી ખાંસી ખાતી વ્યક્તિથી સલામત અંતર રાખવું જોઇએ અને વાઇરલ ફ્લુના આ વાવરમાંથી બચવું હોય તો માસ્ક પહેરવું પડશે તેની સાથે જાહેર સ્થળોએ થૂંકવાનું ટાળો,સાબુ/સેનેટાઇઝરથી હાથ સાફ કરવા,ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું,ગરમ પાણીના કોગળા કરવા,લક્ષણ જણાય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ તેવું જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.જિતેશ ખોરસિયાએ જણાવ્યું હતું.
દોઢ માસમાં 2701 લોકો ઝપેટમાં આવ્યા
કચ્છમાં છેલ્લા દોઢ માસમાં 2701 લોકો બીમારીની ઝપેટમાં આવ્યા છે. આ આંકડા સરકારી ચોપડે ચડેલા છે પણ ખાનગી દવાખાનામાં સારવાર લીધી હોય તેવા દર્દીનો આંક અનેક ગણો ઉંચો જાય તેમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.