CO ને રજૂઆત:મોદીની ભુજ મુલાકાત વેળાએ રાતોરાત હટાવી દેવાયેલા બમ્પ હવે તો બનાવો!

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મા આશાપુરા વિદ્યા સંકુલ પાસે અકસ્માતમાં યુવાને જીવ ગુમાવ્યો’તો
  • 2000 છાત્રોની સલામતી માટે શિવશક્તિ સ્ટડી સર્કલ દ્વારા CO ને રજૂઆત

ભુજ શહેરમાં 28મી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતા, જેથી આશાપુરા વિદ્યા સંકુલ પાસે રાતોરાત માર્ગોની મરંમત સાથે બમ્પ પણ હટાવી દેવાયા હતા. જેને 15 દિવસ થઈ ગયા છે. પરંતુ, ફરીથી એજ જગ્યા બમ્પ લગાડવાની તસ્દી લેવાઈ નથી, જેથી 2000 જેટલા વિદ્યાર્થીઓની સલામતી માટે સત્વરે બમ્પ લગાડવા મુખ્ય અધિકારી પાસે લેખિતમાં રજૂઆત કરાઈ છે.

શિવશક્તિ સ્ટડી સર્કલ ટ્રસ્ટ સંચાલિત મા આશાપુરા વિદ્યા સંકુલ આસપાસ અનેક સોસાયટીઓ બની ગઈ છે. વળી ત્યાંથી રિંગ રોડ પસાર થાય છે, જેથી દિવસ રાત સતત બેફામ વાહન વ્યવહાર ચાલુ હોય છે. આ અગાઉ એજ સ્થળે અકસ્માતમાં યુવાનનું મોત પણ થયું હતું. મા આશાપુરા વિદ્યા સંકુલમાં પ્રાથમિક, માધ્યમિક, હાઈસ્કૂલ ઉપરાંત ઉચ્ચ અભ્યાસ માટે 2000 જેટલા છાત્રો આવે છે.

જેને ધ્યાને લઈ બમ્પ બનાવવા ભુજ નગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અને શિવશક્તિ સ્ટડી સર્કલ ટ્રસ્ટના ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ જાડેજાએ મુખ્ય અધિકારી જીગર પટેલ પાસે લેખિતમાં રજૂઆત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય અને કેન્દ્રના નેતાઓ કચ્છની મુલાકાતે આવે ત્યારે એમના વાહનો તેજ ગતિએ પસાર થઈ શકે એ માટે રાતોરાત બમ્પ હટાવી લેવાતા હોય છે.

પરંતુ, એજ ગતિએ ફરી બમ્પ બનાવવાની તસ્દી લેવાતી નથી. લોકો તંત્ર પાસે રજૂઆત કરે અને અખબારોમાં ટિકા ટિપ્પણી સાથે છપાય એ બાદ જ એમની ઊંઘ ઉડે છે, જેથી લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે, તંત્ર વ્યવસ્થા લોકોની સુવિધા માટે છે કે, નેતાઓની આરામદાયક મુસાફરી અને મુલાકાત માટે છે?. બમ્બ હટાવી દેવાતાં વાહન ચાલકો હવે બેફામ ગતિએ દોડી રહ્યા છે, જેથી અકસ્માતનો કોઇનો જીવ જાય તે પહેલા બમ્પ બનાવવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...