વાગડમાં સ્થાનિકે મેવા તરીકે ઓળખાતા પીલુના પાકથી સીમાડા કેસરિયા બન્યા છે. વૃક્ષો પર મીઠા ફળ આવતાં ખાસ કરીને બાળકો અને પક્ષીઓને લીલા લહેર થઇ ગયા છે.
પીલુના ઝાડનો છાંયો અને તેના પાંદડા ઉપયોગી હોઇ રાપર અને ભચાઉ તાલુકાના મોટા ભાગના ખેતરોમાં પીલુ જોવા મળે છે. હોલા અને કોયલ જેવા પક્ષીઓ વૃક્ષ પર પીલુ ખાતા નજરે ચડે છે તો આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ પીલુને વેંચી પરિવારનું ગુજરાન ચલાવવામાં સહભાગી થાય છે. રાત્રિ દરમિયાન ઠંડા બનેલા પીલુને ખાવા સવારે લોકો સીમાડામાં પહોંચી જાય છે.
બપોરે જો પીલુ ખવાય તો ઝાડા થાય છે તેવી માન્યતા હોતાં લોકો મોટા ભાગે સવારે જ પીલુને ખાય છે. એક એક દાણો ખાઓ તો મોઢું આવી જતું હોવાથી ખોબો ભરીને પીલુ ખાવા પડે છે તેમ કહેતાં કેટલાક ગ્રામજનોએ ઉમેર્યું હતું કે, પીલુ ખાધા બાદ ઉંઘ સારી આવી જાય છે. વાગડમાં પીલુની સુકવણી કરીને પણ લોકો ઉપયોગમાં લેતા હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.