ચૂંટણીનો માહોલ:ભુજની સભાને કેન્દ્રિય ગૃહમંત્રીને બદલે રાજ્યના મુખ્યમંત્રીએ સંબોધી

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિમાનમાં ટેકનિકલ ક્ષતિ સર્જાતાં ગૃહપ્રધાન અમિત શાહ ન પહોંચ્યા
  • ત્રણ કલાક વાટ જોવા​​​​​​​ બદલ કાર્યકરો અને ટેકેદારોની CM એ ક્ષમા માંગી

સમગ્ર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. રાષ્ટ્રીય પક્ષોના સ્ટાર પ્રચારક દેશના ખૂણે ખૂણેથી ગુજરાત આવી અને જાહેર સભા યોજે છે. સોમવારે સાંજે ભુજની આર.ડી.વરસાણી સ્કૂલના પ્રાંગણમાં ભારતીય જનતા પાર્ટીએ કાર્યકરો અને ટેકેદારોને જિલ્લામાં છ એ છ બેઠક પર ભાજપનું કમળ ખીલવવા અપીલ કરવા માટે ભારતના ગૃહ પ્રધાન અમિત શાહની જંગી સભાનું આયોજન કર્યું હતું. સોમવારે સાંજે અમિત શાહ ભુજમાં જંગી મેદનીને સંબોધવાના હતા, પરંતુ વિમાનમાં ટેકનીકલ ક્ષતિ સર્જાતા તેમની જગ્યાએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મોડી સાંજે ભુજ આવી અને ભાજપના કાર્યકરો તથા ટેકેદારોને સંબોધ્યા હતા.

ત્રણ કલાક સુધી રાહ જોવા બદલ મુખ્યમંત્રીએ સૌપ્રથમ ક્ષમા માગી હતી. ગુજરાતની પ્રજાને લાંબા સમયથી પડતી મુશ્કેલીનો અંત લાવવા ભારતીય જનતા પાર્ટી પર લોકોએ વિશ્વાસ મૂક્યો અને નરેન્દ્ર ભાઈ મોદીને મુખ્યમંત્રી તરીકે બેસાડ્યા ત્યારથી ગુજરાતનો વિકાસ દેશમાં પ્રથમ સ્થાને રહ્યો છે. છેલ્લા બે દાયકામાં સુરક્ષિત ગુજરાતમાં એક પણ જગ્યાએ કર્ફ્યું નથી લદાયો. વિકાસની રાજનીતિ દ્વારા રાજ્યમાં વીજળી, રસ્તા, છેવાડા સુધી પાણી જેવી સવલતો ઊભી કરી છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અનેક વિકાસ કાર્યો થયા છે.

સૂર્યની તાકાતને પીછાણી અને દેશના વડાપ્રધાને કચ્છમાં રીન્યુવેબલ એનર્જીનો પ્રોજેક્ટ કે જે સમગ્ર વિશ્વનો સૌથી મોટો 30 ગીગા વોટ વીજળીનો પાર્ક આકાર લેવાનો છે. ગત સોમવારે અબડાસા અને માંડવી - મુન્દ્રા મતવિસ્તારના ઉમેદવારનું ફોર્મ ભરતી વખતે સીએમ ભુપેન્દ્ર પટેલ કચ્છ આવ્યા હતા. આજે ગૃહ પ્રધાન અમિત શાહ ન આવી શકતા તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ફરીથી તાત્કાલિક ભુજ મુક્યા હતા.

કચ્છની છ એ છ બેઠક પર કમળ ખીલવવા અપીલ કરી હતી, તો ભુજ વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર કેશુભાઈ પટેલને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કર્યું હતું. મુખ્યમંત્રીના સંબોધન અગાઉ રાજસ્થાન, બાડમેર જિલ્લાના શિવાના ધારાસભ્ય હમીરસિંહ સોઢા, પૂર્વ સાંસદ રાજસ્થાન યોગી બાલકનાથજી, યુપીના કેબિનેટ મંત્રી સ્વતંત્રદેવસિંહ તથા કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડાએ ઉપસ્થિત શ્રોતાઓને જંગી મતદાનથી ભાજપના ઉમેદવારોને જીતાડવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...