દેશભરમાં કચ્છની કોમી એક્તા જગજાહેર છે, આ કોમી એક્તામાં મોટા રણ વચ્ચે બિરાજતા અને ગાયોની રક્ષાકાજે શહિદી વહોરનારા મુસ્લિમ ઓલીયા હાજીપીર બાબાની ભૂમિકા પાયારૂપ છે, જેમ મેકરણ દાદાએ માનવજાતની સેવા કરી તેમ મૂળે દિલ્હીના બાદશાહના લશ્કરના અધિકારી એવા ઓલીયાએ ખુદાની બંદગી કરી તે આજે સૈકાઓ વિત્યા બાદ પણ ગરીબે નવાઝ વલી અલ્લાહ હજરત સૈયદ અલીઅકબરશા ઝકરીયા હાજીપીરવલીના નામે પૂજાય છે, ધાડપાડુ ગાયોનું ધણ લૂંટીને જતા હતા ત્યારે આ ઓલીયાઓ પોતાના 72 સાથીઓ સાથે ગૌરક્ષા કાજે જંગ ખેલી ગાયો બચાવી પોતાના પ્રાણોની આહુતિ આપી હતી.
દર વર્ષે ચૈત્ર સુદ બીજ-ત્રીજના હાજીપીરવલીનો ઉર્ષ ઉજવાય છે, જેમાં કચ્છ જ નહીં ગુજરાત-મુંબઇથી હિન્દુ-મુસ્લિમ ભાવિકો સલામ ભરવા મોટી સંખ્યામાં ઉમટે છે. બાબાની મજારે પદયાત્રા કરીને માથું નમાવવાની આગવી પરંપરા છે, જે યાત્રી પગે ચાલીને આવે છે, તેમના માટે સુરજબારી-આડેસરથી હાજીપીર સુધી લગભગ 300 કિ.મી. માત્ર કચ્છમાં જ સેવા કેમ્પ ઉભા કરાય છે, કચ્છ બહાર પણ આવા સેવા કેમ્પો સપ્તાહથી ધમધમે છે અને તેનો તમામ ખર્ચ હિન્દુઓ-મુસ્લિમો બંને કરે છે, સેવામાં હિન્દુઓ આખીઆખી રાત રીક્ષા, ટેમ્પો કે કેમ્પમાં રહીને પૂણ્ય કમાય છે.
આ ઓલીયા 12મી સદીમાં થઇ ગયાની વાયકા છે યુદ્ધમાં સૈનિકોની તારાજી-ખૂનખરાબા જોઇ વ્યથિત થયેલા સૈન્યના અધિકારીએ સૈન્યનો ગણવેશ ત્યાગી દરવેશ થયા અને બંદગી એવી કરી કે ખાત્રી આપી ગયા. અહીં ‘આવનારા કદી ખાલી હાથે પાછા નહીં જાય.’ તેમણે કચ્છના રણમાં જ્યાં પાણીની તંગી હતી તેવા સ્થળે બંદગી કરી તળાવનું નિર્માણ કરાવ્યું. સૌદ્રાણાનું તળાવ આજેય પવિત્ર છે અને જ્યારે અખંડ ભારત હતું ત્યારે સિંધથી ભાવિકો અહીં ગાડા-ઉંટગાડીમાં માથું નમાવવા અને ઉર્ષમાં ભાગ લેવા આવતા, આજે પણ ભાવિકો મોટી પદયાત્રા કરીને આવે છે, ઉર્ષના પહેલા દિવસે આંકડો બેથી અઢી લાખને આંબી ગયો હતો, કોરોના બાદ સંપૂર્ણ સજ્જ આ વર્ષનો પ્રથમ ઉર્ષ છે. ગયા વર્ષે મોડી મંજૂરી અપાતા મેળો જામ્યો ન હતો.
આ ઓલીયાવલીની મજારે હાજીપીર ઉર્ષમાં બંદોબસ્ત માટે જતા પોલીસ અધીકારીના હાથે સંદલ (ચાદર) ચડાવાય છે. મુંબઇથી અનેક જૈન શ્રેષ્ઠીઓ પણ ઉર્ષ માટે ખાસ રણમાં દર વર્ષે પહોંચે છે. રવિવારે મેળો પરાકાષ્ટા પકડે છે અને સોમવારે બપોર બાદ રણમાં દર વર્ષે ચૈતરીયા પવનોની એવી તો આંધી ઉઠે છે કે, મેળો વિખેરાય છે. સેંકડો શ્રમજીવીઓ ખાસ સ્ટોલ લગાવી બે પૈસા કમાવા અહીં પહોંચે છે તો ગુલાબના ફૂલ અને લોબાનની સુગંધ જગ્યાની આગવી ઓળખ છે.
રિબિન કાપી ઉર્ષ ખુલ્લો મુક્તા આગેવાનો
અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના અધ્યક્ષ અબ્દુલ રાયમાએ રિબિન કાપી મેળાને વિધિવત ખુલ્લો મુક્યો ત્યારે ઉપપ્રમુખ આદમ પઢિયાર, નખત્રાણા નાયબ પોલીસ અધિક્ષક ડી. બી. બગોરા, કુંવરગર ગુંસાઇ, આમદ જત, મજીદ પઠાણ, સૈયદ અશરફશા, મુજાવર પરિવાર, સી. પી. આઇ. એચ. એમ. વાઘેલા સહિતનાં જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.