નિર્ણય:કોવિડ ગાઈડલાઈન સમાપ્ત છતાં યુનિ.નો 11મો પદવીદાન સમારોહ ઓનલાઇન થશે !

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સતત ત્રીજા વર્ષે ઓનલાઇન સમારોહમાં રાજ્યપાલ પરોક્ષ રીતે સંબોધન કરશે
  • ​​​​​​​18 જુનના આયોજિત કાર્યક્રમમાં 5698 છાત્ર વિવિધ પદવી મેળવશે

ક્રાંતિગુરૂ શ્યામજીકૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી હંમેશા વિવાદોમાં આવતી રહે છે ત્યારે તાજેતરમાં યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ પણ વિવાદમાં આવ્યો છે.યુનિવર્સિટી દ્વારા અગાઉ બે વખત પદવીદાન સમારોહની તારીખ રદ કર્યા બાદ હવે વધુ એક નવી તારીખ જાહેર કરવામાં આવી છે.નવાઈની વાત એ છે કે,ત્રીજી વાર જે તારીખ નક્કી કરવામાં આવી છે તેમાં સમારોહ ઓફલાઈન નહિ પણ ઓનલાઇન યોજવામાં આવશે જ્યારે ખરેખર હાલમાં કોવિડ છે જ નહીં તો પછી ઓનલાઇન સમારોહ યોજવાની જરૂરિયાત શી પડી ? તે સવાલ પણ ઉઠવા પામ્યો છે.

યુનિવર્સિટીના પરીક્ષા નિયામક દ્વારા અખબારી યાદીમા જાહેર કરવામાં આવ્યું છે કે,યુનિવર્સિટીનો 11 મો પદવીદાન સમારંભ આગામી તા.18/6 ના ઓનલાઇન યોજવામાં આવશે.જેમાં અલગ અલગ વિદ્યાશાખાના કુલ 5698 વિદ્યાથીઓ પદવી મેળવશે. ઉલ્લેખનીય બાબત એ છે કે,છેલ્લા 2 વર્ષથી કોવિડના કારણે ઓનલાઇન સમારોહ યોજવામાં આવતો હતો ત્યારે આ વખતે ઓફલાઈનની આશાઓ પર પણ પાણી ફરી વળ્યું છે.

વેકેશનના કારણે 2 તારીખ રદ થઈ,રાજ્યપાલ દ્વારા જ નવી તારીખ અપાઈ છે : રજીસ્ટ્રાર
યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ઘનશ્યામ બુટાણીએ જણાવ્યું કે,અગાઉ 29 એપ્રિલ અને 9 મે ની તારીખ રદ થઈ છે.વિદ્યાથીઓના વેકેશન ચાલતા હોવાથી આ તારીખ રદ કરાઈ હતી અને રાજ્યપાલ કચેરી દ્વારા નવી તારીખ 18 જૂન અપાઈ છે અને તેઓ ગાંધીનગરથી ઓનલાઈન હાજરી આપવાના હોવાથી કાર્યક્રમ ઓનલાઇન આયોજીત કરાયો હોવાનું કહ્યું હતું.

વિલંબથી પદવી મળવાથી છાત્રોને થશે નુકસાન
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિભાગ સંયોજક અક્ષય ઠક્કરે જણાવ્યુ઼ કે, પદવીદાન સમારોહ ઓફલાઇન જ થવો જોઇએ અને રાજ્યપાલે હાજરી પણ આપવી જોઇએ. અગાઉ 2 તારીખ રદ્દ થઇ ચૂકી છે અને હવે વિદ્યાર્થીઓને કોઇ ગેરલાભ ન થાય તે માટે સંગઠન દ્વારા વિરોધ કરાયો નથી. યુનિવર્સિટી છાત્ર હિતમાં પગલા લે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...