કુદરતની ક્લાત્મકતાનું ઉત્તમ ઉદાહરણ:સૂકા મલકમાં આંખોને અકલ્પનીય તૃપ્તિ આપતું સ્થળ એટલે 'કડિયા ધ્રો', ધોધરૂપે વરસાદી પાણી નીકળતાં આહલાદક દૃશ્યો સર્જાયાં

કચ્છ (ભુજ )3 મહિનો પહેલા
  • વર્ષોના હવામાનમાં થતી ક્રિયાના પ્રતાપે આકાર પામેલો કડિયા ધ્રો પ્રકૃતિની શ્રેષ્ઠ રચના
  • કડિયા ધ્રો એટલે કે મગરોને રહેવા માટેનું ઘર

કચ્છ એટલે મેરુ, મહેરામણ અને મરુ ભૂમિનો પ્રદેશ અને એટલે જ અહીં કુદરતી મહેર તથા કહેર બાદ પણ ભૌગોલિક રચના થકી જન્મેલી સુંદરતાને કારણે કચ્છડો બારે માસ બોલાય છે. એવા સૂકા મલકમાં આંખોને અકલ્પનીય તૃપ્તિ આપતું સ્થળ એટલે કડિયા ધ્રો. ભુજથી 35 કિલોમીટર દૂર કોડકી માર્ગે આવેલું કડિયા ધ્રો કુદરતની ક્લાત્મકતાનું ઉત્તમ ઉદાહરણ સમું એક છે. હાલ ચોમાસાની સીઝનમાં વરસાદ પડતાં કુદરતી કોતરો અંદરના પાણી પહાડો સાથે સમાંતર સ્તરે આવી જાય છે, જેથી વરસાદી પાણી કોતરોની વચ્ચેથી નીચે ધોધરૂપી વહી નીકળે છે, જેને લઈ અદભુત દૃશ્યો સર્જાય છે.

ચોમાસામાં મગરો અન્ય નદી-નાળાં તરફ પ્રયાણ કરી જાય છે
નખત્રાણા તાલુકામાં આવતા કડિયા ધ્રો સેંકડો વર્ષો દરમિયાન હવામાનના પ્રતાપે આકાર પામ્યો છે. ધ્રો એટલે મગરો માટેનું ઘર, જ્યાં તળિયા વગરની જમીન પર કોતરોમાં બારેમાસ પાણી જોવા મળે છે અને ચોમાસાની ઋતુમાં વરસાદ પડતાં કુદરતી કોતરો અંદરના પાણી પહાડો સાથે સમાંતર સ્તરે આવી જાય છે. એ દરમિયાન એમાં વસવાટ કરતા મગરો અન્ય નદી-નાળાં તરફ પ્રયાણ કરી જાય છે. જોકે વરસાદી પાણી કોતરોની વચ્ચેથી નીચે ધોધ રૂપી વહી નીકળતાં અદભુત દૃશ્યો સર્જાય છે.

વિશ્વનાં 52 ફરવાલાયક સ્થળોની શ્રેણીમાં સામેલ
સ્થાનિક ફોટોગ્રાફર દ્વારા પ્રથમ વખત આ સ્થળને વિશ્વ ફલક પર મૂકવામાં આવ્યું હતું. ત્યાર બાદ 2021માં અમેરિકાના ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા એને વિશ્વનાં 52 ફરવાલાયક સ્થળોની શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યું હતું. અહીં ફરવા આવતા લોકો પ્રકૃતિપ્રેમીઓને સ્થાનિક લોકો પૂરતું માર્ગદર્શન પૂરું પાડી મદદરૂપ બનતા રહે છે.

કચ્છના પર્યટન સ્થળમાં અદકેરું સ્થાન
કડિયા ધ્રો આસપાસના વિસ્તારમાં સમેજા પરિવાર વર્ષોથી ખેતી કરી ગુજરાન ચલાવે છે. કચ્છ આવતા પ્રવાસીઓ માટે કડિયા ધ્રો ફરવા માટે વિશેષ બની જાય છે. અહીં ગુજરાતી, હિન્દી ફિલ્મોના શૂટ પણ થઈ ચૂક્યા છે. આ કડિયા ધ્રો કચ્છના પર્યટનસ્થળમાં અદકેરું સ્થાન ધરાવે છે. કડિયા ધ્રો આસપાસ સમેજા પરિવાર ખેતી કરી વસવાટ કરે છે અને પર્યટકોને મદદરૂપ બને છે.

અન્ય સમાચારો પણ છે...