લખપતના મુખ્ય મથક દયાપરમાં અનેક કચેરી પાસે ખુદની ઇમારત નથી. તેવામાં અાખરે દયાપર મામલતદાર કચેરીના બાંધકામ માટેના ટેન્ડરો બહાર પાડવામાં અાવ્યા છે. જોકે જૂની કચેરી હજુ તોડી પાડવાની બાકી છે. જેની ફાઇલ મહેસુલ વિભાગમાં હોવાનું બહાર અાવ્યું છે.લખપત તાલુકાનું મુખ્ય મથક દયાપર છે. વર્ષ 1978માં તાલુકાનું મુખ્યમથક લખપતથી ખસેડી દયાપર કરવામાં અાવ્યું હતું. તાલુકાની મામલતદાર કચેરી જર્જરિત થતા દસેક વર્ષથી ત્યાં કામકાજ બંધ કરી દેવામાં અાવ્યું છે. હાલ મામલતદાર કચેરી અારોગ્ય વિભાગની ઇમારતમાં ધમધમે છે.
લાંબા સમયથી નવી મામલતદાર કચેરી મંજૂર કરાવમાં અાવી હતી. પરંતુ બજેટ મંજૂર થઇ રહ્યું ન હતું. ચાલુ વર્ષના બજેટમાં સરકારે અાખરે દયાપર ખાતે મામલતદાર અને સબ રજીસ્ટ્રારની નવી ઇમારત માટે બજેટ મંજૂર કર્યું હતું. જેના પગલે અાખરે માર્ગ અને મકાન વિભાગે નવી કચેરી માટેના ટેન્ડરો પણ બહાર પાડી દીધા છે. જોકે ખાટલે મોટી ખોટ અે છે કે જૂની કચેરી હજુ તોડી પાડવાની બાકી છે.
અાર અેન્ડ બી વિભાગના સુત્રોઅે જણાવ્યુ હતું કે જૂની જર્જરિત કચેરી તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે. મહેસુલ વિભાગમાંથી મંજૂરી મળ્યા બાદ જૂની કચેરી તોડી પાડવામાં અાવશે. નોંધનીય છે કે, તાલુકા કક્ષાએ મહત્વપૂર્ણ કચેરીની ખૂદની ઇમારત ન હોવાથી અનેક મુશ્કેલીઓ સરકારી કર્મચારીઓની સાથે લોકોને પણ થઇ રહી છે. દયાપર ખાતે કોલેજ માટે પણ ખૂદની ઇમારત નથી, જેના માટે પણ ચાલુ વર્ષના બજેટમાં રકમ ફાળવવામાં આવી છે, જેનું કામ પણ શરૂ થાય તેવી સંભાવના છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.