પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી:નખત્રાણા પાસેના તપોભૂમિ ધીનોધર ડુંગર વાદળોથી ઘેરાતા આહલાદક દૃશ્યો સર્જાયા

કચ્છ (ભુજ )3 મહિનો પહેલા
  • મેઘમહેરે તીર્થસ્થાન ધીનોધરને હરિયાળીથી સજાવી દેતા પ્રકૃતિ ખીલી ઉઠી

કુદરતી સૌંદર્ય જ્યાં કાયમી જોવા મળે છે એવા નખત્રાણા પાસેના ધાર્મિક સ્થળ ધીનોધર ડુંગરમાં મેઘમહેર બાદ પ્રકૃતિ નવા સાજ શણગાર સાથે સોળે કળાએ ખીલી ઉઠી છે. તપો ભૂમિ એવા ધીનોધર પર વાદળોની પધરામણીથી આસમાન જાણે ધરતીના દર્શને આવ્યું હોય એમ વાતવરણ અદભુત અને મનમોહક બની ઉઠ્યું છે. ચોતરફ ઠંડક પ્રસરાવતા વાદળોની ધીમીગતિ વચ્ચે શોભતી હરિયાળી અને સૌથી ઊંચા શિખર પર આવેલા ધોરમનાથ બાપુના મંદિરમાં થતો ઘંટરાવ સાક્ષાત પરમાત્માની અનુભૂતિ કરાવી જાય છે. ભાવિકો અને પ્રકૃતિ પ્રેમીઓ માટે ધીનોધર સાધના સાથે સૌંદર્ય દર્શનનું અતુલ્ય સ્થાનક છે.

ધીનોધર એ તપસ્વી સંત ધોરમનાથજી દાદાના નામે જાણીતો
ભુજ-નખત્રાણા ધોરીમાર્ગ પર આવતા નાની અરલથી 4 કિલોમીટર દૂર વનરાજી વચ્ચે આવેલા પ્રખ્યાત ધીનોધર ડુંગર અંદાજિત 1800 વર્ષ પૂર્વે તપસ્વી સંત ધોરમનાથ દાદાના નામથી જાણીતો છે. વ્યાપક વરસાદ બાદ નખત્રાણા પાસેના આ ધાર્મિક સ્થળે માહોલ ખુશનુમા બન્યું છે. ખાસ કરીને વરસાદી ઋતુમાં ધીનોધર પર ઘેરાયેલા વાદળો તેની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે અને તેની સુંદરતા શબ્દોમાં વર્ણન કરવી મુશ્કેલ હોવાનું ભાવેશ ધનાણીએ કહ્યું હતું.

ધીનોધર ડુંગરની વિશેષતા
નખત્રાણાથી 12 કિલોમીટર દૂર નાની અરલ પાસે આવેલા તપોભૂમિ ધીનોધર ડુંગરના સૌથી ઊંચા શિખર પર દાદા ધોરમનાથજીનું મંદિર આવેલું છે. જ્યાં મહંત મહેશનાથજી ગુરૂ પીર શ્રી હીરાનાથજી જગ્યાની ગરીમાં વધારી રહ્યા છે જ્યારે ડુંગરની તળેટીમાં થાન જાગીર સ્થાનક આવેલું છે. અહીં અશો નવરાત્રીએ વર્તમાન મહંત સોમનાથ બાપુ ગુરુ પીર શ્રી હીરાનાથજી કઠિન ખડક તપસ્યા કરે છે. જે પરંપરા વર્ષોથી થતી આવે છે. એવું સેવક કુલદીપ સિંહ જાડેજાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...