કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગ હસ્તક ચાલતા સરકારી દવાખાનાઓમાં સ્ટાફઘટનો મુદ્દો હમેશા ચર્ચામાં રહ્યો છે તો ઘણા દવાખાનામાં સાધનો પણ નથી અને જ્યાં છે ત્યાં તેને ઉપયોગ કરવા માટે માણસો નથી.વિવિધ પ્રકારની ત્રુટીઓ વચ્ચે આરોગ્ય વિભાગને સ્પર્શતી સમસ્યાઓ જાણવા અને તેના નિરાકરણ માટે ચિંતન કરવા સારું જિલ્લામાં આરોગ્ય વિભાગની ચિંતન શિબિર આયોજિત કરવામાં આવી છે જેમાં આ ગુરુવારે THO સાથે અને બીજા દિવસે સ્ટાફ સાથે ચિંતન થશે પણ સવાલ ત્યાં થાય કે,સ્ટાફ ઘટ અને ઈન્ચાર્જના હવાલે ચાલતા વહીવટ વચ્ચે તંત્ર એક જ દિવસમાં ભુજમાં ચેમ્બરના હોલમાં બેસીને ગામડાઓની પરિસ્થિતિથી કઈ રીતે વાકેફ થશે ?
આગામી ગુરૂવાર તા.12 ના જિલ્લા પંચાયત સમિતિખંડ ખાતે કચ્છના દસેય તાલુકાઓની આરોગ્ય સમીક્ષા માટે ચિંતન બેઠક જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવશે.જેમાં તમામ તાલુકાના હેલ્થ ઓફિસર,અર્બન હેલ્થ સેન્ટર,પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર,આયુષ તબીબ સહિતનાઓને ખાસ હાજરી આપવા માટે જણાવાયું છે. જ્યારે બીજા દિવસે શુક્રવારે 13 તારીખે માતા બાળ મરણના કારણો વિશે ચિંતન કરવા માટે કચ્છના કુલ 67 પૈકી 20 PHC ના સ્ટાફને શિબિરમાં બોલાવાયા છે.
માતા અને નવજાત શિશુને સેવાઓ અને મૃત્યુના પ્રમાણમાં ઘટાડો લાવવો એ તંત્રની પ્રાથમિકતા છે.અઠવાડિયામાં સાત દિવસ 24 કલાક પ્રસુતિ સેવા સાથે બેઝિક ઈમરજન્સી સેવા સુનિશ્ચિત કરવાથી ગ્રામ્ય વિસ્તારોમાં માતા અને નવજાત આરોગ્ય સેવાઓમાં વિલંબ ઘટાડી શકાશે તેવું જણાવી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ પરિપત્રમાં આ શિબિરમાં હાજરી આપવા માટે 20 PHCના મેડિકલ ઓફિસર કે પછી કોઈ પણ સ્ટાફને હાજરી આપવા જણાવ્યું છે.નોંધનીય છે કે,ઘણી PHC માં સ્ટાફ તો ઠીક કાયમી ડોકટર પણ નથી ત્યારે આ મુદ્દે પણ ચિંતન કરવું જરૂરી છે.
કચ્છમાં 24 કલાક કાર્યરત PHC સેન્ટરો
મોથાળા,તેરા,રતનાલ,આધોઇ,ધોળાવીરા,કુકમાં,ગોરેવલી,ધાણેટી,માધાપર,કીડાણા,દરશડી,તલવાણા,વાંકી,નિરોણા, નેત્રા,આડેસર,ગાગોદર,સુવઈ,ચિત્રોડ,ઘડુલી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.