શિક્ષણ બોર્ડના પરીક્ષાર્થીઓની તૈયારીઓ હાલમાં આખરી દૌરમાં ચાલી રહી છે અને કલાકો ગણ્યા વિના વાચન લેખન કરી રહ્યા છે ત્યારે ભુજ શહેર સહિતના ભાગોમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન એટલે કે ઘરે ઘરે કચરો લેવા પહોંચતી ગાડીઓમાં વાગતું ગીત ઘોંઘાટની જેમ ખલેલ પહોંચાડે છે તેવો મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. નગરના સત્તાધિશો આ ગાડીઓમાં હાલ પૂરતું ‘સ્વચ્છ ભારત કા ઇરાદા....’વાળું ગીત ન વગાડવાની સૂચના આપે તેવી માગણી કરવામાં આવી છે. નગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની કામગીરી મોટા ભાગે દરેક જિલ્લામાં થાય છે જે સરાહનીય છે.
આ ગાડી કચરો એકઠો કરીને લોકોને સુવિધા આપવા સાથે દૂષણ ઓછુ કરવાની સાથે હાલના સમયમાં તેના ગીતના કારણે પ્રદુષણ ફેલાવે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ મેસેજમાં એમ જણાવ્યું છે કે, દરરોજ સવારે ૬ થી ૯ વાગ્યાની આસપાસ દરેક સોસાયટીની શેરીમાં આ ગાડી ખૂબ જ ઊંચા આવાજે “સ્વરછ ભારત” થીમ સોંગ વગાડીને કચરો એકત્રિત કરે છે.
ગીતના આ ઘોંઘાટ થી વડીલો, બાળકો, દર્દી તથા વિદ્યાર્થીઓની નિંદ્રા માં ખલેલ પડે અથવા બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને ઘોંઘાટ નડતરરૂપ બને છે.સવારનો સમય વાંચન માટે શ્રેષ્ઠ છે પરતું વેસ્ટ કલેક્શનના થીમ સોંગના ઘોંઘાટથી એકાગ્રતામાં ભંગ થાય છે. જાગૃત નાગરિક તરીકે દરેક લોકોએ સબંધિત સત્તા વાળાઓ સુધી આ વાત પહોંચાડવી જોઈએ જેથી આ બાબતનો ત્વરિત ઉકેલ આવે એમ પણ આ મેસેજમાં જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.