ગાંધીનગર સ્થિત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સહયોગથી ઈસાર દ્વારા તાજેતરમાં ગુજરાતી ભાષમાં વિજ્ઞાન-લેખન ત્રણ દિવસીય કાર્યશિબિરનું અાયોજન કરવામાં અાવ્યું હતું. ઈસાર સંસ્થા રાપર ખાતેના સેજલબેન જોષીએ માહિતી આપતાં જણાવ્યું કે રાપર ખાતે અાયોજિત આ કાર્યશિબિરનો મુખ્ય હેતુ ગુજરાતી ભાષમાં વિજ્ઞાન લેખન થઈ શકે અને વિજ્ઞાનનો સમાજમાં પ્રસાર પ્રચાર કરી સમાજમાં ફેલાયેલ અંધશ્રધ્ધા દૂર કરી વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો છે.
આ કાર્યશિબિરમાં રાપર તાલુકાના ફતેહગઢ, સુવઈ, સેવા સાધના છાત્રાલય, અનુભૂતિ વિદ્યા મંદિર, સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો, સરકારી વાણિજ્ય અને આર્ટસ કોલેજ અને એન. પી, કોલેજ રાપરના 35 વિદ્યાર્થીઓ આ શિબિરમાં જોડાયા હતા.પ્રથમ દિવસે સમાજશાસ્ત્રી અને શિક્ષણકાર વિદ્યુતભાઈ જોષીએ વિજ્ઞાનિક અભિગમથી કઈ રીતે વિચારતાં થવાય તે માટે સ્વ મૂલ્યાંકનની પધ્ધિતઓ વિષે ઉદાહરણો સાથે વાત કરી. ઈસારના ટ્રસ્ટી તરીકે જયશ્રીબેન જોષીએ આવી શિબિર 15 વર્ષથી જુદા જુદા જિલ્લાઓમાં કરવામાં આવી રહી છે એ અંગે માહિતી આપી હતી.
પ્રથમ દિવસે ફોટોગ્રાફર નીરવભાઈ સોલંકીએ લાકડાંવાંઢ ડેમ પાસેના અને વાગડના સ્થાનિક અને સ્થળાંતરીત પક્ષીઓ વિષે માહિતી આપી અને સાથે ખારસર વાંઢના યુવા કાર્યકર ઉમેદભાઈ મકવાણાએ લાકડાંવાંઢ ડેમના ઇતિહાસ વિષે માહિતી આપી હતી. બીજા દિવસે વિજ્ઞાન પત્રકાર કાળુભાઇ ચૌધરીએ ડિજિટલ દુનિયામાં વિજ્ઞાન વાંચન અને લેખન અંગે સમજૂતી આપી. ઈસરોના અવકાશ વિજ્ઞાની ડૉ. ચિંતનભાઈ ભટ્ટે ખાસ કરીને સહભાગીઓને અવકાશની સફર કરાવી દીધી.
વિજ્ઞાન બાળ સાહિત્યકાર કિશોરભાઇ પંડયાએ વિજ્ઞાન અને બાળકો સમજી શકે એ પ્રમાણે લેખન કાર્ય કરવા માટે સમજૂતી આપી હતી. અંતિમ દિવસે રાપરના યુવા ખેડૂત ઋષભભાઈ ચારલે વિધ્યાર્થીઓને સજીવ ખેતી અને જમીન સુધારણા માટે વિગતે માહિતી આપી હતી. ભુજથી વન્યજીવના નિષ્ણાંત અને રાષ્ટ્રીય ઇકોલોજી એવોર્ડ વિજેતા લેખક અને પત્રકાર રોનકભાઈ ગજ્જરે હાજર રહી સહભાગીઓને વન્યજીવોના સંરક્ષણ માટે સંવેદનશીલ બનવા અપીલ કરી હતી.
રિજનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડિરેક્ટર ડૉ. રાજેન્દ્રભાઈ પટેલ, સહભાગીઓને સાયન્સ સેન્ટરની મુલાકાત માટે આમંત્રણ આપ્યુ હતું. ઈસાર સંસ્થાના કાર્યકરો નસિમ બલોચ, ખોડા પરમાર, અંજલિ ગૌતમ, મેરીબેન મેઘવાળ વગેરેએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.