ભુજમાં બસપોર્ટનું બાંધકામ પૂર્ણતાના આરે છે, પરંતુ તેની બહાર આવેલી સવાસોથી વધુ નગરપાલિકાની માલિકીની દુકાનોને કઈ રીતે ખસેડવી અને કાયમી કઈ રીતે નિવેડો લાવવો તે સુધરાઈ માટે માથાનો દુખાવો છે. લીઝ પર આપેલી દુકાનોનું ભાડું વસૂલતી નગરપાલિકાએ હાલ જર્જરીત હાલતમાં હોઈ સુરક્ષિત સ્થળે જવા અપીલ પણ કરી છે. ત્યાં સાડા ત્રણ દાયકા અગાઉ ઓપનએર થિયેટરની સામે જૂની છઠ્ઠીબારી પાસે આવેલી 22 દુકાનોની અગાશીનો વણઉકેલ્યો પ્રશ્ન સામે આવ્યો છે.
ભુજ નગરપાલિકાએ 4 થી 5 દાયકા અગાઉ છઠ્ઠીબારીથી મોર્ડન ટોકીઝના એક્ઝિટ ગેટ સામેના વિસ્તારમાં 22 દુકાનો બનાવી હતી, જે ટેન્ડર દ્વારા ભાડે આપવા બનાવી હતી અને એકથી બે લાખ સુધીના પ્રીમિયમમાં 99 વર્ષના ભાડાપટ્ટે આપી હતી. આ દુકાન ભાડુતોને તેમની દુકાનની ઉપર અગાસીની જમીન એટલે કે પ્રથમ માળની 5000 ચોરસ ફુટ જેટલી જમીન માલિકી હક્કે આપવા માટે ફરીથી 1987 માં જાહેરાત બહાર પાડી વેંચવા રાખી હતી. જેને નીચેના દુકાનદારોએ એક સાથે થઈને ખરીદવા નિર્ણય કરી અને અશોકભાઈ રામાણી અને રમેશભાઈ ભાવનાનીની આગેવાની હેઠળ કુલ 22 લાખમાં ખરીદવા ટેન્ડર ભર્યું હતું. જે પાસ થતાં 25% રકમ પણ ભરાઈ ગઈ હતી.
ત્યારબાદ બાકીની 75% રકમ ભરતી વખતે કોઈ કારણસર અસમજૂતી થતા બારોબાર રકમ ભરાઈ ગઈ. જેના વિરોધમાં નગરપાલિકાને નોટિસ આપી હોવાનું જણાવતા તે સમયે ટેન્ડર ભરવાના મુખ્ય એવા અશોકભાઈ રામાણીએ જણાવ્યું કે મને અંધારામાં રાખીને આ ચુકવણું થયું હોવાથી મેં નોટિસ આપી હતી. જેને પગલે તત્કાલીન ચીફ ઓફિસર અનિલભાઈ જોશીએ આ પ્રક્રિયા અટકાવી હતી જેનો નિવેડો આજે પણ નથી આવ્યો. જો કે, વાસ્તવમાં 24 લાખ ભરાયા હોવાનું જાણવા મળે છે. સુધરાઈ પ્રમુખ ઘનશ્યામભાઈ આર. ઠક્કરે જણાવ્યું કે, સાડા ત્રણ દાયકા અગાઉની વાત હોવાથી તેમજ તે વખતે શું થયું હતું તેનો કોઈ અંદાજ ન હોવાથી વાસ્તવિકતા શું હતી તે પહેલા જાણવી પડે.
જૂની મેટર હોવાથી કારણ શોધવું પડે : સી.ઓ.
છઠ્ઠીબારીની 22 દુકાનનો અગાસી બાબતે નગરપાલિકા મુખ્ય અધિકારી જીગરભાઈ પટેલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, આ બહુ જૂની મેટર હોવાથી કોઈ જ જાણકારી નથી. બધા જુના રેકોર્ડ તપાસવા પડે હાલ બસપોર્ટની આગળની દુકાન સાથે આ દુકાનોને કોઈ લેવાદેવા નથી.
જો નિર્ણય આવી જાય તો નગરપાલિકાને આર્થિક ફાયદો
ભુજના પ્રાઈમ લોકેશન પર આવેલી 22 દુકાનની અગાસી જેનું અંદાજિત ક્ષેત્રફળ 5000 ચોરસ ફુટ છે તેનો જો નગરપાલિકાને વર્તમાન બોડી પ્રશ્ન ઉકેલે તો ફરીથી ટેન્ડર બહાર પાડી અને જાહેર ચડાખડી કરવામાં આવે અને લાખો રૂપિયા નગરપાલિકાને મળે. તે ઉપરાંત વાર્ષિક ભાડું પણ હજારો રૂપિયામાં મળતું થાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.