ભાસ્કર એક્સક્લુઝિવ:સુધરાઇએ ઓગનના વહેણ માર્ગે હદ નક્કી કરવા 2 વખત કહ્યું પરંતુ સિટી સરવેએ ન કર્યું

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ડિ-માર્કેશન વિના દબાણો થતા રહ્યા અને ચોમાસે પાણી ભરાતા રહ્યા
  • શહેરની ઉત્તર દિશામાં પ્રાગસર અને રાતા તળાવમાં મોટાપાયે વસાહતો વિકસી ગઈ

ભુજ શહેરની ઉત્તર દિશામાં હમીરસર તળાવના ઓગનના વહેણ માર્ગે પ્રાગસર અને રાતા તળાવ સહિતના નાના નાના તળાવો આવેલા છે, જેમાં ચોમાસામાં સ્વાભાવિક રીતે પાણી ભરાવવાની સમસ્યા રહે છે, જેથી ઓગનના વહેણ માર્ગે વિકસેલી દબાણવાળી માનવ વસાહતો તકલીફમાં મૂકાય છે. જેના ઉકેલ રૂપે ભુજ નગરપાલિકાએ સિટી સર્વેને ડી-માર્કેશન કરવા પત્ર વ્યવહાર કર્યો હતો. પરંતુ, સિટી સર્વેએ હદ નક્કી કરી નથી, જેથી દબાણો આગળ વધતા જ રહ્યા છે અને ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યાથી લોકો પરેશાન થતા રહ્યા છે.

વધારાના પાણીનો ઓગન મારફતે નિકાલ
ભુજ શહેરના હૃદય સમાન હમીરસ તળાવમાં ઉપરવાસથી જેમ લક્કી ડુંગર, ચાંગલાઈ રખાલ, બાવીસ કૂવા સહિતના વિસ્તારોમાંથી પાણીની આવક થાય છે. એમ હમીરસર તળાવ ભરાઈ જાય તો વધારાના પાણીનો સ્વામિનારાયણની વાડી પાસે આવેલા ઓગન મારફતે નિકાલ કરવામાં આવે છે, જેથી હમીરસર છલકાઈને વધારાનું પાણી શહેરમાં તારાજી ન સર્જે. એ હમીરસરના ઓગન માર્ગેથી નીકળતું પાણી એ બાદ પ્રાગસર અને રાતા તળાવ જેવા નાના નાના તળાવોમાં ઠલવાય છે.

સિટી સર્વેની કચેરી પત્ર લખી ડિ-માર્કેશન કરવા સૂચવ્યું હતું
એ નાના નાના તળાવોની આસપાસ દબાણવાળી વસાહતો વિકસતી ગઈ છે અને ભારેથી અતિભારે વરસાદ થયા બાદ હમીરસરમાંથી વધારાના પાણી ઓગન મારફતે છોડવામાં આવે તો એ દબાણવાળી વસાહતોમાં તારાજી સર્જાય છે. જો સિટી સર્વે ઓગનના વહેણ અને તળાવ પાસે ડિ-માર્કેશન કરી નાખે તો હદ નક્કી થઈ જાય અને લોકોની વસાહતોને ભયજનક સ્થળે આગળ વધતી અટકાવી શકાય. જે માટે ભુજ નગરપાલિકાએ 2007 અને 2018 કે આસપાસના વર્ષો દરમિયાન સિટી સર્વેની કચેરી પત્ર લખી ડિ-માર્કેશન કરવા સૂચવ્યું હતું. પરંતુ, સિટી સર્વેની કચેરીએ એની તસદી લીધી નથી.

હજુ તો શહેરમાં પડેલા પાણી જ ભરાયા છે
હજુ હમીરસર તળાવ ઓગન્યું નથી. માત્ર શહેરમાં પડેલા વરસાદી પાણી ભરાયા છે. જેનાથી શહેરની ઉત્તર દિશામાં વિકસેલી વસાહતોમાં પાણી ભરાયા છે. જો હમીરસર ઓગનશે અને વધારાના પાણીનો નિકાલ કરવામાં આવશે તો ઉત્તર દિશામાં વિકસેલી વસાહતોની શું હાલત થશે. સંબંધિત સરકારી તંત્ર એની સંભાવનાઓ ચકાસીને એ દિશામાં દબાણવાળી માનવ વસાહતો વિકાસતી અટકાવવાની કામગીરી કેમ નથી કરતી. એ પ્રશ્નો પણ અવારનવાર થતા રહ્યા છે.

ઢાળ તરફ પાણી વહે તોય વહેણોમાં વસાહતો
ચોમાસામાં વરસાદી પાણી ઢાળ તરફ વહે, જેથી રાજાશાહીના વખતમાં કુદરતી વહેણોની દિશામાં જ તળાવો બનાવવામાં આવ્યા હતા. પરંતુ, છેલ્લા ચારેક દાયકાથી કુદરતી વહેણોમાં જ દબાણવાળી વસાહતો ઊભી થતી રહી છે. જે વહેણમાં રૂકાવટ પેદા કરે છે, જેથી પાણી તારાજી સર્જે છે.

અન્ય સમાચારો પણ છે...