હવામાન વિભાગે કરેલી આગાહી વચ્ચે ભુજમાં સવારે તડકો નીકળતાં માવઠું થવાની શક્યતા નહિવત જણાતી હતી પણ બપોરે ત્રણ વાગ્યાના અરસામાં માહોલ એકાએક ગોરંભાયો હતો અને વીજળીના કડાકા ભડાકાએ શહેરીજનોને ભયભીત કર્યા હતા. જો કે, માત્ર ઝાપટું પડતાં 5 મીલિ મીટર જેટલું પાણી વરસ્યું હતું. શહેરની ભાગોળે આવેલા માધાપરમાં પણ માવઠું થતાં નીચાણવાળા સ્થળે જળ ભરાવ થયો હતો.
ભુજમાં બપોરે અચાનક કાળા ડિબાંગ વાદળો છવાયા હતા તેની સાથે વીજળીના ડરામણા કડાકા ભડાકા થતાં લોકો ભયમાં મુકાયા હતા. ચોમાસાની જેમ વરસાદ ખાબે તેવો માહોલ ખડો થયો હતો પણ કંટ્રોલ રૂમમાંથી મળેલી માહિતી અનુસાર 5 મીલિ મીટર પાણી વરસ્યું હતું.
બીજી બાજુ રાબેતા મુજબ શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ પડી ગયો હતો જેને પૂર્વવત થતાં અડધોથી એક કલાક જેટલો સમય લાગ્યો હતો. વાતાવરણમાં આવેલા પલટાથી થોડી વાર માટે ઠંડક પ્રસરી હતી. મહત્તમ તાપમાન પણ એક ડિગ્રી ઘટીને 35 ડિગ્રી થયું હતું. માધાપરમાં પણ આ અરસામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસતાં નગરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં જળ ભરાવ થયો હતો. ગામના માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. કિસાનોએ માવઠાથી માઠી થઇ હોવાનું જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.