કચ્છમાં શિક્ષણની યોગ્ય વ્યવસ્થા પુરી પાડવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. અનેક શાળાઓ જર્જરિત હાલતમાં છે. ભચાઉ તાલુકાના કકરવા પ્રાથમિક શાળામાં છત પરથી પોપડા પડી રહ્યા છે. જેના પગલે અહીં છાત્રો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. નવા કકરવા પ્રા.શાળા હાલ જર્જરિત છે. છત પરથી વજનદાર પોપડા અવાર-નવાર પડે છે.
સદભાગ્યે હજુ સુધી કોઇ છાત્ર કે શિક્ષકને ઇજા થઇ નથી. આ બાબતે ભચાઉ તાલુકા પંચાયતા સામાજિક ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન છગનલાલ કારેટે જણાવ્યું હતું કે, શાળાની આવી હાલત છેલ્લા ત્રણેક વર્ષથી છે. જિલ્લાથી રાજ્ય સ્તરે રજૂઆત કરાઇ છે. 14 ઓરડા વાળી શાળા ભૂકંપ બાદ તુરંત જય પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બનાવાઇ હતી.
હાલ દિવાલો અત્યંત મજબુત છે. છત પરથી વરસાદના લીધે પાણી ટપકી રહ્યું છે ત્યાં સુધી ઠીક હતું પણ હવે ભારે વજનવાળા પોપડા પડી રહ્યા છે. નવા રૂમોને મંજૂરી પણ મળી છે. જેની શરૂઆત ન થતાં બાળકો જીવના જોખમે જર્જરિત ઓરડામાં અભ્યાસ કરી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.