ગુજરાતમાં પક્ષીઓની લગભગ 535 પ્રજાતિઓમાંથી, કચ્છમાં લગભગ 350 કે તેથી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. જેમ કે ઘોરાડ, બ્લેક ફ્રેન્કોલિન, રણ પીદ્દો (સ્ટોલિકજા’સ બુશચેટ, ઇંડિયન કૌસોર, ગીધનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યના 1600 કિમી વિસ્તારમાંથી કચ્છના લગભગ 200 કિમીનો દરિયાકિનારામાં ગુજરાતના લગભગ 70% ચેરિયા કવર કચ્છ જિલ્લામાં છે અને આ ચેરિયાના જંગલો જળચરો માટે નર્સરી કહેવાય છે. ભુજની લાલન કોલેજના ઝુઓલોજી વિભાગના વિદ્યાર્થીઓ સાંઢા અને દરિયાની 150 જેટલી પ્રજાતિ ઉપર હાલમાં સંશોધન કરી રહ્યા છે અને તેના તારણો ભવિષ્યમાં કચ્છની પ્રકૃતિના પરિમાણોરૂપ પરિણામ આપશે તેમ મનાય છે.
લાલન કોલેજના ઝુઓલોજી વિભાગના વડા ડો. પ્રણવ પંડ્યાના કહેવા મુજબ, તેમના વિષયના વિદ્યાર્થીઓ હાલમાં મરિન રીસર્ચ કરી રહ્યા છે. કચ્છના દરિયામાં 100 જેટલી પ્રજાતિ છે અને તેમાં જાતભાતના કરચલા, તારા માછલી, સમુદ્ર ફૂલ, સંખ્યાબંધ જાતના શંખ અને કાચબાઓ ધ્યાને આવતા રહે છે. ખાસ કરીને ગ્રીન સી ટર્ટલ અને ઓલીવ રીડ ટર્ટલ કિનારે ઇંડા મૂકવા આવતા હોય છે. આ ઉપરાંત મરિન મેમલ્સ એટલે કે સસ્તન પ્રાણીઓનો અભ્યાસ પણ ચાલી રહ્યો છે અને તેમાં ડોલ્ફીન, સમુદ્ર ભૂંડ સહિત ત્રણથી ચાર જાતના સસ્તન પ્રાણીની વસતિ જોવાઇ છે.
ડો. પ્રણવે ઉમેર્યું હતું કે, કચ્છના દરિયાકિનારે ચેરિયા સારા પ્રમાણમાં છે. જળચરો ઇંડા મૂક્યા બાદ મોટા જળચરથી બચવા આવ ચેરિયાના ઝાડમાં સંતાવાનો પ્રયાસ કરતા હોય છે. બાયોડાયવર્સિટીમાં પણ મેન્ગ્રુવ્સ મહત્ત્વના છે કારણ કે તેમાં ખોરાક પણ મળી રહે છે અને રક્ષણ પણ થાય છે. ભચાઉના જંગીનો કાંઠાળ વિસ્તાર, કંડલા, મુન્દ્રા બંદર વિસ્તાર, લુણી, માંડવીનો રૂકમાવતી વિસ્તાર, જખૌ, કોરીક્રીકમાં તેની ગીચતા સારી છે.
સાંઢા(Spiny tailed lizard)ની વસતિ વધુ પણ શિકારની સમસ્યા
જમીન ખોદીને રહેતા સાંઢાની વસતિ સારી છે, ગરોળી કુળનું આ પ્રાણી સંવર્ધિત થઇ રહ્યું છે પણ તેના તેલના ઉપયોગ માટે શિકારની પ્રવૃતિ પણ ચર્ચાતી રહી છે. સાંઢો અગાઉ માત્ર બન્ની અને અબડાસાના જમીની વિસ્તારમાં જોવા મળતો હતો પણ સંશોધનોના અંતે તેનો વસવાટ તબક્કાવાર કચ્છના વિવિધ ભાગોમાં જોવા મળી રહ્યો છે. Spiny tailed lizard તરીકે ઓળખાતું આ પ્રાણી ગુજરાતમાં માત્ર કચ્છમાં અને ભારતમાં હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં જોવા મળે છે જે ઇકોસીસ્ટ આધારિત જીવી જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.