ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની 14 માર્ચથી 29 માર્ચ સુધી પરીક્ષા યોજાશે, જેથી જિલ્લા કક્ષાએ પરીક્ષાની તૈયારીની સમીક્ષા હેતુ શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરેઅે વીડિયો કોન્ફરન્સ યોજીને તમામ જિલ્લા કલેકટરો પાસેથી પૂર્વ તૈયારીની માહિતી મેળવીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
જે પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે, કચ્છમાં ધોરણ 10ની 3 ઝોનમાં પરીક્ષા લેવામાં આવશે, જેમાં ભુજ, ગાંધીધામ અને નખત્રાણાનો સમાવેશ થાય છે. કુલ 37 કેન્દ્ર છે, જેમાં 28,222 છાત્રો પરીક્ષા આપશે. જયારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની ભુજ અને ગાંધીધામ ઝોનમાં પરીક્ષા લેવામાં આવશે, જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની 13 કેન્દ્રમાં 16,584, ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહમાં 4 કેન્દ્ર પર 1572 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમ, ધોરણ 12માં કુલ 18,156 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમ, ધોરણ 12 અને ધોરણ 12ના કુલ મળીને કચ્છ જિલ્લામાં 46378 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
શુક્રવારે વિડીયો કોન્ફરન્સમાં શિક્ષણમંત્રીએ પરીક્ષાના કેન્દ્રો પર કોઈ ગેરરીતિ ન થાય તે માટે પૂરતી ચકાસણી સાથે પોલીસ બંદોબસ્ત મૂકવા, સી.સી. ટીવી કેમેરા મુકવા, એસ.ટી. બસના રૂટ, વીજ પુરવઠો, આરોગ્ય ટીમની વ્યવસ્થા સહિત વિવિધ મુદે માર્ગદશર્ન આપીને તેનું પાલન કરવા સુચના આપી હતી. બેઠકમાં કલેકટર દિલીપ રાણાએ જિલ્લા શિક્ષણ તંત્ર, પોલીસ વિભાગ, પીજીવીસીએલ અને એસ.ટી. વિભાગ સહિતના સંબંધિત વિભાગ સાથે પરીક્ષા સંદર્ભે તૈયારીની ચર્ચા કરી હતી.
પરીક્ષા વ્યવસ્થાન યોગ્ય રીતે થાય તે માટે સુચના આપી હતી, જેમાં કેન્દ્રની આસપાસ ઝેરોક્ષ સેન્ટરો બંધ કરાવવા, સ્ટ્રોંગ રૂમની સુરક્ષા, તમામ ખંડમાં સીસી ટીવી કેમરા મુકવા, કેન્દ્રો પર આરોગ્યને અનુલક્ષીને જરૂરી દવા અને પૂરવઠો રાખવા, કાયદાનું પાલન કરાવવા, બાળકો તણાવમુકત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટેના તમામ પગલા ભરવા સુચના આપી હતી. બેઠકમાં અધિક નિવાસી કલેકટર મિતેશ પંડ્યા, જિલ્લા શિક્ષણ વિભાગ, પીજીવીસીએલ, એસ.ટી વિભાગ, આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહ્યા હતા.
37 કેન્દ્રો, 12 સંવેદનશીલ, 7 અતિ સંવેદનશીલ કેન્દ્રો
જિલ્લા શિક્ષણાધિકારીઅે વધુમાં ઉમેર્યું હતું કે, ભચાઉ કેન્દ્રમાં 6 પરીક્ષા બિલ્ડીંગ, સામખિયાળીમાં 4 શાળા બિલ્ડીંગ, આડેસરમાં 2 શાળા બિલ્ડીંગને સંવેદનશીલ જાહેર કરાયા છે. અતિ સંવેદનશીલ કેન્દ્રમાં રાપર કેન્દ્રના 5 શાળા બિલ્ડીંગ, ફતેહગઢમાં 1 અને બાલાસરમાં 1 પરીક્ષા બિલ્ડીંગનો સમાવેશ થાય છે.
બોર્ડનો હેલ્પ લાઈન 1800-233-5500
પરીક્ષાનાને લઇને કોઇપણ મુંઝવણ હોય તો વિદ્યાર્થીઓ માટે બોર્ડનો હેલ્પલાઇન નંબર 1800-233-5500, જીવન આસ્થા હેલ્પલાઈન નં. 1800-233-3330, સ્ટેટ કંટ્રોલ રૂમ 9909038768, 079-23220538 તથા કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભુજના કંટ્રોલરૂમ નંબર 02832-250156 પર સંપર્ક કરી શકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.