લઠ્ઠાકાંડે જુના પ્રકરણો તાજા કર્યા:લઠ્ઠાકાંડમાં જેની બદલી થઇ તે એસપી વિરેન્દ્રસિંહ યાદવે ગાંધીધામમાં પકડ્યો હતો 11 કરોડનો દારૂ !

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છના ઇતિહાસમાં સૌથી મોટા દારૂના દરોડા બાદ મામલો છેક હાઇકોર્ટ સુધી ગયો હતો
  • અંજાર એએસપી તરીકે કસ્ટમ વેરહાઉસમાં દરોડો પાડતા હાઇકોર્ટે પોલીસની કામગીરીની ટીકા કરી હતી: લઠ્ઠાકાંડે જુના પ્રકરણો તાજા કર્યા

અમદાવાદ અને બોટાદમાં લઠ્ઠાકાંડના પગલે રાજ્ય સરકારે અમદાવાદ ગ્રામ્યના અેસપી વિરેન્દ્રસિંહ યાદવ સહિતના અધિકારીની બદલી કરવામાં અાવી છે. તો અન્ય અધિકારીઅોને સસ્પેન્ડ પણ કરવામાં અાવ્યા છે. બદલી કરાયેલા અેસપી વિરેન્દ્રસિંહ યાદવ દસ વર્ષ અગાઉ અંજારમાં અેઅેસપી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

નવાઇની વાત અે છે કે અંજારમાં તેમની ફરજ દરમિયાન પણ અેક દારૂના કેસમાં જ તે રાજ્યભરમાં ચર્ચામાં અાવ્યા હતાં. વર્ષ 2012માં અેઅેસપી યાદવે ગાંધીધામમાં અેક કસ્ટમ બોન્ડેડ વેરહાઉસમાં દરોડો પાડી અધધ 11 કરોડનો દારૂ પકડી પાડ્યો હતો. ત્યારબાદ પોલીસ અને કસ્ટમ વચ્ચેનો સમગ્ર મામલો હાઇકોર્ટ સુધી ગયો હતો.

મળતી વિગતો મુજબ ગત તા. 19/9/2012ના એક આશ્ચર્યજનક ઘટનાક્રમમાં પૂર્વ કચ્છની પોલીસે ગાંધીધામમાં કસ્ટમ ડિપાર્ટમેન્ટના બોન્ડેડ વેરહાઉસ ઉપર રેડ કરીને 11 કરોડનો માતબર વિદેશી શરાબનો જથ્થો સીઝ કર્યો હતો. શહેરના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં લક્ષ્મી મરીન બોન્ડ હાઉસમાં પોલીસે રેડ કરી હતી.

આ વેરહાઉસમાં વિદેશી દારૂની 80 હજાર ઉપર બોટલ નંગ જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 10,29,60,470 તેમજ 1,46,336 નંગ બિયરના ટીન અને બોટલ જેની કિંમત 60,57,400 આમ કુલ મળીને 10.90 કરોડનો વિક્રમી જથ્થો જપ્ત કર્યો હતો. વેરહાઉસનો આ વિક્રમી શરાબનો જથ્થો પોલીસ જપ્ત કરીને તેની સાથે ન લઇ જઇ શકતી હોવાને કારણે તે વેરહાઉસ પર જ પોલીસના ગાર્ડ મૂકી દેવામાં આવ્યા હતા.

પ્રોહિ‌બિશન એક્ટની કલમ મુજબ આ કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાની તપાસ માટે એક ડીવાયએસપી કક્ષાના અધિકારીની નિયુક્તિ પણ કરી દેવામાં આવી હતી. પણ કસ્ટમના બોન્ડેડ વેરહાઉસ ઉપર રેડ કરીને શરાબનો જથ્થો સીઝ કર્યા બાદ પોલીસની કાર્યવાહી સામે વિવાદના વંટોળ ઊભા થયા હતા.

કારણ કે, છેલ્લા કેટલાય સમયથી પોલીસ દ્વારા આ ગોડાઉન ઉપર અવારનવાર તપાસના બહાને ટીમ પહોંચી જતી હતી. આ અંગે જેતે વખતના અંજાર ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક વીરેન્દ્રકુમાર યાદવે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી તેમની પાસે બાતમી હતી.

જેમાં ગાંધીધામ તેમજ આસપાસના વિસ્તારમાં જે પ્રોહિ‌બિશનના કેસ થાય છે, તેમાં પકડાયેલો માલ વિદેશનો મળી આવે છે, જે કસ્ટમના બોન્ડ હાઉસ સિવાય અન્ય કોઇ જગ્યાએથી ન આવી શકે. આથી, કસ્ટમ બોન્ડ હાઉસની કામગીરી પર તેમની ઉપર ચાંપતી નજર હતી. કસ્ટમ વિભાગના અધિકારીઓને સાથે રાખીને તેમણે લક્ષ્મી મરીનના ગોડાઉન ઉપર તપાસ કરી હતી અને પંચનામું પણ કર્યું હતું.

ત્યાર બાદ કસ્ટમ પાસે આ સ્ટોક અંગે જરૂરી દસ્તાવેજ તેમજ સ્ટોક રજિસ્ટરની માગણી કરવામાં આવી હતી, પરંતુ વારંવાર રજૂઆતો કરવા છતાં કસ્ટમ વિભાગે કોઇ કાર્યવાહી હાથ ન ધરતાં છેવટે તેમણે ડોમેસ્ટીક એરિયામાં વિદેશી શરાબના જથ્થા અંગે કાર્યવાહી કરવી પડી હતી.

જોકે પોલીસની અા કામગીરી સામે કસ્ટમે નારાજગી દર્શાવી હતી. જેતે વખતે કંડલા કસ્ટમના સત્તાવાર સૂત્રોએ એવું જણાવ્યું હતું કે, ગાંધીધામના લક્ષ્મી મરીન નામના કસ્ટમ બોન્ડેડ વેરહાઉસમાં છેલ્લા કેટલાય સમયથી ચાલતી ગડબડી અંગે તેમને પણ ટીપ્સ મળી હતી અને જેને પગલે તેમણે કસ્ટમના સ્પેશિયલ ઇન્ટેલીજન્સ અને ઇન્વેસ્ટીગેશન બ્રાન્ચ દ્વારા તપાસ પણ કરવામાં આવી હતી.

લીકરના વધુ સ્ટોક અંગે તેમણે કસ્ટમ એક્ટ મુજબ કાર્યવાહી પણ કરેલી હતી. અને આ સમગ્ર કાર્યવાહી હેઠળ વેરહાઉસ કસ્મટ દ્વારા સીલ કરી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત લાઇસન્સ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું.

શું કહ્યું હતું હાઇકોર્ટે અા મામલામાં: કસ્ટમને મળી હતી રાહત
ગાંધીધામ સંકુલ સહિ‌ત સમગ્ર રાજ્યમાં જે-તે વખતે ખૂબ જ ચર્ચામાં રહેલાં કસ્ટમના 11 કરોડના દારૂ પ્રકરણમાં હાઇકોર્ટે પૂર્વ કચ્છ પોલીસને જબરદસ્ત લપડાક આપી હતી. કસ્ટમે પોલીસની કાર્યવાહી સામે હાઇકોર્ટમાં અપીલ કરી હતી, જે અંગે ગુજરાત હાઇકોર્ટે સમગ્ર કાર્યવાહીનું કાર્યક્ષેત્ર કસ્ટમ અંતર્ગત હોવાનું પ્રાથમિક રીતે જણાવીને તપાસ જ્યારે કસ્ટમના અધિકારીઓ કરી રહ્યા હતા તેવામાં પોલીસના અધિકારીઓ દ્વારા અંદર કૂદી પડવાના કૃત્યને વખોડી કાઢયું હતું.

પોલીસ તરફથી અંજાર એસડીપીઓના એએસપી વીરેન્દ્રકુમાર યાદવની આ કાર્યવાહી સામે કસ્ટમે ગુજરાત હાઇકોર્ટમાં દલીલ કરી હતી કે, તેમની સ્પેશિયલ ઇન્ટેલીજન્સ અને ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા બોન્ડેડ વેરહાઉસ ઉપર તપાસની કાર્યવાહી ચાલુ હતી, તેવામાં પોલીસે તેનું કાર્યક્ષેત્ર ન હોવા છતાં અંદર ચંચુપાત કરી હતી.

માત્ર એટલું જ નહીં, પરંતુ કસ્ટમની કાર્યવાહી દરમિયાન તેમને સહયોગ આપવાને બદલે પોતે જ આગવી તપાસ કરી રહ્યા હોવાનું જણાવીને પ્રોહિ‌બિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. કસ્ટમની દલીલોને પગલે હાઇકોર્ટે પણ સમગ્ર પ્રકરણની તપાસ કસ્ટમ દ્વારા જ કરવામાં આવશે તેવી તાકીદ સાથે પોલીસને આ કેસથી દૂર રહેવાની સૂચના આપી હતી.

ચકચારી અેટીઅેમ ચોરી પ્રકરણમાં વિવાદમાં અાવ્યા
તો ગાંધીધામ, અંજાર અને અાદિપુર વિસ્તારમાં અેટીઅેમ મશીનમાં રૂપિયા જમા કરતી વખતે કરોડોની ચોરી કરવામાં અાવી હતી. તેમાં પણ પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા હતાં. ગાંધીધામના વકીલ દિલીપ જોષીઅે અેઅેસપી વિરેન્દ્ર સિંહ યાદવ વિરૂદ કેન્દ્રીય અેજન્સી સીવીસીમાં ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...