બોટાદમાં લઠ્ઠાકાંડ બાદ રાજ્યભરની પોલીસ સફાળી જાગી છે. પશ્ચિમ કચ્છમાં પણ પોલીસે તાબડતોબ દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ દરોડા પાડવાની શરૂઆત કરી હોવાની સાથે ખુદ એસપીએ પોતાના પર્સનલ સહિત બે મોબાઇલ નંબર જારી કરી સામાન્ય નાગરીકોને ક્યાંક પણ શરાબ કે અન્ય કોઇ પણ ગુનાહીત પ્રવૃત્તિ દેખાય તો જાણ કરવા અપીલ કરી છે.
તો આ સાથે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે લઠ્ઠાકાંડ બાદ છેલ્લા ત્રણ દિવસમાં પોલીસે કરેલી કામગીરીની માહિતી આપી છે. જેમાં આ ત્રણ દિવસમાં સમગ્ર જિલ્લામાં દેશી દારૂના 50 કેસો તથા દેશી દારૂ બનાવાના આથાના 10 કેસો નોંધવામાં આવ્યા છે. જ્યારે અંગ્રેજી શરાબના 5 કેસ કરાયા છે. જેમાં દારૂની 26,450ની 57 બોટલ શરાબ પકડાઇ છે, જ્યારે 407 લિટર દેશી દારૂ અને 1880 લિટર આથો કબજે કરવામાં આવ્યો છે. કુલ 55 દરોડામાં 44 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
તમામ બનાવોમાં શરાબ સહિતનો મુદ્દામાલ મળી 1,38,550નો મુદ્દામાલ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ કબજે કર્યો છે. તો બીજીબાજુ સંબંધિત પોલીસ મથકો અને બીટ જમાદારોને પણ દેશી અને અંગ્રેજી દારૂની બદી પર તાત્કાલિક કડક હાથે પગલાં લેવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાકીદ કરી દેવાઇ છે. સમગ્ર કામગીરી પણ એસપી ખુદ મોનિટરિંગ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.