સુધારણા જરૂરી:તો 10 ઇંચ વરસાદમાં હમીરસર ઓગને

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુનિ. વરસાદી આવને કુદરતી બનાવે અને ઉમાસર ભરાય તો તળાવ દર વર્ષે છલકી જાય
  • જળ શક્તિ મંત્રાલયે તળાવને વોટર હેરિટેજ જાહેર કર્યા બાદ નગર પ્રમુખ બેબાક બોલ્યા
  • ​​​​​રાજેન્દ્ર બાગની સુધારણા, ફાટેલા તળાવમાં થતા કાર્યક્રમો અવરોધરૂપ - સુધારણા જરૂરી
  • નર્મદાની લાઇનમાંથી સતત પાણી મળતું રહે એ પણ વિરાસતરૂપ તળાવ માટે અનિવાર્ય

કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલયે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દેશના 75 વોટર હેરિટેજ એટલે કે જળ વિરાસત સ્થળની ઓળખ કરવામાં આવી છે તેમાં ભુજના હ્રદયસમા હમીરસરનો પણ સમાવેશ કરાયો છે. હવે હમીરસર તળાવના વિકાસ માટે કેન્દ્ર સરકારની પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે નજર રહેવાની છે ત્યારે ભુજ નગરપાલિકા અને શહેરવાસીઓ પણ આ રાજાશાહી તળાવના સંવર્ધન અને જાળવણી માટે આગળ આવે તેવા પ્રતિભાવો સાંપડ્યા છે. ખાસ કરીને નગરપ્રમુખે ખુલ્લીને કહ્યું છે કે, કચ્છ યુનિવર્સિટીની આવ સંકોચાઇ ગઇ છે.

તે કુદરતી બને અને ચોમાસામાં ઉમાસર ભરાય એટલે તેની આવના પાણી હમીરસર સુધી પહોંચે તો માત્ર 10 ઇંચ વરસાદમાં તળાવ ઓગની જાય. નોંધનિય છે કે ચાલુ વર્ષે 48.24 ઇંચથી વધુ વરસાદ બાદ તળાવ છલકી શક્યું હતું. જેના કારણોમાં અનિયમિત વરસાદ વચ્ચે આવમાં દબાણોનો અવરોધ, કચરા, ગંદકીથી ભરાયેલા નાળાઓ મુખ્ય ગણવામાં આવે છે.

હમીરસર જળ વિરાસત સ્થળ બનાવવા માટે હવે સતત પાણીથી ભરેલું રહે તેના માટે નર્મદાની નાખેલી નાની પાઇ પમાં પાણી ચાલુ રાખવા ઉપરાંત, રાજેન્દ્ર બાગની સુધારણા, ફાટેલા તળાવમાં ઉભાણ થતા નડતરરૂપ કાર્યક્રમોથી ભૂમિગત થતી અસરોના પડકારને પહોંચી વળવાનું આયોજન અનિવાર્ય ગણવામાં આવી રહ્યું છે.

હમીરસરને ભરવા માત્ર બે આયામો સફળતા અપાવી શકે

કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા ભુજના રાજાશાહી તળાવને વોટર હેરિટેજમાં સમાવવામાં આવ્યું એ ગૌરવરૂપ અને અભિનંદન પાત્ર બાબત છે. હમીરસર સાથે શહેરીજનોની લાગણી જોડાયેલી રહી છે. હમીરસરમાં દર ચોમાસે ખળખળ વહીને પાણી ધસી આવે તેના માટે નાળા સફાઇ અને આવની સુધારણાના પ્રયાસો કરાતા રહ્યા છે અને ચાલુ રહેશે. પણ બે આયામ અમલમાં આવે તો હમીરસર માત્ર 10 ઇંચ વરસાદમાં ઓગની જઇ શકે. તેના માટે કચ્છ યુનિવર્સિટી પાસે સમરસ હોસ્ટેલના વિસ્તારમાં બનેલા ચેકડેમ અવરોધરૂપ બને છે.

અને તે કુદરતી હોય તો પાણી સીધું તળાવ સુધી પહોંચી શકે. આ ઉપરાંત ઇજનેરી કોલેજ નજીકના ઉમાસર તળાવને ભરવા દેવામાં આવે તો તેમાંથી ઓવરફ્લો થતું ઓગનનું પાણી 24 કૂવાની આવના વાટે હમીરસર સુધી પહોંચી આવે અને એ જળરાશિ વધારે હોય છે. વધુમાં ધોબીતળાવ, બદામી છેલા, મંગલમ વિસ્તારમાંથી પહોંચતા પાણીમાં ડ્રેનેજની સમસ્યા દૂર કરવાના પ્રયાસો છે. ફાટેલા તળાવમાં પાણી ભરાયા બાદ રોમાનિયા ટેંકના દબાણો પણ નડતરરૂપ છે. પરંતુ આગામી બે માસમાં પાલિકા સુધારણાના કામો કરશે.> ઘનશ્યામ આર. ઠક્કર, નગરપ્રમુખ

ધાર્મિક સામગ્રી, ગંદા પાણી ન ભળે તે જોવું પડશે
ગંદા પાણી ચોખ્ખા પાણીમાં ભળે એટલે ન્યૂટ્રિએન્ટ થાય છે અને લીલ જેવી સૂક્ષ્મ વનસ્પતિઓ ફૂલેફાલે છે. લોકો માછલીઓ માટે લોટ, ગાંઠિયા જેવી સામગ્રી નાખે છે, જે સામગ્રી માછલીઓ કે જળજીવડાં ન ખાય તે તરતી રહે છે અને તે લીલ માટે ખાતરની ભૂમિકા ભજવે છે.

પરિણામે, શેવાળ વધતી રહે એટલે પાણીમાંથી ઓક્સિજન વધારે ખેંચે છે અને જળચરને જોખમ ઉભું થાય છે. તેથી કોઇ ફૂલ સહિતની ધાર્મિક સામગ્રીઓ કે કચરો ન નાખવો જોઇએ અને ગટરના ગંદા પાણી ન ભળે તેના માટે લોકજાગૃતિ આણવી જરૂરી છે. > ડો. પ્રણવ પંડ્યા, પ્રોફેસર, બોટની વિભાગ

ખાણેતરું ઉચિત હતું : હાલમાં કિનારો બ્લોક થયો

હમીરસરને સાચવવા માટે અગાઉની પેઢીએ ખાણેતરા સહિતના કામો કરાવ્યા છે. લોકો તળાવમાં વધુ જળ સંગ્રહ થાય તેના માટે જાતે કામમાં જોતરાતા હતા. બેન્ડ સ્ટેન્ડ પણ લોકરંજનનું સ્થાન હતું. હાલમાં ફાટેલા તળાવની જગ્યા પૂરાતી રહી છે. તળાવના કિનારે લારી ગલ્લાવાળાઓના લીધે હમીરસરનો વ્યૂ ખોવાયો છે. આ બધા માટે પાલિકાની બેદરકારી ગણાવી શકાય. નવી સુધારણામાં રસ્તા પહોળા કરવા ઉપરાંત કિનારાની ગીચતા દૂર કરવી પડશે. > ભરત ધોળકિયા, ભુજ પ્રેમી​​​​​​​

અન્ય સમાચારો પણ છે...