શહેરમાં તબીબના ઘરમાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કરી 50 હજારનું નુકશાન કર્યાની ઘટના તાજી જ છે તેવામાં સતત બીજા દિવસે આ જ મોડ્સ ઓપરેન્ડીથી ચોરીના પ્રયાસની બીજી ઘટના હિંમતનગર કોલોનીમાં બનતા ભારે દોડધામ મચી ગઇ છે,આ વખતે તસ્કરોએ પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીના ઘરને નિશાને બનાવી ચોરીનો પ્રયાસ કરતા ભારે ચકચાર સાથે પોલીસ પણ દોડતી થઈ ગઈ છે.
બનાવ અંગે ભુજ બી ડિવિઝન પોલીસમાં એડવોકેટ વિજય પુષ્પદાનભાઈ ગઢવીએ જણાવ્યું કે,રેવન્યુ કોલોનીની બાજુમાં આવેલ હિંમતનગર કોલોનીમાં આ ઘટના બનવા પામી હતી.શુક્રવારે સવારે ચાર વાગ્યે પિતા પુષ્પદાનભાઈ ઉઠ્યા ત્યારે રસોડાનો દરવાજો ખુલ્લો હતો અને નીચે ફર્શ પર મોબાઈલ-લેપટોપ પડ્યા હતા.
ઘરમાં ચોરીનો પ્રયાસ થયો હોવાનું જણાઈ આવતા તરત જ તેમણે પત્ની અને પુત્રને ઉઠાડી ઘરમાંથી કોઈ ચીજવસ્તુ ચોરાઈ છે કે નહીં તેની તપાસ શરૂ કરી હતી.દરમ્યાન મકાનના નીચેના હોલની બારીની ગ્રીલ તૂટેલી હાલતમાં જણાઈ આવી હતી જ્યાંથી કોઈએ પ્રવેશ કર્યો હતો.
ઉપરના બેડરૂમમાં લોખંડ અને લાકડાના બે કબાટના લૉક ખુલ્લા હતા. અંદર રહેલાં પુસ્તકો, ઘડિયાળ સહિતનો માલ-સામાન વેરવિખેર પડ્યો હતો. પેટી પલંગનો સામાન પણ રફેદફે કરી દેવાયો હતો. સદભાગ્યે રોકડ કે દાગીના જેવી કિંમતી ચીજવસ્તુ તસ્કરોના હાથમાં લાગી નહોતી. બનાવ અંગે ભુજ બી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.