કાર્યવાહી:ભચાઉ પાસે કટિંગ સમયે જ ત્રાટકેલી SMCએ કુખ્યાત બુટલેગર ‘મામા’ નો ખેલ બગાડ્યો

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્ય આરોપી સહિત 4 ફરાર : 4.37 લાખના દારૂ સહિત 18.54 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

ભચાઉ નજીક લોધેશ્વર પાંજરાપોળની પાછળ મામા પીરની દેરી પાસે ગત મધરાત્રે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટુકડીએ કટિંગ સમયે જ દરોડો પાડી કુખ્યાત બુટલેગર મામાનો ખેલ બગાડ્યો હતો અને રૂ.4.37 લાખની કી઼મતના વિદેશી શરાબ સાથે 4 જણાને પકડી લીધા હતા, જોકે મુખ્ય આરોપી સહિત 4 ફરાર રહ્યા હતા. વાહનો અને મોબાઇલ સહિત કુલ રૂ.18.54 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ માટે ભચાઉ પોલીસને સોંપતાં આ દરોડાથી સ્થાનિક પોલીસ અંધારામાં જ રહી હતી.

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઇ જી.જે.રાવતની આગેવાનીમાં ટીમ કચ્છમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, ભચાઉ થી ભુજ જતા રોડ પર લોધેશ્વરી ત્રણ રસ્તા થી લોધેશ્વર ગૌશાળા રોડ પર મામા પીરની ડેરી પાસેની પડતર ખુલ્લી જગ્યામાં ભચાઉના દરબારગઢમાં રહેતા બુટલેગર અશોકસિંહ ઉર્ફે મામા બાલુભા જાડેજા પોતાના માણસો ભગીરથસિંહ ઉર્ફે ભગી જાડેજા, શિવમસિંહ ઉર્ફે ધર્મેન્દ્રસિંહ જાડેજા મારફત બહારથી વિદેશી દારુનો જથ્થો મગાવી કટિંગ કરાવી રહ્યા છે.

આ બાતમીના આધારે ગુપ્ત વોચ ગોઠવી કટિંગ સમયે જ ત્રાટકેલી એસએમસીને જોઇ અમુક ઇસમો ભાગી ગયા હતા. એસએમસીની ટીમે રૂ.4,36,980 ની કિંમતના 1,076 બોટલ અને બિયરના ટીન અને રૂ.11,500 રોકડ સાથે શિવમસિંહ ઉર્ફે ધર્મેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, પ્રદિપસિંહ નરેન્દ્રસિંહ જાડેજા,જીતેન્દ્રસિંહ સરૂભા સોઢા અને હરદેવસિંહ ચંદનસિંહ વાઘેલાને પકડી રૂ.13,80,000 ની કિંમતના 7 વાહનો અને રૂ.26,000 ની કિંમતના 7 મોબાઇલ સહિત કુલ રૂ.18,54,480 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ માટે ભચાઉ પોલીસને સોંપ્યા હતા. જ્યારે આ દરોડામાં મુખ્ય આરોપી અશોકસિંહ ઉર્ફે મામા બાલુભા જાડેજા, ભગીરથસિંહ ઉર્ફે ભગી દુર્ગાસિંહ જાડેજા અને બે બાઇક ચાલક ફરાર રહ્યા હતા.

‘મામા’ નો એક ભત્રીજો પકડ્યો, બીજો ફરાર
ભચાઉના કુખ્યાત બુટલેગર અશોકસીંહ ઉર્ફે મામા બાલુભા જાડેજાનો દારૂ કટિંગ થાય તે પહેલાં જ ત્રાટકેલી SMCના દરોડા દરમિયાન જથ્થાને કટિંગ કરાવી રહેલા બુટલેગર ‘મામા’નો એક ભત્રીજો શિવમસિંહ ઉર્ફે નરેન્દ્રસિંહ જાડેજા પકડાઇ ગયો હતો જ્યારે બીજો ભત્રીજો ભગીરથસિંહ ઉર્ફે ભગી દુર્ગાસિંહ જાડેજા ભાગી જવામાં સફળ રહ્યો હતો.

બોલો ! દારૂ ઉતારવા અને પહોંચાડવા માટે 20 થી 23 હજાર પગાર અપાતો
ભચાઉ લોધેશ્વર નજીક એસએમસીએ પાડેલા દરોડામાં પકડાયેલા આરોપીઓ પૈૈકી પ્રદિપસિંહ નરેન્દ્રસિંહ જાડેજાએ પુછપરછમાં જણાવ્યું હતું કે, બુટલેગર અશોકસિંહ ના કહેવા મુજબ તેમને ગાડી ચલાવવા અને દારૂનો જથ્થો ઉતારવા પેટે રૂ.23,000 પગાર અપાય છે, તો અન્ય એક પકડાયેલા આરોપી જીતેન્દ્રસિંહ સુરૂભા સોઢાએ પણ પુછપરછમાં તે અશોકસિંહ પાસે નોકરી કરતો હોવાનું અને દારૂ ઉતારવાના કામ પેટે રૂ.20,000 પગાર અપાતો હોવાનું જણાવ્યું હતું.

છેક રાજ્યસ્તરની ટુકડીને બાતમી મળી સ્થાનિક પોલીસ બેખબર રહી !
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી ભચાઉના કુખ્યાત બુટલેગરનો દારૂનો જથ્થો કટિંગ થાય તે પહેલાં જ દરોડો પાડી ચાર આરોપીને પકડી લીધા હતા. આ દરોડાથી ઉંઘતી ઝડપાયેલી સ્થાનિક પોલીસમા઼ ફફડાટ ઉભો થયો છે કે આ દરોડા બાદ શું એક્શન લેવાશે ?

અન્ય સમાચારો પણ છે...