કચ્છમાં સીઝનનો 80 ટકા વરસાદ:અંજારમાં સાડા આઠ ઇંચ અને ભુજમાં ધોધમાર 8 ઇંચ વરસાદ ખાબકતાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, ઘરોમાં પાણી ઘૂસ્યાં, સ્કૂલ-બસ ફસાઈ

કચ્છ (ભુજ )3 મહિનો પહેલા
  • નખત્રાણા અને માંડવીમાં જળ ભરાવાથી સ્થિતિ વણસી
  • માંડવીનો વિજય સાગર ડેમ ઓવરફ્લો થતાં આસપાસનાં ગામોમાં એલર્ટ, અંજારના ટપ્પર ડેમમાં 70 ટકા પાણી ભરાયું

કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં સીઝનનો 80 ટકા વરસાદ ખાબક્યો છે. એમાં પણ લખપતમાં તો સીઝનના પડતા વરસાદ કરતાં દોઢ ગણો વધુ એટલે કે 148 ટકા અને માંડવીમાં 118 ટકા તેમજ મુંદ્રામાં 124 ટકા વરસાદ વરસી ચૂકયો છે. આજે પણ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. આજે કચ્છના અંજારમાં સાડા આઠ અને ભુજમાં આઠ ઇંચ તેમજ ગાંધીધામમાં સાડા છ ઇંચ, નખત્રાણામાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. કચ્છના અબડાસામાં 70 મીમી, માંડવીમાં 69 મીમી વરસાદ પડયો હતો. મુંદ્રામાં 42 મીમી વરસાદ પડયો હતો.

સાગર ડેમ ઓવરફ્લો થતાં આસપાસનાં ગામોમાં એલર્ટ
કચ્છ જિલ્લામાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા તેમજ ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોને ભારે હાલાકી પડી રહી છે, ભુજમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. જેથી એક સ્કૂલ-બસ પણ વરસાદમાં ફસાઈ હતી. માંડવીનો વિજય સાગર ડેમ ઓવરફ્લો થતાં આસપાસનાં ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું હતું. નખત્રાણા અને માંડવીમાં જળ ભરાવાથી સ્થિતિ વણસી છે. કડિયા ધ્રો, માંડવી બીચ જેવાં સ્થળોએ જવાની મનાઈ કરવામાં આવી છે. ત્યા હાલ પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો છે.

વાહનવ્યવહારને મોટી અસર પહોંચી
કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને કારણે કચ્છના પશ્ચિમ વિભાગમાં હવે અતિવૃષ્ટિ સર્જાઈ રહી છે. નખત્રાણા અને માંડવીના ડેમ અને નદીઓ બે કાંઠે વહી નીકળતાં અનેક ગામોમાં સાવચેતી માટે તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે. ભુજ શહેરમાં પણ સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. કલેક્ટરના 0 કેસ્યુલ્ટી જાહેરનામા અંતર્ગત પાણી ધરાવતા પર્યટન સ્થળે જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. પૂર્વ કચ્છના ગાંધીધામ અને અંજાર તાલુકામાં આજ સવારના 6 વાગ્યાથી એકધારો વરસાદ પડી રહ્યો છે, જેને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. વાહનવ્યવહારને મોટી અસર પહોંચી છે. ખારેક, કપાસ સહિતના પાકમાં વ્યાપક નુકસાની પણ પહોંચી રહી છે.

છેલ્લા ચાર દિવસથી પડેલા વરસાદને પગલે સૌથી વધુ વરસાદ કચ્છમાં નોંધાયો છે. કચ્છમાં છેલ્લા અઠવાડિયાના વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં 80 ટકા વરસાદ વરસી ચૂકયો છે. તેમાં લખપતમાં તો સીઝનના પડતા વરસાદ કરતાં દોઢ ગણો વધુ એટલે કે 148 ટકા અને માંડવીમાં 118 ટકા તેમજ મુંદ્રામાં 124 ટકા વરસાદ વરસી ચૂકયો છે. કચ્છની વાત કરીએ તો સવારે છથી બપોરે 12 વાગ્યાના ચાર કલાકમાં અંજારમાં 167 મિમી- સાડાછ ઇંચ, ગાંધીધામમાં 145 મિમી-આશરે છ ઇંચ, ભુજમાં સાડાત્રણ ઇંચ, નખત્રાણામાં બે ઇંચ, માંડવીમાં સવા બે ઇંચ, અબડાસામાં બે ઇંચ વરસાદ નોંધાયો છે.

પૂર્વ કચ્છના ગાંધીધામમાં ભારે વરસાદ
આજ સવારના 6 વાગ્યાથી ગાંધીધામ અને અંજાર વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ ગાંધીધામની મુખ્ય બજાર, ચાવલા વિસ્તાર અને ભારતનગર સહિતના વિસ્તારોમાં 6 ઇંચ વરસાદ પડતાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. ભારે વરસાદને પગલે લોકોની અવરજવર બંધ થઈ છે. ઠેર-ઠેર નાનાં મોટાં વાહનો પાણીના પ્રવાહ વચ્ચેથી પસાર થઈ રહ્યાં છે. ખાણીપીણીના ધંધાર્થીઓ હજુ સુધી વ્યવસાય શરૂ કરી શક્યા નથી. અનેક વેપારીઓનો ખાણી-પીણી માટે બનાવેલો માલ ઘરે પડતર પડી રહ્યો છે. સામાજિક વાડીઓમાં પાણી ભરાઈ જતાં અગ્રણીઓ દ્વારા પાણી અટકાવ માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

ગાંધીધામ કોર્ટ કાર્યવાહી મુલતવી રખાઈ
ગાંધીધામ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે, જેને કારણે વિસ્તારમાં જળ ભરાવ થઈ ગયો છે અને વાહનવ્યવહાર પણ અતિમુશ્કેલ બની ગયો છે. જેથી વકીલો તેમજ અસીલોનું કોર્ટ સુધી પહોંચવું અતિમુશ્કેલ બન્યું છે, ગાંધીધામ બાર એસોસિયેશનના તમામ વકીલઓને ભારે વરસાદ હોવાના કારણે હેરાનગતિ ન થાય એ હેતુથી આજે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો ઠરાવ કરવામાં આવ્યો હોવાની જાહેરાત બાર એસો.ના પ્રમુખ એમ આર જાડેજાએ કરી હતી.

ઘરોમાં પાણી ઘૂસી જતાં મુશ્કેલી સર્જાઈ
અંજારમાં આજ સવારથી સતત વરસાદ શરૂ થતાં બપોર સુધીમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેને કારણે શહેરના નીચાણવાળા મારુતિ, ગુરુકુળ, મુક્તિધામ, જય અંબેનગર, ખત્રી ફળિયું, વીર ભગતસિંહનગર વિસ્તારમાં લોકોની હાલત કફોડી બની ગઈ છે. અંજારની કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં પાણી ભરાતાં છાત્રોને અન્યત્ર સ્થાળાંતર કરવાની ફરજ પડી હતી. નજીકના ટપ્પાર ડેમમાં પાણીની ભારે આવક થતાં આસપાસના વિસ્તારોમાં એલર્ટ જારી કરાયું છે. કાંઠા વિસ્તારમાં લોકોને જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. શહેરની મુક્તિધામ સોસાયટીમાં પાણી ભરાતાં ઘર બહાર પાર્ક કરેલી કારો પાણીમાં ફસાઈ ગઈ છે. બાઇકો પણ ડૂબી જતાં બેકાર બની છે.

ભાનુશાલીનગર બેટમાં ફેરવાયું
ભુજ શહેરમાં આજ સવારના 9.30થી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ભાનુશાલીનગર ઉમેદનગર સહિતના એરિયામાં રસ્તાઓ પર પાણી ભરાયાં છે. અનેક સ્થળે ગટરની ચેમ્બરમાંથી દૂષિત પાણી જાહેર માર્ગ પર આવી જતાં મુશ્કેલી ઊભી થઇ છે. શહેરના હાર્દ સમા હમીરપર તળાવમાં પાણીની આવક શરૂ થતાં એને નિહાળવા વરસાદ વચ્ચે શહેરીજનો ઊમટી પડ્યાં છે. જોકે શાળાએ મૂકેલાં બાળકોને લઈ વાલીગણ ચિંતામાં મુકાયો હતો. ભુજની હોસ્પિટલમાં પણ પાણી ભરાયાં હતાં.

જળ બંબાકારની સ્થિતિ ઉત્પન્ન થઈ
નખત્રાણામાં પણ આજે વ્યાપક વરસાદથી તાલુકાના મંગવાના, વિથોન અને કોઠારામાં ભારે વરસાદ ખાબકી પડતાં જળ બંબાકારની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. કોઠારમાં આજે અંદાજિત 3 ઇંચ જેટલો વરસાદ પડી જતાં ગામ પાણીમાં ફેરવાઈ ગયું છે. તાલુકાનો શેરડી ડેમ પણ ઓવરફ્લો થયો છે. આસપાસનાં ગામોમાં એલર્ટ અપાઈ ગયું છે.

માંડવીમાં સવારથી ધીમી ધારે વરસાદ
માંડવી શહેરમાં આજ સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. મોસમનો કુલ વરસાદ 28 ઇંચ પર પહોંચી ગયો છે. શહેરના નીચાણવાળા બાબાવાળી, જયનગર, મેઘ મંગળ સોસાયટી, નગનાથ સોસાયટીમાં આ પૂર્વે ભરાયેલા પાણી ઓસરે એ પહેલાં ફરી જળ ભરાતાં લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે. નજીકનો વિજય સાગર ડેમ પણ આજના વરસાદના પગલે ઓવરફ્લો થઈ ગયો છે. જેને કારણે પાસેનાં 6 ગામમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેની સાથે ખારોડ ડેમ ઓવરફ્લો થતાં રાજડા ડેમ, જ્યોતેશ્વર ડેમ, ઘોડાલખ ડેમ અને ખારોડ ડેમ આ ચારેય ડેમના પાણી ગોધરાની નદીમાં આવવાના ચાલુ થઈ ગયા છે. નદીમાં પૂર આવવાની શક્યતા હોઈ, જાનમાલને નુકસાન ન થાય એ માટે ગોધરા ગ્રામવાસીઓએ ખાસ તકેદારી લેવાની તાકીદ ગ્રામપંચાયત દ્વારા કરવામાં આવી હતી.

પાલરઘુના ધોધ વિકરણ સ્વરૂપે વહી નીકળ્યો
ભુજ-નખત્રાણા ધોરીમાર્ગ પર આવેલા પુરેશ્વર મહાદેવ મંદિરથી ચાર કિલોમીટર અંદર આવેલો કચ્છનો સૌથી મોટો નાયગ્રા ધોધ તરીકે જાણીતો પાલરઘુના ધોધ વિપુલ જળરાશિના કારણે વિકરણ સ્વરૂપે વહી નીકળ્યો હતો. લોકો ધોધ સુધી ના પહોંચે એ માટે તંત્ર દ્વારા વરસાદ વચ્ચે પોલીસ-બંદોબસ્ત ગોઠવવવામાં આવ્યો છે.

નખત્રાણાના લાખિયારવીરાના બધા રસ્તા બંધ
ભુજ નજીકના માધાપરના ઐશ્વર્યા નગરના ગેટ પાસે આવેલા મહાદેવ મંદિર સામે મોમ્સ સ્કૂલની બસ પાણીમાં ફસાઈ જતા 27 બાળકોને સલામત રીતે ઉતારી લેવાયા હતા. નજીકમાં જ પાણીનો બોકળો નીકળતો હોવાથી મોટી જાનહાની ટળી હતી. જોકે, ઘટનાના એક કલાક વીતી ગયા બાદ પણ સ્કૂલની અન્ય બસ છાત્રોને લેવા ના આવતા બાળકોને વરસાદ વચ્ચે ઉભા રહેવું પડી રહ્યું છે. જ્યારે તેમાંના કેટલાક બાળકોને વાલીઓ સામે આવીને લઈ ગયા હતા. અતિ ભારે વરસાદના પગલે નખત્રાણાના લાખિયારવીરાના બધા રસ્તા બંધ છે. જેથી ક્યાંય આવ જાવ થઈ શકે તેમ નથી.

લખપતમાં 148 ટકા અને માંડવીમાં 118 ટકા વરસાદ
છેલ્લા ચાર દિવસથી પડેલા વરસાદને પગલે સૌથી વધુ વરસાદ કચ્છમાં નોંધાયો છે. કચ્છમાં છેલ્લા અઠવાડિયાના વરસાદને કારણે આખાય જિલ્લામાં 75.20 ટકા વરસાદ વરસી ચુકયો છે. તેમાં લખપતમાં તો સિઝનના પડતા વરસાદ કરતાં દોઢ ગણો વધુ એટલે કે 148 ટકા અને માંડવીમાં 118 ટકા, અને મુંદ્રામાં 124 ટકા વરસાદ વરસી ચુકયો છે. 12 તારીખના સવાર છ વાગ્યા સુધીના સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરના ડેટા મુજબ કચ્છમાં 75.20 ટકા વરસાદ વરસ્યો છે. જોકે, સવારે છ વાગ્યા પછી પણ પડી રહેલા વરસાદને પગલે કચ્છમાં સિઝનનો 80 ટકા વરસાદ વરસી ચુકયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં સીઝનનો 43 ટકા વરસાદ નોંધાઇ ચૂકયો છે. જેમાં સૌથી વધુ કચ્છ રીજીયનમાં સીઝનનો 75 ટકા વરસાદ પડયો છે,તો સૌરાષ્ટ-ઝોનમાં 44 ટકા,મધ્ય ગુજરાતમાં 36 ટકા, ઉત્તર ગુજરાતમાં 23 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 52 ટકા વરસાદ વરસ્યો છે.

ક્યા તાલુકામાં કેટલો વરસાદ?
બપોરે ચાર વાગ્યા સુધીમાં અંજારમાં સાડા આઠ ઇંચ, ભુજમાં આઠ ઇંચ, ગાંધીધામમાં સાડા છ ઇંચ, નખત્રાણામાં ચારઇંચ વરસાદ ખાબક્યો હતો. કચ્છના અબડાસામાં 70 મીમી,માંડવીમાં 69 મીમી વરસાદ પડયો હતો. મુંદ્રામાં 42 મીમી વરસાદ પડયો હતો.

અન્ય સમાચારો પણ છે...