ભુજ ખાતે દિન દયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના હેઠળ સ્વસહાય જુથો માટે બેંક લિન્કેજ અન્વયે યોજાયેલા કેશ ક્રેડીટ કેમ્પમાં રૂ.2.55 કરોડ જિલ્લાના 210 સખીમંડળોને અપાયા હતા. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી બોલતા જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, કચ્છના 6276 સ્વસહાય જુથોની મહિલા આત્મનિર્ભર બની પોતાના વિવિધ કૌશલ્યથી રોજગારી મેળવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિર્ધદષ્ટીના પગલે ટુરિઝમ હબ બનેલા કચ્છમાં બહેનોની વિવિધ કારીગરી અને કૌશલ્યને સખીમંડળ સ્વસહાય જુથો દ્વારા બજારમાં મુકી વિશ્વ પ્રસિધ્ધ બનાવી છે.
કચ્છી ભરતકામ, અજરખની કામગીરી કે વિવિધ કલાકારીથી આપણે આત્મનિર્ભર બની રહયા છીએ. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ છેલ્લા બે વર્ષમાં કેશ ક્રેડીટ લોનની બમણી રકમ અપાય છે જેને 97 ટકા બહેનો નિયમિત રીતે પરત કરે છે. સખીમંડળોની બહેનો વિવિધ મહિલા- બાલિકા અને સરકારી યોજનાઓનો પણ વધુ લાભ લઇ આર્થિક ઉન્નત બનો. સ્વાવલંબી બની સમૃધ્ધ થઇએ આત્મનિર્ભર થઇએ. બેંક ઓફ બરોડા ભુજના લીડ બેંક મેનેજર એમ.કે.દાસે આ તકે જણાવ્યું હતું કે, કચ્છમાં સક્રિય બેંકોમાં 393 શાખા સખીમંડળો માટે કાર્યરત છે.
બેંકની કામગીરીમાં કોઇ સમસ્યા થાય તો અમે સહાય માટે સક્રિય છીએ. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ડિસ્ટ્રીકટ લાઇવલીહુડ મિશનના ભાવિનભાઇ સેંધાણીએ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન કેશ ક્રેડિટ લોન કેમ્પ બાબતે વિગતે માહિતી પુરી પાડતા જણાવ્યું હતું કે, કચ્છમાં મિશન મંગલમ હેઠળ 6276 સ્વસહાય જુથો, 74 બેંકસખી, 12 બિઝનેસ કોરસપોન્ડન્ટ છે. રૂ.64 કરોડ ક્રેડિટ લોન, રૂ.17 કરોડ રિવોલ્વીંગ ફંડ અને કમ્યુનીટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ છે. રૂ.12 કરોડથી વધુ સેલ્ફ હેલ્પગ્રુપ બચત થઇ કુલ રૂ.93 કરોડ રકમ ધરાવતો પરિવાર છે.
મિશન મંગલમની બહેનોએ 97 ટકા લોન નિયમિત પરત કરી છે જેના ફળરૂપે બે વર્ષમાં સમીમંડળોને બે ગણી કેશક્રેડિટ લોન બેંક આપી રહી છે. શ્રેષ્ઠ કામગીરી કરનાર બેંક સખી રાધાબેન કાપડી અને લક્ષ્મી સખીમંડળના ગરવા કંકુબેને પોતાના પ્રતિભાવ આપ્યા હતા. તે જ શ્રેષ્ઠ કામગીરી કરનાર પાંચ બેંક સખીને પ્રમાણપત્ર અને ક્રેશક્રેડિટ લોનના ચેકનું વિતરણ કર્યુ હતું. આભારવિધિ જિલ્લા આજીવિકા મિશન મંગલમના ખુશ્બુબેન ગોસ્વામીએ કરી હતી. તેમજ જિલ્લાના લાભાર્થી અન્ય સખીમંડળોને તાલુકા કાઉન્ટર પરથી પણ મંજુરી પત્રો અપાયા હતા.આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આસ્થાબેન સોલંકી, તાલુકા વિકાસ અધિકારી શૈલેષભાઇ રાઠોડ વગેરે ઉપસ્થિત રહયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.