સિદ્ધિ યોગ સાથે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે. ભગવાન શિવની આરાધાનના આ મહિનાની શરૂઆતની સાથે તહેવારોનો પણ પ્રારંભ થશે. જ્યારે આગામી 103 દિવસ એટલે કે કારતક સુદ પૂનમ સુધી 40થી વધુ દિવસ વ્રત અને તહેવારો આવશે. ચાલુ વર્ષે કચ્છભરમાં સાર્વત્રિક મેઘમહેર થતાં ખુશાલી ફેલાઇ છે, શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં ઉજવાનારા પર્વોમાં લોકો બેવડા ઉત્સાહ સાથે ભાગ લેશે.
શ્રાવણમાં નાગ પંચમી અને રક્ષાબંધન, રાંધણ છઠ, શીતળા સાતમ, જન્માષ્ટમી, ગણેશોત્સવ આવશે. આસો માસમાં સૌથી વધુ દિવસ ઉત્સવ મનાવાશે, જેમાં 15 દિવસ શ્રાદ્ધ પક્ષ, 9 દિવસ નવરાત્રી, દશેરા અને શરદ પૂનમ આવશે. કારતક મહિનામાં ચોથ, પુષ્યનક્ષત્ર, પાંચ દિવસ દિવાળી, દેવઊઠી એકાદશી અને દેવદેવાળી પર્વ આવશે. દેવઊઠી અગિયારસની સાથે જ ચાતુર્માસ પૂરા થશે.
ભુજમાં હિલોળા લેતા હમીરસર કાંઠે મેળો જામશે
કુકમા પાસે ખાત્રોડના ડુંગરે આશાપુરા મંદિરે તેમજ ભુજમાં ભુજિયાની તળેટીમાં મેળો યોજાવા સાથે મેળો મોસમ શરૂ થઇ છે. હવે ભુજના હમીરસર તળાવના કાંઠે સાતમ-આઠમના મેળાની રંગત જામશે. ચાલુ સાલે તળાવ ભરાયેલું હોતાં રોનક વધી જશે. આ ઉપરાંત ભાદરવા મહિનામાં મિનિ તરણેતર ગણાતા મોટા યક્ષ અને વોંધ પાસેના રામદેવપીર મંદિરે પણ મોટો મેળો ભરાશે. મેઘરાજાએ મહેર કરતાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે તેવી સંભાવના છે.
આસો મહિને નવરાત્રિ અને દિવાળી ઉમંગે ઉજવાશે
શ્રાવણ બાદ ભાદરવા મહિનામાં ઠેર-ઠેર દુંદાળા દેવ ગણેશની સ્થાપના સાથે ઉત્સવ ઉજવાશે ત્યારબાદ આસો મહિનાના આરંભે માતાના મઢ ખાતે કચ્છની કુળદેવી આશાપુરા માતાજીના મંદિરે ધર્મોલ્લાસ સાથે નવરાત્રિની આસ્થાભેર ઉજવણી કરાશે. ભુજના આશાપુરા મંદિરે તેમજ રવના રવેચી મંદિરે પણ નોરતા ઉજવાશે. મહિનાના અંતમાં ધનતેરસથી દિપોત્સવી પર્વની અનેરા ઉલ્લાસ અને આનંદ સાથે ઉજવણી કરાશે.
એકાદશીઓ, ચતુર્થી સહિત ખાસ તિથિઓ પણ રહેશે | ||
તિથિ | પર્વ/વ્રત | તારીખ |
શ્રાવણ સુદ પૂનમ | રક્ષાબંધન | 11 ઓગસ્ટ |
શ્રાવણ વદ 2 | પંચક યોગ, હિંડોળા સમાપ્તિ | 13 ઓગસ્ટ |
શ્રાવણ વદ 3 | ફૂલકાજળી વ્રત, કજલી ત્રીજ | 14 ઓગસ્ટ |
શ્રાવણ વદ 5 | નાગ પાંચમી, પતેતી | 16 ઓગસ્ટ |
શ્રાવણ વદ 6 | રાંધણ છઠ્ઠ, હળ ષષ્ઠી | 17 ઓગસ્ટ |
શ્રાવણ વદ 7 | શીતળા સાતમ | 18 ઓગસ્ટ |
શ્રાવણ વદ 8 | જન્માષ્ટમી | 19 ઓગસ્ટ |
શ્રાવણ વદ 12 | અજા એકાદશી (ભાગવત) | 23 ઓગસ્ટ |
શ્રાવણ વદ 12 | પ્રદોષ, પર્યુષણ પર્વ પ્રારંભ | 24 ઓગસ્ટ |
શ્રાવણ વદ 13 | ગુરુ પુષ્યામૃત, અઘોરા ચતુર્દશી | 25 ઓગસ્ટ |
શ્રાવણ વદ 14 | દર્શ/પીઠોરી અમાસ | 26 ઓગસ્ટ |
શ્રાવણ વદ 30 | અમાસ, શિવ પાર્થેશ્વર પૂજા, મેળો | 27 ઓગસ્ટ |
ભાદરવા સુદ 1 | મહાવીર પ્રભુ જન્મવાંચન દિન | 28 ઓગસ્ટ |
ભાદરવા સુદ 4 | ગણેશ ચતુર્થી | 31 ઓગસ્ટ |
ભાદરવા સુદ 5 | જૈન સંવત્સરી, સામા પાંચમ | 1 સપ્ટેમ્બર |
ભાદરવા સુદ 14 | અનંત ચતુર્દશી | 9 સપ્ટેમ્બર |
ભાદરવા સુદ 15 | શ્રાદ્ધ શરૂ | 10 સપ્ટેમ્બર |
ભાદરવ વદ 30 | સર્વપિતૃ અમાસ | 25 સપ્ટેમ્બર |
આસો સુદ 1 | નવરાત્રી પ્રારંભ | 26 સપ્ટેમ્બર |
આસો સુદ 8 | દુર્ગાષ્ટમી | 3 ઓક્ટોબર |
આસો સુદ 9 | મહાનવમી | 4 ઓક્ટોબર |
આસો સુદ 10 | દશેરા | 5 ઓક્ટોબર |
આસો સુદ 15 | શરદ પૂનમ | 9 ઓક્ટોબર |
આસો વદ 8 | પુષ્ય નક્ષત્ર | 18-19 ઓક્ટોબરે |
આસો વદ 11 | રમા એકાદશી, વાઘ બારસ | 21 ઓક્ટોબર |
આસો વદ 12 | ધનતેરસ (સાંજે 6.03થી) | 22 ઓક્ટોબર |
આસો વદ 13 | કાળી ચૌદશ | (સાંજે 6.04થી) |
કારતક સુદ 1-2 | નૂતન વર્ષ, બપોરે 2.43થી ભાઈબીજ | 26 ઓક્ટોબર |
કારતક સુદ 4-5 | લાભ પાંચમ | 29 ઓક્ટોબર |
કારતક સુદ 6 | છઠ પર્વ | 30 ઓક્ટોબર |
કારતક સુદ 11 | દેવ ઊઠી અગિયારસ, તુલસી વિવાહ | 4 નવેમ્બર |
કારતક સુદ પૂનમ | દેવ દિવાળી | 8 નવેમ્બર |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.