ભાસ્કર એક્સક્લુઝિવ:સરકારે બે વર્ષ પૂર્વે બંધ કરેલી સામખિયાળીની આરટીઓ ચેકપોસ્ટ પર શિરજોર અને અસામાજિક તત્વોનો કબજો

સામખિયાળી18 દિવસ પહેલાલેખક: રમજુ છત્રા
  • કૉપી લિંક
  • સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરીને ધંધાર્થીઓને ભાડે આપી દેવાયા

પૂર્વ કચ્છમાં કાયદાનો કોઇ ડર ન હોય તેમ ચોરી, લૂંટ, દારૂ, જુગાર અને હત્યાના બનાવો બની રહ્યા છે તેવામાં બેખોફ બનેલા અસામાજિક તત્વોએ સામખિયાળીની બંધ પડેલી આરટીઓ ચેકપોસ્ટ પર કબજો કરી લીધો છે. માથાભારે શખ્સોએ સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરીને ભાડે આપ્યાં છે તેમ છતાં તેમની સામે કોઇ કાર્યવાહી ન કરાતાં તર્ક વિતર્ક થઇ રહ્યા છે. અસામાજિકોને શબક શીખાડવા લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે કડક કાર્યવાહી કરાય તેવી માગ સામખિયાળી પંથકમાં ઉઠી છે.

રાજ્યની આરટીઓ ચેક પોસ્ટ પર ભ્રષ્ટાચાર આચરાતો હોવાના પુરાવા મળતાં સરકારે રાતોરાત ગુજરાતની તમામ ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય લીધો હતો જેને પગલે સામખિયાળીની ચેકપોસ્ટ પણ બંધ કરી દેવાઇ હતી જેના પર અસામાજિક તત્વોનો ડોળો પડતાં તેના પર કબજો જમાવી લીધો છે.

કાયદાનો કોઇ જ ડર ન હોય તેમ સરકારી મિલકતમાં ઓફિસ અને હોટેલ બનાવી દેવાયા છે. ચેકપોસ્ટની જમીન પર કેબિનો મૂકીને ભાડા વસુલી રહ્યા છે. ચેકપોસ્ટનો મોટા ભાગનો સામાન ચોરાઇ ગયો છે. છેલ્લા કેટલાક સમયથી બેખોફ ચાલી રહેલી આ ગેરપ્રવૃત્તિને ડામવા માથાભારે લોકો સામે ધાક બેસાડતી કાર્યવાહી કરાય તેવી માગ ઉઠી છે.

જિલ્લા સમાહર્તા અને પોલીસવડા સહિતના અધિકારીઓને આ દબાણ દેખાતું નથી ?
સામખિયાળી હાઇવે પરથી કલેક્ટર અને એસપી ઉપરાંત મામલતદાર, પ્રાંત સહિતના અધિકારીઓ પસાર થાય છે. ચેક પોસ્ટ ભલે બંધ પડી હોય પણ તેના પર અનધિકૃત રીતે થયેલાં બાંધકામો અને દબાણો ઉચ્ચ અધિકારીઓને કેમ દેખાતાં નથી તેવો સવાલ જાગૃતો કરી રહ્યા છે. કબજો જમાવનારા માથાભારે હોવાથી તેમનું નામ લેવા કોઇ તૈયાર નથી.

કબજા વાળી જગ્યા પર કેફી પદાર્થોનું થાય છે ધૂમ વેચાણ
ચેકપોસ્ટ કાર્યરત હતી ત્યારે અનેક વિવાદોમાં રહેતી હતી અને બંધ થઇ ગયા પછી પણ દબાણોના પગલે વિવાદાસ્પદ બની છે. કબજાવાળી જગ્યાએ બનાવાયેલી હોટેલોમાં ચાય-નાસ્તાના નામે દેશી અને અંગ્રેજી શરાબ, ગાંજો, અફીણ જેવા માદક પદાર્થોનું ધૂમ વેચાણ થતું હોવાનું સૂત્રો કરી રહ્યા છેે. સ્થાનિક પોલીસ આ બાબતે જાણતી હોવા છતાં આંખ આડા કાન કરી રહી છે તેવા આક્ષેપો ઉઠ્યા છે.

અન્ય સમાચારો પણ છે...