કચ્છમાં સેવાભાવી ગ્રુપ દ્વારા પક્ષીઓના નિભાવ માટે અનોખુ જીવદયા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દાતાઓના સહયોગથી સિમમાં પક્ષીઓના નિભાવ માટે અલાયદા પિંજરા બનાવી તેમાં દાણા-પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જ્યાં કાબર, ચકલી , કબૂતર સાથે મોર સહિતના વિવિધ પક્ષીઓ માટે અનુરૂપ ટ્રાએન્ગલ પક્ષી પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. નખત્રાણા તાલુકાના નાગલપર, નાના અંગીયા અને જીંદાય ગામની ત્રિકોણ સરહદ વચ્ચેના સિમ વિસ્તારમાં આ સુવિધા શરૂ કરવામાં આવી છે. જ્યાં જ્યાં ભાત-ભાતના રંગબેરંગી પક્ષીઓ નિશ્ચિત બની કલરવ કરતા જોવા મળી રહ્યા છે.
નખત્રાણા પંથકમાં 51 પક્ષી પોઇન્ટ બનાવવાની નેમ
પક્ષી ઘર અને પક્ષીઓ માટે કુંડા બનાવવાની વાત આમતો સામાન્ય લાગે પરંતુ પક્ષીઓ માટે સુરક્ષિત કેન્દ્ર બનાવાયા હોય એવું કચ્છમાં સંભવિત પ્રથમ વખત નખત્રાણા પંથકના સીમાડામાં જોવા મળી રહ્યું છે. આ વિશે નાના અંગીયાના વ્યવસાઈ અને સેવાભાવી મનોજ વાઘાણી સાથે વાત કરતા જાણવા મળ્યું કે મિત્ર વર્તુળના શ્રમદાન અને દાતા પરિવારના આર્થિક સહયોગથી પક્ષીઓ માટે સુવિધા ઉભી કરવામાં આવી છે. હાલ નખત્રાણાના નાગલપર, નાના અંગીયા અને જીંદાયની ત્રિકોણ સરહદ વચ્ચેના સિમ વિસ્તારમાં ત્રણેક ટ્રાય-એન્ગલ પક્ષી પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. ત્રણ ગામની વચ્ચેના વિસ્તારમાં આ સુવિધા ઉભી કરાતા તેને ટ્રાય-એન્ગલ પક્ષી પોઇન્ટ નામ આપવામાં આવ્યુ છે. આ પ્રકારનાનખત્રાણા પંથકમાં 51 પક્ષી પોઇન્ટ બનાવવાની આશા છે.
કેવા અને કેટલા મજુબત છે પક્ષી કેન્દ્રો
નાના પક્ષીઓની સાથે મોર- ઢેલ જેવા મોટા પક્ષીઓ પણ આરામથી ઉડીને આવી જઈ દાણા ચણી શકે તે માટે તમામ પક્ષીઓને અનુરૂપ 7 ફૂટની ઊંચાઈ સાથે લોખંડની જાળીના 40x30 ફુટની બાઉન્ડરી વાળા પિંજરા ખોડી તેના વચ્ચે સિમેન્ટ કોન્ક્રીટ ના ઉપયોગથી ખાસ પ્રકારના પાણીના મોટા કુંડા બનાવવામાં આવ્યા છે. તેમાં દરેક પ્રકારના પક્ષીઓ પાણી પીવાની સાથે ઉનાળાની ઋતુ દરમિયાન નાહવાની મોજ પણ માણી શકે તે મુજબના બનવાયા હોવાનું ચેતન માવાણીએ જણાવ્યું હતું.
પક્ષી કેન્દ્રો બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો
આ પ્રકારના પક્ષી કેન્દ્રો બનાવવાના કારણ વિશે આગળ વાત કરતા મનોજભાઈએ વધુમાં કહ્યું કે નાના અંગીયા સહિતના અન્ય બે ગામ વચ્ચેની સિમમાં વટે માર્ગુઓ દ્વારા પક્ષીઓ માટે ચણ નાખવામાં આવતા હતા પરંતુ જંગલી બિલાળા, કૂતરા સહિતના પ્રાણીઓથી પક્ષીઓને જોખમ રહેતું હતું. તેથી પક્ષીઓની સુરક્ષા અને સેવા થઈ શકે તે માટે આ મુજબના પક્ષી કેન્દ્રો બનાવ્યા છે. દાતા તરીકે સૌ પ્રથમ બાબુલાલ ભાણજી કેશરાણી સાથે વાત કરતા તેમણે પૂરતા આર્થિક સહયોગ સાથે તેમના સ્વર્ગસ્થ ભાઈ પ્રેમજીભાઈના નામેં ફંડ આપ્યું.
અનેક લોકો વિવિધ રીતે સહયોગી બન્યા
આ જગ્યા પર 40*30નો ટ્રાયગલ પક્ષીપોઇન્ટ બનાવવા ખીમજીભાઈ પારસિયા , મણિલાલ મુખી , અબજી પટેલ , વિજયભાઈ પેઈન્ટર , અમૃતભાઈ ધોળુ, સંજય રૂડાણી , તુલશીભાઈ ગરવા , રણજીત લોન્ચા , ગોપાલ ગરવા એ શ્રમદાન આપી સહયોગી બન્યા છે તો જગ્યા પર સાફસફાઈ માટે JCB મશીનની સેવા મિત રૂદાણી અને લોડર મશીનની સેવા વિનોદભાઈ કેશરાણી એ આપેલી છે. જ્યારે બાઉન્ડરીની જાળીઓ હોલસેલ ભાવે ઈશ્વર સ્ટીલ સ્ટોર્સએ તો સુદર્શન એલ્યુમિનિયમએ બોર્ડ તેમજ નખત્રાણા મધ્યે કલ્પેશભાઈ પારસિયા , સતીશ વાઘાણી , નારણભાઇ ડાયાણી , પિયુષ વાઘાણી , પૂજન સોની વગેરે દ્વારા ગ્રાફિક્સ ડિઝાઇન તેમજ અન્ય વસ્તુઓ પોહચાડવામાં મદદ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.